કોરોના સંકટ વચ્ચે કેજરીવાલ સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં કોરોનાના RT-PCR ટેસ્ટના ભાવમાં બે તૃતીયાંશ જેટલો ઘટાડો કર્યો છે. ત્યારે હવે 800 રૂપિયામાં RT-PCRનો લાભ પ્રજાને મળી શકશે. જો કે, આ તરફ ગુજરાતમાં પણ કોરોનાને કેસમાં ચિંતાજનક રીતે વધારો નોંધાઇ રહ્યો છે અને RT-PCR ટેસ્ટના ભાવમાં 1500 રૂપિયા છે ત્યારે RT-PCR ટેસ્ટના ભાવ ઘટાડા મામલે સરકાર પણ ચોક્કસ નિર્ણય લે તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
દિલ્હીમાં ઘરેથી સેમ્પલ લેવા માટે ચુકવવા પડશે રૂ.1200
આપને જણાવી દઇએ કે, રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીમાં 2400 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હતા. આ સિવાય જો RT-PCR ટેસ્ટનું સેમ્પલ ઘરેથી કલેક્ટ કરવાનું હોય તો 1200 રૂપિયાની ચૂકવણી કરવાની રહેતી હતી.
રાજધાનીમાં કોરોનાની સ્થિતિમાં થયો સુધારો
આ તરફ કોરોનાની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં કોરોનાના કેસમાં દરરોજ નોંધાતા કેસમાં 30 ટકા ICU બેડ ખાલી થયા છે. તો પોઝિટિવિટી રેટ પણ 7.64% જેટલો ઘટતા ધીમે-ધીમે રાહત જોવા મળી રહી છે.
કોરોના સંક્રમણમાં થઇ રહ્યો છે ઘટાડો
દિલ્હીમાં કોરોના સંક્રમણના ફેલાવાની ઝડપમાં ઘટાડો થયો છે સાથે મહામારીથી મરનાર લોકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. રવિવારે પોઝિટિવિટી રેટ 8 ટકાની નીચે રહ્યો હતો. દિલ્હીમાં રિકવરી 92.2 ટકા પહોંચી ગયો છે તો એક્ટિવ દર્દી 6.19 ટકા રહ્યા છે. આ વચ્ચે ડેથ રેથ 1.6 ટકા છે દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 62,37,395 ટેસ્ટ થઇ ચૂક્યા છે.
આપને જણાવી દઇએ કે, રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન 4998 કેસ સામે આવ્યા છે જ્યારે 89 લોકોના મોત થયાં છે. ઉલ્લેખનીય છે કે, રાજધાની દિલ્હીમાં એક્ટિવ કેસની સંખ્યા 36578 છે.
PM મોદીએ 4 ડિસેમ્બરે બોલાવી છે સર્વદળીય બેઠક
કેન્દ્ર સરકારે દેશમાં કોવિડ-19ની સ્થિતિ પર ચર્ચા કરવા માટે 4 ડિસેમ્બરના રોજ ફરી એકવાર સર્વદળીય બેઠક બોલાવી છે. સોમવારે સૂત્રો દ્વારા આ જાણકારી પ્રાપ્ત થઇ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બરના રોજ કોવિડ-19ની દેશમાં સ્થિતિ કરવા માટે સદનમાં તમામ પાર્ટીઓના વડાઓ સાથે ઓનલાઇન બેઠક યોજવા જઇ રહ્યા છે.
સમાચાર એજન્સી 'પીટીઆઈ' એ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે સંસદના બંને ગૃહોમાં પાર્ટીઓના નેતાઓને શુક્રવારે સવારે સાડા દસ વાગ્યે ઓનલાઇન બેઠક માટે બોલાવાયા છે. આ માટે સંસદીય કાર્ય મંત્રાલય બેઠક માટે સંકલન કરી સંસદના બંને ગૃહોમાં પાર્ટીઓના નેતાઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
આજે કોવિડની રસી મુદ્દે યોજી હતી ઓનલાઇન બેઠક
આપને જણાવી દઇએ કે, સોમવારે પીએમ મોદીએ કોવિડ -19 રસીના વિકાસ અને ઉત્પાદન માટે ત્રણ ટીમો સાથે સોમવારે ઓનલાઇન બેઠક યોજી છે. આ ત્રણેય કંપનીઓ પુનાની 'જેનોવા બાયોફર્માસ્ટિકલ લિમિટેડ', હૈદરાબાદની 'બાયોલોજિકલ ઇ લિમિટેડ' અને 'ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ લિ. મોદીએ શનિવારે અમદાવાદ, હૈદરાબાદ અને પુણેની મુલાકાત પણ લીધી હતી. તેમણે આ શહેરોમાં કોરોનાવાયરસ રસીના વિકાસ અને ઉત્પાદન પ્રક્રિયાની સમીક્ષા કરી.
કોરોનાને કારણે દેશમાં 1,37,139 લોકોના અત્યાર સુધીમાં થયાં મોત
આપને જણાવી દઇએ કે, ભારતમાં ગત 24 કલાક દરમિયાન 38,772 નવા કેસ પછી દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 94,31,691 પર પહોંચી ગયા છે. આ સાથે જ 443 લોકોના મૃત્યુ થયાં છે અને મૃત્યુઆંક વધીને 1,37,139 થઈ ગયો છે.