કોમનવેલ્થ ગેમ્સ /
તલવારબાજીમાં ગુજરાતના 12 બાળકોની પસંદગી, ભક્તિ પટેલે માત્ર 6 મહિનામાં કરી તૈયારી
Team VTV07:13 PM, 30 Jun 22
| Updated: 07:17 PM, 30 Jun 22
ઇંગ્લેન્ડના લંડનમાં યોજાનાર કોમનવેલ્થ ગેમના ટ્રાયલ માટે હિંમતનગરની દીકરી ભક્તિ પટેલ સહિત ગુજરાતના 12 જેટલા બાળકોની ટ્રાયલ માટે પસંદગી કરાઇ છે.
ગુજરાતના 12 બાળકોની કોમનવેલ્થ ગેમના ટ્રાયલ માટે પસંદગી
તલવારબાજીમાં હિંમતનગરની દીકરીનો સમાવશે
છ માસ પૂર્વે ભક્તિ પટેલે તલવારબાજીમાં અજમાવ્યો હતો હાથ
ગુજરાતના 12 જેટલા બાળકોની કોમનવેલ્થ ગેમના ટ્રાયલ માટે પસંદગી થઇ છે . જેના ભાગરૂપે તમામને ઓરિસ્સાના કટક ખાતે બોલાવવામાં આવ્યા છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરની 16 વર્ષીય ભક્તિ પટેલે માત્ર છ માસની તૈયારી બાદ કોમનવેલ્થ ગેમના ટ્રાયલ માટે ગુજરાત વતી પસંદગી થતા પરિવાર સહિત જિલ્લાભરમાં ખુશી ફેલાય છે.
ભક્તિ પટેલે ફૂટબોલ, વોલીબોલ સહિતની ગેમમાં મેળવ્યા ગોલ્ડ મેડલ
ઇંગ્લેન્ડના લંડનમાં આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે. જેમાં તલવારબાજીમાં ગુજરાતના ૧૨ જેટલા બાળકોની પસંદગી કરાઈ છે. તેમાં સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતી ભક્તિ પટેલનો પણ સમાવેશ થાય છે. ભક્તિ પટેલે અત્યાર સુધી ફૂટબોલ વોલીબોલ તેમજ કરાટે જેવી ગેમમાં ગોલ્ડ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે ત્યારે સમગ્ર દેશ માટે કોમનવેલ્થ ગેમ સહિત ઓલમ્પિકમાં નામના અપાવવાની ખેવના સાથે છ માસ પૂર્વે તલવારબાજીમાં ભક્તિ પટેલે હાથ અજમાવ્યો હતો.
ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ જીત્યો
જોકે પહેલાથી જ કુશાગ્ર બુદ્ધિની સાથો સાથ રમત પ્રત્યે વિશેષ રસ અને રુચિ દાખલનરી ભક્તિ પટેલે તલવારબાજીમાં પણ પોતાનો કસબ દેખાડ્યો છે. ખેલ મહાકુંભ દરમિયાન સમગ્ર ગુજરાતમાં સિલ્વર મેડલ જીતી ચૂકેલી ભક્તિ પટેલને તલવારબાજીમાં ગુજરાત ખેલકૂદ વિભાગ દ્વારા કોમનવેલ્થ ગેમ્સમાં પસંદગી કરવામાં આવી છે. હાલભક્તિ પટેલ ધોરણ 12 કોમર્સમાં હિંમતનગર ખાતે અભ્યાસ કરી રહી છે.
રાષ્ટ્રીય કક્ષાએ સફળતા માટે જોરશોરથી પ્રેક્ટિસ કરતી ભક્તિ પટેલ
છેલ્લા કેટલાક સમયથી વિશ્વ કક્ષાએ વિવિધ રમતોમાં દીકરીઓ ડંકો વગાડી રહી છે ત્યારે ભક્તિ પટેલ પણ આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ સફળતા મેળે તેવા ખંતથી જોરશોરથી પ્રેક્ટિસ કરી રહી છે. ભક્તિ પટેલના માતાએ જણાવ્યું હતું કે ભક્તિ પટેલ સ્થાનિક વિસ્તાર માટે હવે મહત્વનું નામ બની રહ્યું છે તેમજ આગામી સમયમાં ભક્તિ પટેલ દેશ માટે વિશેષ મેડલ લાવશે તો આજે થનારી ખુશી કરતાં પણ બમણી ખુશી સમગ્ર દેશને મળી શકશે. અને આ બાબતનું ગૌરવ આજીવન રહેશે. જોકે મૂડી કરતાં વ્યાજ વધુ વહાલું હોય તેમ ભક્તિ પટેલના દાદાએ જણાવ્યું હતું કે અભ્યાસની સાથોસાથ ભક્તિ પટેલે નિયમિત કરેલા પ્રયાસના પગલે આજે ગુજરાત કક્ષાએ તેનું નામ ગુંજતું થયું છે જે આગામી સમયમાં વિશ્વ કક્ષાએ ગુંજ છે તે નક્કી છે. તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.