નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ એટલે કે RSSનું પથચલન હવે રૂપેરી પડદે જોવા મળશે. વાત જાણે એમ છે કે RSS ઉપર ફિલ્મ બનવા જઈ રહી છે. આ માટે સંઘ સુપ્રીમો મોહન ભાગવતે લીલીઝંડી આપી દીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ ભગવાધ્વજ માટે 27 લોકોએ 7 મહિના સુધી રીસર્ચ કર્યું છે અને તે આધારે ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર કરવામાં આવી છે. આ ફિલ્મનું બજેટ 180 કરોડ રૂપિયાનું છે. એક વર્ષમાં ફિલ્મ તૈયાર કરવામાં આવશે અને આગામી લોકસભા ચૂંટણી પહેલા જ આ ફિલ્મને રીલીઝ કરવાનું આયોજન થઈ રહ્યું છે.
એક વર્ષમાં બની જશે ફિલ્મ
લહેરી વેલુએ જણાવ્યું કે 'અંદાજિત બે મહિના પહેલા અમે સ્ક્રિપ્ટ લઇ સંઘ પ્રમુખને મળ્યા તેઓ સ્ક્રિપ્ટ જોઇ બહુ જ ખુશ થયા. અહીં ફિલ્મ આખી સત્ય પર આધારિત છે.' વેલુએ જણાવ્યું કે આ ફિલ્મ માટે અમે અંદાજિત 180 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે. તેમણે કહ્યું 'અમારુ લક્ષ્ય લોકોને સંઘની સાચી ઓળખ તેમની વિચારધારા ભારત માટે તેમનું બલિદાન અને તેમના સંઘર્ષ વિશેની વાત છે.' અમે કામ માટે સંઘ પ્રમુખના આશિર્વાદ મળ્યા છે.
લોકસભા ચૂંટણી પહેલા ફિલ્મ થશે રીલીઝ!
તેમણે જણાવ્યું કે આ ફિલ્મ માટે અમે 'સંઘ' અને 'ભગવાધ્વજ' નામ રજિસ્ટર્ડ કરાવ્યું છે. ફિલ્મ માટે સ્ટાર કાસ્ટ નક્કી કરવામાં આવી રહ્યા છે. જેમાં સાઉથ ઇન્ડિયાન ફિલ્મોથી લઇ બોલિવુડ ફિલ્મના સ્ટારનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ટુંક સમયમાં જ ડાયરેક્ટર નક્કી થઇ જશે. એક સવાલ પૂછાયો હતો કે આ ફિલ્મ લોકસભા ચૂંટણી પહેલા રિલીઝ થઇ જશે? જેના જવાબમાં તેમણે કહ્યું કે આનો ચુંટણી સાથે કોઇ સંબંધ નથી. પરંતુ અમારા પ્રયત્નો છે કે એક વર્ષની અંદર આ ફિલ્મ તૈયાર થઇ જાય અને રિલીઝ થાય. આ ફિલ્મ હિન્દી અને તેલુગૂમાં હશે.