Congress's big bet to win the Gujarat assembly elections
BIG NEWS /
....તો ગુજરાતમાં હશે આદિવાસી CM ચહેરો!, કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ નામને લઇને કર્યો મોટો ખુલાસો
Team VTV08:17 AM, 03 Dec 22
| Updated: 09:49 AM, 03 Dec 22
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે મોટો દાવ રમ્યો છે. ગઈકાલથી મીડિયામાં ચાલી રહેલા સમાચારને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે સમર્થન આપ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસનો મોટો દાવ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. પહેલા તબક્કાનું અંદાજિત 60.35 ટકા મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 58 ટકા જેટલું મતદાન થયું છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં 66 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ યોજાશે. 5 ડિસેમ્બરે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. આ પહેલા મીડિયામાં સૂત્રોને ટાંકીને સમાચાર વહેતા થયા છે કે કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવાયો છે કે જો તેમની ગુજરાતમાં સરકાર બની તો OBC ચહેરો મુખ્યમંત્રી હશે. આ ઉપરાંત ગુજરાતમાં એક-બે નહીં ત્રણ નાયબ મુખ્યમંત્રી હશે. જે SC, ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી હશે. મીડિયામાં ચાલી રહેલા આ સમાચારને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે સમર્થન આપ્યું છે.
મીડિયામાં જે કંઈ ચાલી રહ્યું છે એ ભગવાન સાચુ કરે એવું દેખાઈ રહ્યું છેઃ ઠાકોર
વડગામમાં યોજાયેલી જાહેરસભામાં સ્ટેજ પરથી જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, 'આજે મેં ટીવીમાં જોયું કે તેમાં ચાલતું હતું કે કોંગ્રેસના મુખ્યમંત્રી અને ત્રણ નાયબ મુખ્યમંત્રીને એવું, શું ખોટું છે એમાં?, આ અમારો નાયબ મુખ્યમંત્રી બને એવો નહીં?, અમારે પેલો અનંત પટેલ આદિવાસી આખા ગુજરાતની પોલીસ અને ભાજપ સામે લડે છે, એવો કદાચ ગુજરાતનો આદિવાસી મુખ્યમંત્રી બનતો હોય તો ચમ પેટમાં તેલ રેડાય છે. છેલ્લે છેલ્લે મીડિયામાં જે કંઈ ચાલી રહ્યું છે એ ભગવાન સાચુ કરે એવું દેખાઈ રહ્યું છે.'
સરકાર બનતા જ કોંગ્રેસનો CM OBC ચહેરો હશે
આપને જણાવી દઈએ કે, ગઈકાલથી મીડિયામાં સમાચાર ચાલી રહ્યા છે કે પ્રથમ તબક્કામાં ધીમી ગતિએ ચાલેલા મતદાનને જોતા ગુજરાત કોંગ્રેસ હવે મેદાને આવ્યુ છે. આ માટે ગુજરાત કોંગ્રેસે જો તેમની સરકાર બનશે તો મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી કયા સમાજમાંથી હશે તે નક્કી કરી લીધું છે. કોગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના ચૂંટણીના ઓર્બ્ઝવર અશોક ગેહલોતે છેલ્લી ઘડીએ મોટી ચાલ ચાલી છે. આજે યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોંગ્રેસનું બીજા તબક્કાના મતદાન પહેલાં ઓબીસી કાર્ડ
સૂત્રોના જણાવ્યા અનુસાર, બીજા તબક્કાના મતદાન પહેલા ગુજરાત કોંગ્રેસ જ્ઞાતિનું કાર્ડ રમવા જઈ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવાયા કે જો તેમની ગુજરાતમાં સરકાર બની તો OBC ચહેરો મુખ્યમંત્રી હશે. આ ઉપરાંત ગુજરાતમાં એક-બે નહીં ત્રણ નાયબ મુખ્યમંત્રી હશે. જે SC, ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી હશે.