સોમવારે સીબીઆઈએ મમતા બેનરજીના ભત્રીજા અભિષેકની પત્ની રુજિરા બેનરજીના કોલકાતા ખાતેના નિવાસસ્થાને પહોંચીને બે કલાક પૂછપરછ કરી હતી.
સીબીઆઈએ મમતાના ભત્રીજા અભિષેકની પત્ની રુજિરાની બે કલાક પૂછપરછ કરી
સીબીઆઈએ રુજિરાને પૈસાની લેવડદેવડ અને સંપત્તિમાં આવેલા અચાનક ઉછાળા અંગે સવાલ કર્યાં
રુજિરાની સાથે તેમના પતિ અભિષેક પણ હાજર રહ્યાં
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીનો પરિવાર કોલસા કૌભાંડમાં બરાબરનો ફસાયો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, સીબીઆઈએ રુજિરાને પૈસાની લેવડદેવડ અને સંપત્તિમાં આવેલા અચાનક ઉછાળા અંગે સવાલ કર્યાં હતા. સીબીઆઈની પૂછપરછ દરમિયાન રુજિરાની સાથે તેમના પતિ અભિષેક પણ હાજર રહ્યાં હતા.
સીબીઆઈના આગમન પહેલા મમતા બેનરજી વહુ રુજિરાના ઘેર પહોંચ્યા
સીબીઆઈએ પૂછપરછ માટે આવે તે પહેલા મુખ્યપ્રધાન બેનરજી રુજિરા અને અભિષેકને મળવા ઘેર પહોંચ્યા હતા અને તેઓ લગભગ 10 મિનિટ સુધી રહ્યાં હતા અને જતી વખતે તેમની પૌત્રીને સાથે લઈ ગયા હતા.
રવિવારે સીબીઆઈએ રુજિરા અને તેની બહેન મેનકા ગંભીરને પણ સમન પાઠવીને તેમને પૂછપરછ માટે મળવા બોલાવ્યા હતા.સોમવારે સીબીઆઈએ મેનકા ગંભીરની કોલકાતા ખાતેના તેમના નિવાસસ્થાને પૂછપરછ કરી હતી. જ્યાં તેમણે ત્રણ કલાક સુધી સીબીઆઈના સવાલનો સામનો કર્યો હતો. સીબીઆઈના અધિકારીઓએ કહ્યું કે અમે જાણવા માગતા હતા કે શું મેનકા ગંભીર યુએઈમાં રહેતા બિઝનેશમેનને ઓળખે છે. આ બિઝનેશમેને કોલસા કૌભાંડના પૈસા મળ્યાં હોવાનો સીબીઆઈને શક છે.
પશ્ચિમ બંગાળનું કોલસા કૌભાંડ
સીબીઆઈએ ગત નવેમ્બરમાં એફઆઈઆર દાખલ કરીને મુખ્ય સંદિગ્ધ અનુપ મજી ઊર્ફ લાલા અને નેશનલ માઈનિંગ કંપનીના પાંચ અધિકારીઓને આરોપી તરીકે દર્શાવ્યા હતા. 28 નવેમ્બર 2020 ના દિવસે સીબીઆઈએ પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને યુપીમાં સંખ્યાબંધ ઠેકાણા પર દરોડા પાડ્યાં હતા.