CM Bhupendra Patel Statement on Forever Gujarat Program in Bangalore
કર્ણાટક /
બેંગ્લોરમાં યોજાયો સદાકાળ ગુજરાત કાર્યક્રમ, CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ, કહ્યું ગુજરાતી વિકાસનો સંવાહક
Team VTV11:19 PM, 26 Mar 23
| Updated: 11:59 PM, 26 Mar 23
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના અમૃતકાળને સૌ સાથે મળી એક ભારત-શ્રેષ્ઠ ભારતના મંત્રને અમૃતમય બનાવીએઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
બેંગ્લોરમાં સદાકાળ ગુજરાત કાર્યક્રમના CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
'ગુજરાતી દેશ-દુનિયામાં જ્યાં પણ વસતો હોય ત્યાંના વિકાસમાં મદદગાર બને છે'
'આજે વિશ્વભરમાં ભારતની શાખ-પ્રતિષ્ઠા છવાઈ છે'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કર્ણાટકના બેંગ્લોરમાં કર્ણાટક ગુજરાતી સમાજ અને ગુજરાત સરકારના બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત સદાકાળ ગુજરાત કાર્યક્રમના અતિથિવિશેષપદેથી સંબોધન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના અમૃતકાળને એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રથી સૌ સાથે મળી અમૃતમય બનાવે તેવું પ્રેરક આહવાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે દેશ અને દુનિયામાં જ્યાં ક્યાંય પણ ગુજરાતી વસે છે, ત્યાં વિકાસમાં મદદગાર અને વિકાસના સંવાહક બન્યા છે.
'વિશ્વભરમાં ગુજરાતનું અને દેશનું ગૌરવ'
ગુજરાતના એન.આર.જી. મંત્રી હર્ષભાઈ સંઘવી, બેંગ્લોર દક્ષિણના સાંસદ અને ભાજપા યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યા, કર્ણાટક ભાજપા અધ્યક્ષ નલિનકુમાર કટીલ અને સાંસદ પી.સી. મોહન તેમજ ગુજરાતી સમાજના અગ્રણીઓ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગાંધીજી અને સરદાર પટેલ એમ ગુજરાતના બે સપૂતોની જોડીએ દેશને સ્વરાજ્ય અપાવ્યું. હવે નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જોડી સુરાજ્ય સાથે વિશ્વભરમાં ગુજરાતનું અને દેશનું ગૌરવ-સન્માન વધારી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, ભારતની એક સમયે વિશ્વના દેશો નોંધ પણ લેતા ન હતા. તે હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ શું કહે છે તે ધ્યાન દઈને સાંભળે છે.
'ગુજરાતી વિશ્વભરમાં ગૌરવ લે છે'
‘આજે આત્મનિર્ભર ભારત, મેઈક ઈન ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયાને પરિણામે વિદેશમાં જે કાંઈ નવી ટેકનોલોજી કે નવિન બાબતો આવે છે તે એ જ સમયે ભારતમાં પણ આવી જાય એવી સજ્જતા આપણે કેળવી છે.’ એમ મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતે મેળવેલી વિશ્વપ્રતિષ્ઠાનો ગૌરવસહ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ભારત માતાને આવી આગવી પ્રતિષ્ઠા અપાવનારા વડાપ્રધાન ગુજરાતની ધરતીના સંતાન છે તેનું દરેક ગુજરાતી વિશ્વભરમાં ગૌરવ લે છે. ગુજરાતે વિકાસની નવી ઊંચાઈઓ નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં પાર કરી છે, તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રણોત્સવ જ્યારે તેમણે શરૂ કરાવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે વિશ્વભરના લોકો આ સફેદ રણ જોવા આવશે.
'દેશભરમાં વિકાસની રાજનીતિ'
આજે આ રણ વિશ્વભરના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, અંબાજી ધામનું ડેવલપમેન્ટ, સાથે ગિફ્ટ સિટી, ધોલેરા એસ.આઈ.આર., જેવા વર્લ્ડક્લાસ પ્રકલ્પો વિકસાવી નરેન્દ્ર મોદીએ ગુજરાતના હોલિસ્ટિક એન્ડ ઓલરાઉન્ડ ડેવલપમેન્ટની નવી સિદ્ધિઓ પાર કરાવી છે, તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, આજે ગુજરાત જે ઊંચાઈએ છે, તેમાં લોકોનો સહયોગ અને જનતા જનાર્દને વિકાસમાં મૂકેલો વિશ્વાસ છે. આ જ વિશ્વાસ, આ જ ભરોસો દેશની જનતાએ નરેન્દ્ર મોદીમાં મૂકીને તેમને દેશનું સેવાદાયિત્વ સોંપ્યું છે. તેમણે જણાવ્યું કે, આ જ ભરોસો, આ જ વિશ્વાસ આવનારા દિવસોમાં દેશનાં અન્ય રાજ્યો પણ બરકરાર રાખશે અને દેશભરમાં વિકાસની રાજનીતિ, સુશાસન તથા ભારત માતાના ગૌરવ-પ્રતિષ્ઠા પર મંજૂરીની મહોર મારશે એ વાત નિશ્ચિત છે.
'કર્ણાટકમાં અલગ-અલગ સ્થળોએ મળીને 84 જેટલી ગુજરાતી સમાજો-સંગઠનો છે'
કર્ણાટક અને બેંગ્લોરમાં સ્થાયી થયેલા તથા વિવિધ ક્ષેત્રે સેવાપ્રદાનથી ગુજરાતીતા ઝળકાવનારા 15 જેટલી વ્યક્તિઓનું આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. બિનનિવાસી ગુજરાતી પ્રભાગ અને ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ કર્ણાટકમાં વસતા ગુજરાતી પરિવારોને રાજ્યના વિકાસના પ્રતિનિધિ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં અલગ-અલગ સ્થળોએ મળીને 84 જેટલી ગુજરાતી સમાજો-સંગઠનો છે, તે સૌ કર્ણાટકના વિકાસ માટે પોતાનું યોગદાન આપીને અહીં પણ ગુજરાતીતા ઝળકાવે છે. સદાકાળ ગુજરાત કાર્યક્રમ ગુજરાતના સર્વગ્રાહી અને આધુનિક વિકાસને અન્ય પ્રાંતપ્રદેશમાં વસતા લોકો સમક્ષ ઉજાગર કરવાનો ઉપક્રમ છે, તેની પણ ભૂમિકા હર્ષ સંઘવીએ આપી હતી.