ચીનની સેન્ટ્રલ બેંકે HDFCના 1.75 કરોડ શેર ખરીદ્યા છે. આ ખરીદી મહત્વપૂર્ણ છે કારણ કે કોરોના વાયરસ મહામારીને કારણે વિશ્વભરના શેર બજારોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ રોકાણથી HDFCમાં ચીનનો હિસ્સો વધીને 1.01% થઇ ગયો છે.
ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાથી HDFCના શેરમાં 41% ઘટાડો થયો છે
તાજેતરના વર્ષોમાં, ચીને પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત એશિયન દેશોમાં ભારે રોકાણ કર્યું છે
એશિયાના સૌથી મોટા અર્થતંત્ર ચીને કોરોના વાયરસ મહામારીને કારણે વિશ્વભરના શેર બજારોમાં સ્ટોકના ઘટી રહેલા ભાવનો લાભ લેવાનું શરૂ કર્યું છે. પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ હાઉસિંગ લોન આપનારી HDFC લિમિટેડના 1.75 કરોડ શેર ખરીદ્યા છે. શેરબજારના ડેટા અનુસાર ચીનની સેન્ટ્રલ બેંકે HDFC લિમિટેડના 1,74,92,909 શેર ખરીદ્યા છે, જે કંપનીમાં એક ટકાનો હિસ્સો છે.
HDFCના શેર સસ્તા થયા છે
ચીનની સેન્ટ્રલ બેંકે એવા સમયે ખરીદી કરી છે જ્યારે HDFC લિમિટેડના શેરના ભાવોમાં કોરોના વાયરસ સંકટને લીધે ઝડપથી ઘટાડો થયો છે. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાથી શેરના ભાવમાં 41% નો ઘટાડો થયો છે.
HDFCમાં ચીનનો હિસ્સો વધીને 1.01%
HDFC લિમિટેડના વાઇસ ચેરમેન અને CEO કેકી મિસ્ત્રીએ જણાવ્યું છે કે પીપલ્સ બેંક ઓફ ચાઇના પાસે માર્ચ 2019 સુધી કંપનીનો 0.80% હિસ્સો હતો જે માર્ચ 2020માં વધીને 1.01% થયો છે.
HDFC લિમિટેડના વાઇસ ચેરમેન અને CEO કેકી મિસ્ત્રી Source : HDFC.com
એશિયન માર્કેટમાં વધતું રોકાણ
કોરોના વાયરસ મહામારીને કારણે વિશ્વભરના શેરબજારોમાં આવેલા ભૂકંપ બાદ ચીન એશિયાના મોટા દેશોની કંપનીઓમાં મોટો હિસ્સો ખરીદી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં, ચીને પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત એશિયન દેશોમાં, ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી કંપનીઓમાં પોતાનું રોકાણ વધાર્યું છે.