Chinese scientists have successfully cloned 'Super Cow'
Cow Clone /
ચીને શોધી નાખી સુપરગાય: દરરોજ આપશે 150 લિટર દૂધ, જાણો કઈ રીતે કામ કરે છે ટેકનોલોજી
Team VTV04:18 PM, 04 Feb 23
| Updated: 04:24 PM, 04 Feb 23
ચીન દાવો કરી રહ્યું છે કે તેના વૈજ્ઞાનિકોએ 'સુપર કાઉ'ની સફળતાપૂર્વક ક્લોનિંગ કરી છે. આટલું જ નહીં, તેણે સુપર કાઉ ક્લોનિંગ કરીને 3 વાછરડાને જન્મ આપવામાં સફળતા મેળવી છે.
ચીને કર્યો સૌથી મોટો દાવો
'સુપર કાઉ'ની સફળતાપૂર્વક કરી ક્લોનિંગ
દરરોજ આપશે 150 લિટર દૂધ
વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં ચીનનું નામ અગ્રેસર છે. ચીન અત્યાર સુધીમાં એવી ઘણી વસ્તુઓ બનાવી ચૂક્યું છે જેના વિશે વાંચીને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. ચીને વધુ એક મોટું કારનામું કર્યું છે. જેની હાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં ચીને દાવો કર્યો છે કે, તેના વૈજ્ઞાનિકોએ સુપર કાઉની સફળતાપૂર્વક ક્લોનિંગ કરીને 3 વાછરડાને જન્મ આપવામાં સફળતા મેળવી છે. સુપર કાઉ સામાન્ય ગાય કરતા ખૂબ જ વધારે દૂધ આપે છે.
દરરોજ 150 લિટર દૂધ આપશે
ચીની વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક 3 સુપર ગાયને ક્લોન બનાવી છે, જે સામાન્ય રીતે ઉચ્ચ માત્રામાં દૂધ ઉત્પાદન કરી શકે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, સુપર ગાય (સુપર કાઉ) દરરોજ 150 લિટર દૂધ આપશે. એક સુપર ગાય વર્ષે 17 હજાર 500 લીટરથી વધુ દૂધ આપવા સક્ષમ છે.
પ્રતિકાત્મક તસવીર
દૂધ ઉત્પાદનમાં વિશ્વનો અગ્રણી દેશ બની શકશે ચીનઃ રિપોર્ટ
ચીની મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે, સુપર ગાયના કારણે ચીન દૂધ ઉત્પાદનમાં દુનિયાનો અગ્રણી દેશ બની શકશે. ચીનના સરકારી મીડિયામાં દાવો કરાયો છે કે, સુપર ગાયની સફળ ક્લોનિંગ બાદ ચીનના ડેરી ઉદ્યોગને ઉન્નત પ્રજાતીની ગાયને વિદેશોથી આયાત કરવાની જરુર પડશે નહીં.
સુપર કાઉના 1000 ક્લોન કરશે તૈયાર
ચીનની નોર્થવેસ્ટ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચરલ એન્ડ ફોરેસ્ટ્રી સાયન્સ એન્ડ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ 3 સુપર કાઉનું ક્લોન તૈયાર કર્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેઓ સુપર ગાયના 1000 ક્લોન તૈયાર કરશે. જેના કારણે દૂધ ઉત્પાદનમાં ઘણો વધારો થશે.
30 ડિસેમ્બરે થયો હતો પહેલા વાછરડાનો જન્મ
એક અધિકારીએ જણાવ્યું કે ક્લોન કરાયેલા વાછરડાઓ પૈકી પહેલા વાછરડાનો જન્મ 30 ડિસેમ્બરે સિઝેરિયન સેક્શનથી થયો હતો. વૈજ્ઞાનિકોએ વધારે દૂધ આપતી ગાયના કાનની કોશિકામાથી 120 ક્લોન ભ્રૃણ તૈયાર કર્યા અને ભ્રૃણને સરોગેટ ગાયના ગર્ભમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા. ચીનના સરકારી મીડિયાએ સુપર ગાયોના ક્લોનિંગને મોટી સિદ્ધિ ગણાવી છે. સુપર કાઉ પ્રોજેક્ટના ચીફે જણાવ્યું છે કે, અમે વિદેશી ગાયો પર ચીનની નિર્ભરતા ઘટાડવા માટે 1000થી વધારે સુપર ગાયોની જાતીઓ પેદા કરવા પર ધ્યાન આપી રહ્યા છીએ. આ પ્રોજેક્ટ પર 2-3 વર્ષ લાગશે.
પ્રતિકાત્મક તસવીર
ગાય માટે ચીનની અન્ય દેશો પરની નિર્ભરતા સમાપ્ત થશે
ચીનના સરકારી મીડિયાના અહેવાલ મુજબ, સુપર ગાયના ક્લોનિંગમાં સફળતા બાદ હવે અન્ય દેશો પર ચીનની નિર્ભરતા ઓછી થશે. તેણે હવે ગાયો આયાત કરવી નહીં પડે.