Controversy in Narmada over ticket cutting from Jangriya to Chhotu Vasava
પારિવારિક કલેહ /
1990થી જે આદિવાસી નેતાને BJP-કોંગ્રેસ હરાવી ન શક્યા તેમને ટિકિટના ફાંફાં, નાના દીકરાએ પાર્ટી છોડી; ગુજરાતનું રાજકારણ ગરમાયું
Team VTV10:22 AM, 13 Nov 22
| Updated: 10:24 AM, 13 Nov 22
નર્મદાની ઝઘડિયા બેઠક પરથી છોટુ વસાવાની ટિકિટ કપાતા વિવાદ સર્જાયો છે. છોટુ વસાવાની ટિકિટ કપાતા પુત્ર દિલીપ વસાવાએ BTP અને BTTSના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી છે.
નર્મદામાં ઝઘડીયાથી છોટુ વસાવાની ટિકિટ કપાતા વિવાદ
ઝઘડિયા બેઠક મહેશ વસાવાને મળતાં પરિવારમાં કકળાટ
છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાનું BTP અને BTTSમાંથી રાજીનામું
ગુજરાતના રાજકારણની વાત આવે ત્યારે છોટુ વસાવાનું નામ ન આવે એવું બંને જ નહીં. છેલ્લા લગભગ ચાર દાયકાથી ઝઘડિયા બેઠક અને છોટુ વસાવાનો નાતો જોડાયેલો રહ્યો છે. આ વખતે વસાવાના પરિવારમાંથી ટિકિટને લઈને કકળાટ સામે આવ્યો છે. મહેશ વસવાએ તેમના પિતા છોટુ વસાવા સામે મોરચો માંડ્યો છે. બીટીપી પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવાએ પિતાના બદલે ઝઘડિયા સીટ પર પોતાનું નામ જાહેર કરી દેતા વિવાદ સર્જાયો છે. છોટુ વસાવાના નાના દીકરા દિલીપ વસાવાએ BTP અને BTTSના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી
તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, 'BTP તથા BTTSના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા દ્વારા જે પ્રમાણે માનનીય છોટુભાઈ વસાવાની જે અવગણના થઈ છે, જેના કારણે ST, SC, OBC, માઈનોરિટી સમાજના અધિકારની લડાઈને ભારે નુકસાન થઈ રહ્યું છે, એ જોતાં હું દિલીપભાઈ છોટુભાઇ વસાવા BTP અને BTTS તમામ હોદ્દાઓ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું.'
વસાવા પરિવારમાં ટિકિટને લઈને કકળાટ
ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ તેમના પિતા છોટુ વસાવા સામે મોરચો મા્ડ્યો છે. તેમણે આખી પાર્ટી હાઈજેક કરી લીધી હોય એવું ચિત્ર ઉપસી આવ્યું છે. વસાવા પરિવારમાં ટિકિટને લઈને કકળાટ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ઝઘડિયાના સિટિંગ ધારાસભ્ય છોટુ વસાવાએ આ બેઠક પરથી ફરથી ચૂંટણી લડવાની હતી, પરંતુ તેમના મોટા દીકરા મહેશ વસાવા કે જેઓ હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય છે. તેમણે પિતાની સીટ પરથી પોતાનું નામ જાહેર કરી દીધું છે. વર્ષ 2017ની ચૂંટણીમાં ડેડિયાપાડા બેઠક પરથી મહેશ વાસવાનો 21,751 મતોથી વિજય થયો હોવા છતાં તેઓ હવે આ બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા નથી.
રાજકીય ગણિત બદલાતા મહેશ વસાવા સેફ સીટ ઝગડીયા પકડી
રાજકીય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, આ વખતે મહેશ વસાવા ડેડિયાપાડાને બદલે સેફ સીટ ઝઘડિયાથી ચૂંટણી લડવા માંગે છે. તેઓ ડેડિયાપાડાથી ચૂંટણી લડવાના મૂડમાં નથી. તેનું કારણ છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા. થોડા મહિનાઓ અગાઉ આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટી વચ્ચે થયેલું ગઠબંધન તૂટ્યા બાદ મહેશ વસાસાના એક સમયના ખાસ સાથીદાર માનવામાં આવતા ચૈતર વસાવા BTPને રામ રામ કહી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. આથી ડેડિયાપાડામાં BTPના બે ભાગલા પડી ગયા છે. જેથી તેઓ આ વખતે સેફ સીટ ઝઘડિયા સીટ પરથી ચૂંટણી લડવાના છે.
હું જીવીશ ત્યાં સુધી ચૂંટણી લડીશ: છોટુ વસાવા
આ વિધાનસભાની ચૂંટણીમાં BTP એ પોતાના 12 ઉમેદવારની યાદી જાહેર કરતા જ MLA છોટુ વસાવા ચૂંટણી નહિ લડેની વાતો વહેતી થઈ હતી. જોકે, આદિવાસી મસીહા છોટુ વસાવાએ આ અટકળોનો અંત આણ્યો હતો. તેઓએ કહ્યું હતું કે, 'હું જીવીશ ત્યાં સુધી ચુંટણી લડીશ અને ચૂંટણી લડાવીશ. આદિવાસીઓને એમના હક આપી દેવાઈ તો કાલથી લડવાનું બંધ. અમે આદિવાસીઓના હક માટે ચૂંટણી લડી રહ્યા છે. શક્ય હોય એટલી તમામ બેઠકો ઉપર BTP પોતાના ઉમેદવાર ઉભા રાખશે.'
18 ઉમેદવારના નામ જાહેર કર્યા
BTPએ અત્યાર સુધીમાં 18 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં પાર્ટીએ ડેડિયાપાડાથી બહાદુરસિંહ વસાવા, અંકલેશ્વરથી નીતિવ વસાવા, માંગરોળ બેઠક પરથી સુભાષ વસાવા, જંબુસરથી મણીલાલ પંડ્યા, નાંદોલથી મહેશ વસાવા, નિઝરથી સમીર નાઈક, વ્યારાથી સુનીલ ગામીત, ડાંગથી નિલેશ ઝાંબરે, ધરમપુરથી સુરેશ પટેલ, ઝાલોદથી મનસુખ કટારા, દાહોદથી દેવેન્દ્ર મેડા, જેતપુર (પાવી)થી નરેન્દ્ર રાઠવા, સંખેડાથી ફુરકન રાઠવા, કરજણથી ઘનશ્યામ વસાવા, ભિલોડાથી ડો.માર્ક કટારા, ખેડબ્રહ્માથી રવજી પાંડોરને ટિકિટ આપી છે. તો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા આ વખતે ઝઘડિયાથી ચૂંટણી લડશે.
2017માં બીટીપીને મળી હતી 2 સીટો
ગત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 182 સીટોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 99 બેઠકો કબજે કરી હતી. જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કોંગ્રેસ)ને 77 સીટો મળી હતી. તો ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના 2 ઉમેદવાર, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના 1 ઉમેદવાર અને અપક્ષના 3 ઉમેદવારોનો વિજય થયો હતો. ઝગડિયા બેઠક પરથી બીટીપીના ઉમેદવાર છોટુ વસાવા 60.18 ટકા મતોથી જીત્યા હતા. જ્યારે દેડિયાપાડાથી મહેશ છોટુ વસાવા 50.22 ટકા મતોથી જીત્યા હતા.