રાજ્યમાં મેઘરાજાએ પુનઃપધરામણી કરી ત્યારે લોકોના હૈયા હરખથી છલકાઈ રહ્યા છે. કારણ કે જ્યારે સરકાર અછત રાહત માટે સમીક્ષા કરવાની તૈયારી કરી રહી હતી અને ખેડૂતોએ આશા છોડી જ દીધી હતી બરાબર તેવા સમયે જ થયેલી મેઘ મહેરને કારણે લોકોમાં ચેતનનો સંચાર થઈ ગયો છે.
છોટાઉદેપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ આવતા નસવાડીની અશ્વિની નદીમાં ઘોડાપુર આવ્યુ છે. અશ્વિની નદીમાં પુર આવતા પાસે આવેલા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
નદીમાં પાણીમાં વધારો થતા ગ્રામજનો નદીના પ્રવાહને જોવા માટે પહોંચ્યા હતા. ત્યારે હવે નસવાડી પાસે આવેલા સુકાપુરા ગામ સંપર્ક વિહોણું બન્યુ છે. કુકાવાટી ગામ પાસેનો કોઝવે પાણીમાં ઘરકાવ થતા સ્થાનિકોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
આ તરફ છોટાઉદેપુર જિલ્લાની હેરણ નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. નદીના પાણી પુલ પરથી પસાર થતા વાહન વ્યહવારને મોટી અસર પહોંચી છે. કોસિન્દ્ર-ચિખોદરનો વાહન વ્યહવાર ભારે વરસાદને કારણે ખોરવાયો છે તો લો લેવલ બ્રિજ પરથી નદીના પાણી આવતા વાહન વ્યહવાર આખરે બંધ કરવામાં આવ્યો છે.
લાંબા વિરામ બાદ છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર આગમન થતા છોટાઉદેપુરમાં જિલ્લાની સૌથી મોટી ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી અને નદી નાળા છલકાયા છે. ત્યારે ખેડૂતોમાં પણ જે ચિંતા હતી તેનો અંત આવ્યો છે.
ગઈ રાતથી વરસી રહેલા વરસાદથી જિલ્લામાં ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ઓરસંગ નદી પણ બે કાંઠે વહેતા લોકોમાં ખુશી જોવા મળી છે.
મહત્વની વાત છે કે બોડેલી પાસે ઓરસંગ નદી વર્ષો બાદ બે કાંઠે વહેતી થઈ છે. તો પાણીના સ્તરમાં વધારો થતા ખેડૂતોને પણ સિંચાઈની પાણી મળી રહેશે એવી આશા સેવી રહ્યા છે.
બીજી તરફ ઓરસંગ નદીમાં નવા નીર આવતા નદીમાં ઘોડાપૂર જોવા મળ્યું છે. નદી બંને કાંઠે વહેતા સ્થાનિકો પણ આ દ્રશ્યો જોવા માટે ઉમટયા હતા. નદીના પુલ પરથી પસાર થતા લોકો પણ આ દ્રસ્ય જોવા માટે ઉભા રહી ગયા હતા.
છોટાઉદેપુર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે નસવાડી નજીકથી પસાર થતી મેણ નદીમાં ઘોડાપુર આવ્યુ છે. સ્થાનિકો આ નદીના પ્રવાહને જોવા ઉમટ્યા હતાં. નદીમાં ઘોડાપૂર પાણી આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળ્યો છે.
પંચમહાલમાં ભારે વરસાદની એન્ટ્રી બાદ અને ઉપરવાસમાં વરસાદ વરસતા ગોમા નદીમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ નદીઓમાં નવા નીરની આવક થઈ છે. તો ચલાલી ગામે કેટલાંક વાહનો ફસાયા હતા.
રેતી ભરવા ગયેલા 2 મશીન અને 11 ડમ્પર ફસાયા હતા. સાથો સાથ છ જેટલા લોકો પણ નદીના વહેણમાં ફસાતા તંત્રને જાણ કરાઈ હતી. પંરતુ કોઈ મદદે ન પહોંચતા આખરે સ્થાનિકો દ્વારા રેસક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું.
આ ઉપરાંત તાપી જિલ્લામાં મેઘરાજા વહેલી સવારથી મહેરબાન થયા છે. ભારે વરસાદ આવતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
મુશળધાર વરસાદને પગલે અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે. તાપી જિલ્લામાંથી પસાર થતી મીંઢોળા ઝાંખરી ઓલણ અંબિકા પૂર્ણા અને ગીરા જેવી નદીઓ ગાંડીતુર બનીને બે કાંઠે વહી રહી છે. જિલ્લામાં કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.