સુરતના હજીરામાં એસ્સાર કંપનીએ જમીનનુ કૌભાંડ આચર્યુ હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના સી.જે.ચાવડા અને શૈલેષ પરમારે એસ્સાર કંપની પર જમીન કૌભાંડનો આક્ષેપ લગાવ્યો છે.
ભાડે આપેલી સરકારી જમીન ગેરકાયદે એસ્સાર કંપનીને સોપાઈ - કોંગ્રેસ
કોંગ્રેસે આરોપ મુજબ હજીરામાં આવેલ બ્લોક નંબર 355 અને 358ની 2 લાખ 24 હજાર 805 ચોરસ મીટર જમીનને શાંતિલાલ પટેલ નામના વ્યક્તિને 99 વર્ષના ભાડા પેટે આપાવામાં આવી હતી. પરંતુ વર્ષ 2005માં એસ્સાર કંપની દ્વારા આ જમીન લઈ લેવામાં આવી છે. નિયમ મુજબ આ ભાડા પેટે આપેલી જમીન પર કોઈ બાંધકામ ન કરી શકાય તેમ છતાં એસ્સાર કંપની દ્વારા ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવી રહ્યુ છે. આમ કોંગ્રેસે એસ્સાર કંપની પર ગેરકાયદે જમીન પચાવી પાડવાનો આરોપ લગાવી કાયદેસરની કાર્યવાહીની માગ કરી હતી. ભાડે આપેલી સરકારી જમીન ગેરકાયદે એસ્સાર કંપનીને સોપાઈ હોવાના કોંગ્રેસના આરોપથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
વિપુલ ચૌધરી કેસમાં 21 હજાર પાનાની ચાર્જશીટ કરાઈઃ સી.જે.ચાવડા
કોંગ્રેસે કહ્યુ હતુ કે, આ કૌંભાડ 2003થી ચાલી રહ્યુ છે. જો કેસની તપાસ કરવામાં આવે તો 1 વર્ષ જેટલો સમય લાગી જાય તેમ છે. સીજે ચાવડાએ હજીરાના આ જમીન કૌંભાડ મામલે એમ પણ કહ્યુ હતુ કે, વિપુલ ચૌધરી કેસમાં 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. જો આ કેસની તપાસ થાય તો 2 લાખ પાનાની ચાર્જશીટ દાખલ થાય તેવુ આ કૌભાંડ છે. હજુ સુધી કોંગ્રેસના આ કૌભાંડના આરોપમાં ભાજપ કે સરકાર તરફથી કોઈ વળતી પ્રતિક્રિયા આવી નથી. પણ એ વાત નક્કી છે કોંગ્રેસના આરોપ બાદ ઘણા સમય સુધી આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલુ રહેશે પણ કોઈ યોગ્ય તપાસ કે કોઈ ઠોસ ખુલાસો નહી થાય. કોંગ્રેસ માત્ર આરોપ કરી છૂટી જશે તો બીજી તરફ સરકાર આરોપ ખોટા છે કહી છટકી જશે.