બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Contaminated water in hand pump at Vapi city of Valsad District
vtvAdmin
Last Updated: 07:58 PM, 13 May 2019
લાલ પાણી... કે જે શબ્દ સાંભળીને તમે જરૂર ચોંકી ગયાં હશો. પણ આ હકીકત છે. ઔદ્યોગિક નગરી વાપીનાં રંગ તેનાં પાણીમાં પણ જોવાં મળી રહ્યાં છે. આને કારણે જ વાપીનાં કેટલાંક વિસ્તારો જળતંગી ભોગવી રહ્યાં છે. 15 હજારથી વધુ વસ્તી ધરાવતા વાપી પાલિકાનાં વોર્ડ નંબર 5માં જે પ્રકારે લાલ પાણી નીકળી રહ્યું છે. તેને લીધે લોકોનું જીવન દુષ્કર બની ગયું છે.
ADVERTISEMENT
વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવેલાં ડુંગરી ફળિયા વિસ્તારમાં પાણી નથી એવું નથી. પરંતુ જે હેન્ડપંપમાંથી પાણી નીકળે છે. તેને જોઈને તમે પણ ચોંકી જશો. અહીં જ્યારે પણ હેન્ડપંપ ચલાવવામાં આવે ત્યારે ફક્તને ફક્ત લાલ ચટ્ટાક કે પીળા રંગનું પ્રદુષિત પાણી નીકળે છે. જેનો પીવામાં તો ઉપયોગ નથી થઈ શકતો પણ રોજબરોજનાં વપરાશમાં પણ આ પાણી કંઈ કામ આવતું નથી.
ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલ શિવાજીનગર, આઝાદ કાંઠા વિસ્તાર, મંદિર ફળિયું જેવાં અનેક વિસ્તારોમાં તમને આવાં જ દ્રશ્યો જોવાં મળશે. આ તમામ ફળિયામાં હેન્ડ પમ્પો આવેલા છે. પરંતુ આ હેન્ડપંપ માત્ર શોભાનાં ગાંઠિયા સમાન છે. કારણ કે આ પાણી જો સ્થાનિક લોકો વાપરે તો મોટી બીમારીઓનો ભોગ બને છે. શરબત જેવું દેખાતું આ પાણી હકીકતમાં કેમિકલવાળું પાણી છે જેને કોઈ પણ હિસાબે ઘર વપરાશમાં વાપરીને લઈ શકાતું નથી. તેથી સ્થાનિક લોકોને આજુબાજુનાં વિસ્તારોમાંથી પાણી લાવવું પડે છે. તો પીવાનું પાણી સ્થાનિકોને ખરીદવું પડે છે.
ADVERTISEMENT
વાપી નગરપાલિકા દમણગંગા વિયરમાંથી પાણી ફિલ્ટર કરી મોટા ભાગનાં વોર્ડમાં નળ કનેક્શન દ્વારા પાણી પૂરું પાડે છે. ત્યારે વોર્ડ નંબર 5નાં રહીશોને આજે પણ હેન્ડપંપનું પ્રદૂષિત પાણી મળી રહ્યું છે. નગરપાલિકામાં સમાવેશ થયાં બાદ પણ ડુંગરી ફળિયા વિસ્તારમાં આજ દિન સુધી મોટા ભાગનાં વિસ્તારોમાં પાલિકાનાં નળ કનેકશન પહોંચ્યાં નથી. સ્થાનિકોની એવી માંગ છે કે પાલિકા આ વિસ્તારોને પણ નળ કનેક્શન આપે જેથી આ વિસ્તારનાં લોકોને પણ પીવાનું શુદ્ધ પાણી મળી રહે.
વોર્ડ નંબર 5માં બિનગુજરાતી લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે જે મોટા ભાગે વાપીની કંપનીઓમાં કામદાર તરીકે કામ કરે છે. જેમની આવક ખૂબ ઓછી હોય છે તેમ છતાં પણ અહીંનાં લોકોને વર્ષનાં ચારથી પાંચ મહિના પીવાનું પાણી ખરીદીને પીવું પડે છે. તો કેટલાંક લોકો દૂર-દૂરથી કેરબાઓ ભરીને પાણી ઘરે લાવે છે. ત્યારે પાલિકા દ્વારા વોર્ડ નંબર 5ની લોકોની ફરિયાદ આજ દિન સુધી સાંભળવામાં આવી નથી.
આ વિસ્તારનાં લોકો પીવાનાં પાણી માટે અનેક વાર રેલી અને આંદોલન કરી ચુક્યાં છે. પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે. અહીંનાં સ્થાનિક લોકો પાલિકા તરફ મીટ માંડીને જ બેઠા છે પણ પાલિકાનાં સત્તાધીશોએ માત્રને માત્ર વાયદા સિવાય કશું આપ્યું નથી. પાલિકાનાં અન્ય વિસ્તારમાં ચોખ્ખું પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ અહીંનું લાલ રંગનું પ્રદુષિત પાણી દેખાતું જ નથી.
વાપી નગર પાલિકા દ્વારા રોજ 2 કરોડ લીટર પાણી પાલિકા વિસ્તારમાં પાઇપલાઈન દ્વારા આપવાનાં દાવાઓ તો કરી રહ્યું છે. ત્યારે 15 હજારથી વધુ વસ્તી ધરાવતા ડુંગરી ફળીયા વિસ્તારનાં લોકો આજે પણ પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યાં છે. હાલમાં તો પાલિકાનાં અધિકારી આગામી દિવસોમાં ટેન્કર દ્વારા પીવાનું પાણી આપવાની ખાતરી આપી રહ્યાં છે. પરંતુ તેનું અમલીકરણ થશે કે નહીં તે જોવાનું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.