Team VTV09:34 AM, 15 Jan 20
| Updated: 11:15 AM, 15 Jan 20
ઉત્તર ભારતમાં પડી રહેલી ભારે હિમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. સતત બે દિવસ ઠંડીમાં જોવા મળેલી રાહત બાદ ઉત્તરાયણની મજાન માણતાં લોકોને ગઇકાલે સાંજે ઠંડીમાં ઠૂઠવાયેલા જોવા મળ્યાં હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ ઠંડીનું જોર યથાવત્ રહેશે.
કાતિલ ઠંડીથી રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું
બે દિવસ સુધી ઠંડીનું જોર રહેશે યથાવત્ઃ હવામાન વિભાગ
નલિયામાં તાપમાનનો પારો 5 ડિગ્રી સુધી ગગડ્યો
રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ઉત્તર ભારત તરફથી વહેતા ઠંડા પવનોએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે. આ ઠંડા પવનોના કારણે નલિયા ફરી એકવાર ઠંડુગાર થઈ ગયું છે. નલિયામાં પારો 5 ડિગ્રી સુધી ગગડી ગયો છે.
જેના કારણે નલિયાવાસીઓને બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. બીજી તરફ ડીસામાં પણ પારો 8 ડિગ્રી સુધી ગગડ્યો છે. જ્યારે ભુજ, ઈડર, અને રાજકોટમાં પારો 9-9 ડિગ્રી સુધી ગગડ્યો છે.
જ્યારે અમરેલી અને કંડલામાં 10 ડિગ્રી, અમદાવાદ અને પોરબંદરમાં 11 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડ્યો છે. ઠંડીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.