કોંગ્રેસે શરૂ કરી જંગની તૈયારી, મોદીની કર્મભૂમિ વડોદરામાં લોકસભાની ચૂંટણીને લઇને બેઠક

By : hiren joshi 07:33 PM, 17 May 2018 | Updated : 07:33 PM, 17 May 2018
વડોદરાઃ કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં એક બાદ એક હારનો સ્વાદ ચાખવો પડી રહ્યો છે. ત્યારે કોગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કર્મભૂમિ વડોદરામાં લોકસભાની ચૂંટણી માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
2019ની લોકસભાની ચૂંટણીને હવે માત્ર એક વર્ષ બાકી રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેએ લોકસભાની ચૂંટણી જીતવા માટે કમરકસી છે.

કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કર્મભૂમિ એવા વડોદરામાં લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે શહેર કારોબારીની બેઠક બોલાવી હતી. જેમાં વડોદરાના પ્રભારી ચેતન રાવલ હાજર રહ્યા હતા. ચેતન રાવલે હોદ્દેદારોને લોકસભાની ચૂંટણીના પાઠ શીખવ્યા અને અત્યારથી જ ચૂંટણીમાં કામે લાગી જવા હાંકલ કરી છે.

કોંગ્રેસની કારોબારી બેઠકમાં વડોદરા કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા, કોર્પોરેટરો અને પ્રદેશના નેતાઓ હાજર રહ્યા હતા. મહત્વની વાત છે કે નરેન્દ્ર મોદી વર્ષ 2014માં વડોદરાથી 5 લાખ કરતા પણ વધુ મતોથી વિજયી બન્યા હતા.

શહેરી વિસ્તારમાં કોગ્રેસનું સંગઠન નબળુ છે સાથે જ કાર્યકરો અને હોદ્દેદારોમાં અંદરોઅંદર જુથવાદ પણ છે. જેને ડામવા ખાસ કારોબારી બેઠકમાં હોદ્દેદારોને સૂચના આપવામાં આવી હતી. કોગ્રેસે બુથ લેવલના જનમિત્ર બનાવ્યા છે. જેથી સંગઠન મજબુત બને અને પ્રજાની વચ્ચે જઈ શકાય.

વડોદરા શહેર કોગ્રેસ પ્રમુખે તો પ્રથમ વખત જે હોદ્દેદાર કારોબારી બેઠકમાં ગેરહાજર રહેશે તેને લેખિતમાં જાણ કરવા સૂચના આપી છે. અને જો હોદ્દેદાર લેખિતમાં જાણ નહી કરે તો તેના સામે કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી છે.

મહત્વની વાત છે કે જે રીતે કોગ્રેસનો ચૂંટણીમાં પરાજય થઈ રહ્યો છે જેના પગલે કોગ્રેસ કાર્યકરોનો ઉત્સાહ ઘટ્યો છે. જેના કારણે કોગ્રેસ કાર્યકરોનો ઉત્સાહ વધે અને બધા જ એકજુથ થઈને લોકસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરી શકે તે માટે કોગ્રેસે બેઠકોનો દોર શરૂ કર્યો છે. ત્યારે કોગ્રેસને બેઠકોનો દોર ચૂંટણીમાં કેટલો ફાયદો કરાવશે તે જોવું રહ્યું.Recent Story

Popular Story