મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરને કરોડોની ભેટ આપશે. આ ભેટ વર્ચ્યુઅલી આપવામાં આવશે. મુખ્યમંત્રી જામનગરમાં રૂપિયા 214 કરોડના ખર્ચે બનેલા ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓવરબ્રિજને ખુલ્લો મુકશે. આ બ્રિજ દિગ્જામ સર્કલથી એરફોર્સ રોડ સુધી બનાવવામાં આવ્યો છે. સાથે જ મુખ્યમંત્રી નવાગામ ઘેડ ખાતે રૂપિયા 90 કરોડના ખર્ચે બનેલા પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કરશે અને ડી.આઈ. પાઈપ લાઈન દ્વારા વોટર સપ્લાય સહિતના કામોનું ઈ-ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો અને મેયર સહિત જામનગર ભાજપના આગેવાનો હાજર રહેશે.
મંગળવારથી વંદે વિકાસ યાત્રાનો પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સાંજે અમદાવાદથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ર૦ વર્ષનો વિકાસ અને ર૦ વર્ષનો વિશ્વાસ એ બેય શબ્દો એકબીજાના પર્યાય બની ગયા છે તે ગુજરાતે સિદ્ધ કરી બતાવ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની અવિરત વિકાસ યાત્રાના બે-અઢી દાયકા પહેલાં રોપેલાં બીજથી આજે ગુજરાત વિકાસનું રોલ મોડેલ-દેશનું ગ્રોથ એન્જીન બન્યુ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે અને ગુજરાત પણ તેજ ગતિથી અગ્રેસર રહ્યું છે. લોકોએ આપણામાં મૂકેલો વિશ્વાસ વિકાસ સ્વરૂપે આપણે પરત આપ્યો છે એમ મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું.
શું છે હેતુ?
રાજ્યમાં પાછલા બે દશકમાં થયેલા જનહિત કામો, લોકકલ્યાણ યોજનાઓ અને વિકાસની ગાથા પ્રજાજનો સુધી પહોચાડવા વંદે ગુજરાત વિકાસ યાત્રા તા.પ થી ૧૯ જુલાઇ દરમ્યાન રાજ્યભરમાં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ 5 જુલાઇએ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં જીલ્લા કક્ષાએ મંત્રીમંડળના સભ્યો સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ યાત્રાનો શુભારંભ થયો છે. ૮૨ વંદે ગુજરાત વિકાસ રથ સાથે તા. ૫ થી ૧૯ જુલાઇ-૨૦૨૨ દરમિયાન યોજાનારી આ યાત્રા રાજ્યના ૩૩ જીલ્લાઓ, ૮ મહાનગરપાલિકાઓ અને તમામ ગામડા-વોર્ડમાં પરિભ્રમણ કરશે. જે અંતર્ગત રાજ્યભરમાં ૨૫૦૦ થી વધુ કાર્યક્રમો યોજાશે અને ૨૫ હજારથી વધુ નવા વિકાસ કાર્યોની ઘોષણા અને લોકાર્પણ કરાશે.