CWC Meeting 2023 News: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે પ્રમુખ બન્યા પછી પ્રથમ વખત તેમની અધ્યક્ષતામાં શનિવાર (16 સપ્ટેમ્બર) થી હૈદરાબાદમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બે દિવસીય બેઠક
હૈદરાબાદમાં આજથી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક શરૂ
તેલંગાણા સહિત 5 રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી અંગે થશે ચર્ચા
CWC Meeting 2023 : 5 રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા હવે આજથી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક શરૂ થઈ રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે પ્રમુખ બન્યા પછી પ્રથમ વખત તેમની અધ્યક્ષતામાં શનિવાર (16 સપ્ટેમ્બર) થી હૈદરાબાદમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બે દિવસીય બેઠક શરૂ થવા જઈ રહી છે. આ બેઠકમાં તેલંગાણા સહિત 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે અને તેના માટે રણનીતિ પણ બનાવવામાં આવશે.
ચૂંટણીને લઈ કોંગ્રેસ કવાયતમાં
મહત્વનું છે કે, આવતીકાલે એટલે કે રવિવારે (17 સપ્ટેમ્બર) પાર્ટી હૈદરાબાદમાં વિજય રેલી કાઢશે અને તેલંગાણા માટે 5 ગેરંટી પણ જાહેર કરશે. નોંધનીય છે કે, મલ્લિકાર્જુન ખડગેએ ગયા મહિને જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની નવી ટીમની જાહેરાત કરી હતી. આજે યોજાનારી આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સાથે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજરી આપશે. આ સાથે જ બે દિવસ સુધી ચાલનારી આ બેઠક માટે દેશભરમાંથી કોંગ્રેસના નાના-મોટા નેતાઓ એકત્ર થવા લાગ્યા છે.
આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે
આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીની સાથે આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી અને આ માટે રચાયેલા ગ્રાન્ડ એલાયન્સ ઈન્ડિયા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ સિવાય મોંઘવારી, બેરોજગારી, મણિપુર હિંસા અને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ જેવા મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરવાની રણનીતિ પર પણ કામ કરવામાં આવશે.
આ તરફ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાવિ રણનીતિ, વિપક્ષી ગઠબંધન INDIAની એકતાને આગળ ધપાવવા, આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અને અન્ય અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવશે. સ્વાભાવિક રીતે કોંગ્રેસે તાજેતરમાં તેની કાર્યકારી સમિતિની પુનઃરચના કરી હતી. જેમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સાથે પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને રાહુલ ગાંધી સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ સામેલ છે. સચિન પાયલોટ અને શશિ થરૂર જેવા નેતાઓને આ વર્કિંગ કમિટીમાં પહેલીવાર સ્થાન મળ્યું છે.