ઈસ્ટર્ન લદ્દાખમાં છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન આમને સામને છે, બંને દેશો વચ્ચેના સંબંધો અત્યારે સાવ તળિયે છે. ત્યારે ચીની વિદેશ મંત્રાલયે આ વિવાદની વચ્ચે એક પ્રેસ કૉંફરેન્સ યોજી હતી અને ભારત પર આરોપ લગાવ્યા હતા. ચીની પ્રવક્તા હુઆ શૂનિંગે કહ્યું હતું કે ભારતની પાછળ અમેરિકાનો હાથ છે.
સરહદ પર ઉશ્કેરણી માટે ભારત જ જવાબદાર : ચીની વિદેશ મંત્રાલય
ભારત અમેરિકાના સપોર્ટથી કરી રહ્યું છે આ કાર્યવાહી : હુઆ શૂનિંગ
ચીને અમેરિકા અને તિબેટને પણ આ મુદ્દે ભારત સાથે સરખાવ્યું
લદાખ બોર્ડર નજીક ચાલી રહેલા તણાવ વચ્ચે ચીન દ્વારા સતત અટકચાળા કરવામાં આવી રહ્યા છે. બુધવારે, ચીનના વિદેશ મંત્રાલય દ્વારા આ મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં ચીને આરોપ લગાવ્યો હતો કે ભારતે LACને પાર કરીને ઘૂસણખોરી કરી હતી. જો કે ભારતે પહેલા જ આ આરોપોને નકારી દીધા છે.
બુધવારે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ શૂનિંગે કહ્યું કે શનિવારે જે પણ અથડામણ થઈ કોઈ પણ ભારતીય જવાન મૃત્યુ પામ્યો નથી. જ્યારે કે અમેરિકન મીડિયાએ કહ્યું હતું કે ભારતીય સૈનિકની હત્યા કરવામાં આવી છે.
ચીને અમેરિકા અને તિબેટ વચ્ચેના જોડાણને આગળ મૂક્યું
જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં આ સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું ભારતીય સેનાના સૈનિકો માટે તિબેટી લોકો પણ મદદ કરવા માટે આવ્યા હતા કે કેમ? ત્યારે ચીનના પ્રવક્તા રોષે ભરાયા હતા અને કહ્યું કે તમારે આ ફક્ત ભારતના લોકોને પૂછવું જોઈએ. અમને ફક્ત એટલું જ ખબર છે કે તિબેટીયન લોકો અને અમેરિકન ગુપ્તચર એજન્સી CIA વચ્ચે ઘણાં સંબંધ રહ્યા છે. અમે ભારત સહિત કોઈપણ દેશનો વિરોધ કરીએ છીએ જે તિબેટીયનોને આશ્રય આપે છે.
ચીન વતી કહેવામાં આવ્યું હતું કે તિબેટના મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ, અમેરિકાની પણ આમાં ઘણી ભૂમિકા રહી છે. હવે ભારત અને તિબેટના સૈનિકો વચ્ચે શું સંબંધ છે, તે વિશે અમને ખબર નથી પરંતુ અમે તે જાણવા માંગીએ છીએ.
આ પહેલા પણ ભારત પર ચીન દ્વારા અનેક વખત આરોપ મૂકવામાં આવ્યો છે કે તે અમેરિકાની આડમાં આવીને તેના પાડોશી દેશો સાથેના સંબંધોને બગાડે છે.