Monday, June 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / અલ્પેશની બાવાનાં બેય બગડ્યાં જેવી સ્થિતિ સામે હાર્દિકને ઘી કેળાં, જુઓ કેવી છે આ નેતાઓની હાલત

અલ્પેશની બાવાનાં બેય બગડ્યાં જેવી સ્થિતિ સામે હાર્દિકને ઘી કેળાં, જુઓ કેવી છે આ નેતાઓની હાલત

ભીડ જોઈને જે ભાન ભૂલે તે નેતાઓનું ભવિષ્ય સારું હોતું નથી. આવી સ્થિતિ અનેક નેતાઓની થઈ છે તેમાં હવે અલ્પેશ ઠાકોરનો પણ સમાવેશ થાય છે. પોતાની મહત્વકાંક્ષા ટૂંકા ગાળામાં જ સંતોષવાનું સપનું જોતા અલ્પેશ ઠાકોરે જાતે જ પોતાનું લાંબાગાળાનું સપનું રોળી દીધું છે. તો સામે પક્ષે હાર્દિક પટેલને ચોક્કસ વિચારધારા સામેની લડાઈમાં કોંગ્રેસનો સાથ અને કોંગ્રસનો મંચ મળી રહ્યો છે. તો જાણીએ કોંગ્રેસનાં આ મંચ પરથી ગબડી ગયેલાં અને કોંગ્રેસનાં મંચ પરથી આસમાને વિહરવા લાગેલાં બે યુવા નેતાઓ વિશે...

લોકસભા ચૂંટણીનાં મતદાનની ક્ષણો ગુજરાતને દ્વારે દસ્તક દઈ રહી છે. દરેક પક્ષો દ્વારા જોર અને શોરથી પ્રચાર શરૂ કરી દેવાયો છે. ત્યારે ગુજરાતની રાજનીતિમાં જોવા મળી રહેલાં બે યુવા નેતાઓની બદલાયેલી સ્થિતિનાં બે દ્રશ્યો. રાજનીતિમાં પ્રવેશોત્સુક નવા યુવાનો માટે પાઠશાળા જેવા બની રહ્યાં છે. અહીં રાજકારણમાં ક્યાં બ્રેક મારવી તે સમજવામાં થાપ ખાઈ ગયેલાં અલ્પેશ ઠાકોરની વાત અને મહત્વકાંક્ષા સંતોષવાની લ્હાયમાં પોતાનાં જ સમાજમાં વિશ્વસનીયતા ગુમાવી બેઠેલાં અલ્પેશ ઠાકોરની સ્થિતિ.

ઘરનાય નહીં અને ઘાટનાય નહીં તેવી થઈ છે. બરાબર તેની સમાંતર અહીં બીજું દ્રશ્ય હાર્દિક ઉર્ફે ચોક્કસ વિચારધારા સામે મક્કમપણે લડી રહેલાં એક યુવા લડવૈયાનું છે. અનેક પછડાટો બાદ પણ પોતાની માંગ અને પોતાનાં દુશ્મનોની ઓળખ ન ભૂલેલાં હાર્દિક પટેલને હવે પોતાની વિચારધારા ફેલાવવા જાણે યોગ્ય મંચ મળી ગયું છે. હાર્દિક પટેલને કોંગ્રેસે સ્ટાર પ્રચારક તરીકે જવાબદારી સોંપી છે. એટલું જ નહીં હાર્દિકને રાષ્ટ્રીય લેવલે પ્રચાર માટે હેલિકોપ્ટર પણ ફાળવવામાં આવ્યું છે.

ઠીક 2017માં વિધાનસભા ચૂંટણી પહેલાં પોતે યુવા અને શક્તિશાળી નેતા તરીકેની છાપ પાડીને કોંગ્રેસમાંથી પોતે અને પોતાનાં સાથીદારોને ટિકિટ અપાવવામાં સફળ રહેલાં અલ્પેશ ઠાકોર વિધાનસભા ચૂંટણી જીતતાં જ પોતે રાષ્ટ્રીય નેતા હોય તેમ અન્યને તુચ્છ સમજવા લાગ્યાં હતાં. એટલું જ નહીં વારંવાર સમૂળી કોંગ્રેસ પર દબાણ પણ કરવા લાગ્યાં હતાં. કોંગ્રેસની ટિકિટ પરથી રાધનપુર બેઠક જીતીને પ્રથમ વાર ધારાસભ્ય બનનાર અલ્પેશ ઠાકોરે સંકટ સમયે જ કોંગ્રેસને દગો આપી દીધો. અલ્પેશ ઠાકોરે રાજકીય સોદો કરીને પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં કોંગ્રેસ સમર્થક ઠાકોર-ઓબીસી મતદારોને ભડકાવી ભાજપમાં મત પરિવર્તિત કરવા બેઠકોનો દોર શરુ કર્યો છે.

આ ઉપરાંત ઠાકોર સેનાનાં કાર્યકરોને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં વિલિન કરવા તૈયારીઓ થઇ રહી છે. ટૂંકમાં કહીએ તો કોંગ્રેસને નુકસાન પહોંચાડવા અલ્પેશ ઠાકોરે અંદરખાને સોપારી લીધી છે. જો કે, અલ્પેશ જે મહત્વકાંક્ષા સાથે આ બધું કરી રહ્યો છે તે ખુદ તેની ઠાકોરસેનાને જ મંજૂર નથી. તો બીજી તરફ કોંગ્રેસમાંથી તેની અઘોષિત રીતે બાદબાકી જ થઈ ગઈ છે. અલ્પેશ ઠાકોર માટે હવે બાવાનાં બેય બગડ્યાં જેવી દશા થઇ છે.

કોંગ્રેસ હાઇકમાન્ડની ગુડબુકમાંથી અલ્પેશ ઠાકોરની બાદબાકી થઇ ચૂકી છે. કોંગ્રેસ પ્રદેશ નેતાઓ હવે અલ્પેશ ઠાકોરનો ભાવેય પૂછતાં નથી. અલ્પેશ ઠાકોરને યુપી, બિહાર, રાજસ્થાન સહિતનાં રાજ્યમાંથી બાદબાકી કરવામાં આવી છે. આ ઉપરાંત હવે સંગઠનનાં કાર્યક્રમ, પક્ષની બેઠક જ નહીં, ચૂંટણી પ્રચારમાં પણ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસવતી આમંત્રણ અપાતું નથી. ભાજપમાં જવા બેતાબ અલ્પેશ ઠાકોર હવે પક્ષપલ્ટો કરે તો કોઇ રાજકીય ફાયદો થાય તેમ નથી. કેમ કે, ભાજપ તેને વિધિસર પોતાનામાં જોડીને ગુજરાતમાં વસતા બિન ગુજરાતી સમુદાયની નારાજગી વહોરવા તૈયાર નથી. આ જોતાં અલ્પેશ ઠાકોરનું રાજકારણ બનાસકાંઠા પુરતુ જ સિમિત થઇ જાય તેવી સ્થિતી નિર્માણ થઇ છે. 

ઓબીસી મતોમાં ભાગલાં પડાવી કોંગ્રેસને નુકસાન પહોંચાડવા તૈયારી કરી રહેલાં અલ્પેશ ઠાકોરની ચાલને નિષ્ફળ કરવા કોંગ્રેસ હાર્દિક પટેલને પ્રોત્સાહન આપવા માંડ્યું છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે રાહુલ ગાંધી અને પ્રિયંકા બાદ ગુજરાતમાં હાર્દિક પટેલને ત્રીજા નંબરનો સૌથી મોટો પ્રચારક બનાવ્યો છે. કોંગ્રેસે હાર્દિક પટેલને અલગ-અલગ જગ્યાએ પ્રચાર કરવા માટે હેલિકોપ્ટર ફાળવ્યું છે. હાર્દિક પટેલ વધુમાં વધુ પ્રચાર કરી શકે તે માટે કોંગ્રેસે તેને હેલિકોપ્ટર ફાળવ્યું છે. હાર્દિક પટેલ ગુજરાતમાં જ નહીં, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં 50થી વધુ રેલીઓને સંબોધન કરશે.

હાર્દિક પટેલ 7 દિવસમાં 50 જાહેરસભાને સંબોધન કરી શકે તે માટે હેલિકોપ્ટરની ફાળવણી કરવામાં આવી છે. હાર્દિક પર કોંગ્રેસે જે ભરોસો મૂક્યો છે તેનું કારણ તેની વિચારધારાનાં દુશ્મનોને ઓળખી રાખવાની અને પોતાની માંગણી પર મક્કમ રહેવાની તાકાત છે. અનેક ચડાવ અને ઉતાર બાદ પણ તેણે પોતાની વિચારધારાનાં દુશ્મનાં ય દુશ્મન એવાં કોંગ્રેસને પોતાની તાકાત તરીકે ઓળખી લીધી. આજે એ જ કોંગ્રેસ હાર્દિક પટેલને બળ પૂરું પાડી રહી છે અને રાષ્ટ્રીય નેતાગીરી તરીકે છવાઈ જવાની તક આપી રહી છે. હાર્દિક આ તકનો ઉપયોગ એક સર્વ સ્વીકાર્ય નેતા તરીકે પોતાની ઓળખ ઉભી કરી શકશે કે અલ્પેશ ઠાકોર જેમ ક્યાંક થાપ ખાઈ જશે તે તો ભવિષ્યનાં ગર્ભમાં પડેલી વાત છે.

 
hardik patel Alpesh Thakor congress Lok Sabha Election 2019

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ