ગાંધીનગર: કોંગ્રેસના ધારાસભ્યો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ છે. ધારાસભ્યોની ગાડી અંદર જતા રોકવામાં આવતા પોલીસ અને ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ થયું છે. વીરજી ઠુમ્મર ગેની બેન ઠાકોર અન્ય ધારાસભ્યો સાથે પોલીસની બોલાચાલી થઇ હતી.
ત્યારબાદ કોંગ્રેસના નેતાઓને આગળ વધતા અટકાવવામાં આવ્યા છે. કોંગ્રેસના કાર્યકરોએ પોલીસના વાહનોની હવા કાઢી નાંખી. પોલીસે અમિત ચાવડાની અટકાયત કરી છે. અમિત ચાવડા અને રાજીવ સાતવને બસમાં બેસાડી દેવામાં આવ્યા છે. અર્જુન મોઢવાડિયાની પણ અટકાયત કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાના કુલ સાત ગેટમાંથી ચાર ગેટ બંધ કરવામાં આવ્યા છે. ગેટ નંબર 1 અને ચાર મુલાકાતીઓને પ્રવેશ માટે ચાલુ રખાયો છે જ્યારે ગેટ નંબર સાત ધારાસભ્ય અને કર્મચારીઓને પ્રવેશ માટે ચાલુ રખાયો છે. કોંગ્રેસની ખેડૂત આક્રોશ રેલી યોજાવવાની છે તે સત્યાગ્રહ છાવણી ખાતે પણ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
વિધાનસભા ઘેરાવ ન થઈ શકે તે માટે પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો સાથે જ વિધાનસભાના તમામ દરવાજા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા છે. ગાંધીનગરમાં કોંગ્રેસના વિધાનસભા ઘેરાવ કાર્યક્રમ પહેલા વિધાનસભાના ગેટ નંબર એક પર હોબાળો સર્જાયો હતો.