સુરતમાં પતંગની દોરીથી બાળક ઇજાગ્રસ્ત થયાની ઘટના બની છે. બાળકને પતંગની દોરી ગળામાં વાગી જતાં તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયો હતો. બાઇક પર મંદિરે દર્શન કરવા જઇ રહેલા પરિવાર સાથે પતંગની દોરીના કારણે દુર્ધટના ઘટી હતી. દુર્ઘટના ઘટતાં પોલીસ હેડ કવાટર્સના કોન્સ્ટેબલ પરિવારની મદદે આવ્યા હતા અને તાત્કાલિક બાળકને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડ્યો હતો.
સુરતમાં બાળકનું પતંગની દોરીથી ગળુ કપાયુ
પારલે પોઈન્ટ પર આવેલી કોર્ટ નજીક બની ઘટના
બાઈક પર આગળ બેઠેલા ત્રણ બાળકોમાંથી એક ઈજાગ્રસ્ત
ઉત્તરાયણના દિવસે અનેક દુર્ઘટનાઓ સામે આવી છે. ત્યારે સુરતમાં બાઈક પર આગળ બેઠલા ચાર વર્ષના બાળકનું ગળું કપાઈ ગયું હતું. ત્રણ બાળકોને બાઈકમાં આગળ બેસાડ્યા હતા. માતા પિતા સાથે મંદિરે દર્શન કરવા જઇ રહ્યા હતા ત્યારે પતંગની દોરી બાળકના ગળે ભેરવાતા ઇજા પહોંચી હતી અને બાઇક સ્લીપ થઇ ગયું હતું. આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા પોલીસ કોન્સ્ટેબલે સમયસૂચકતા દાખવીને પોતાની બાઈક બીજાને ચલાવવા આપી ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ ઈજાગ્રસ્ત બાળકની સિવિલમાં વધુ સારવાર શરૂ કરાઈ છે.
વસ્ત્રાલમાં બાઈક ચાલકને ગળામાં દોરી વાગતા 28 ટાકા આવ્યા
અમદાવાદના વસ્ત્રાલમાં એક બાઈકચાલકને દોરી વાગતા પટકાયો હતો. જેને કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેન આંખ અને કાન પાસે 28 ટાંકા લેવા પડ્યા હતા.
મહત્વનું છે કે, ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન કેટલાક અકસ્માત સર્જાયા છે. ભરૂચમાં નારાયણનગરમાં 10 વર્ષીય બાળકી ધાબા પરથી પટકાઈ હતી. અંકલેશ્વરમાં 10 વર્ષનો બાળક ધાબા પરથી પટકાયો હતો. બીજી તરફ વડોદરામાં પતંગ ચગાવતા યુવક સાતમાં માળેથી પટકાતા મોતને ભેટ્યો. મક્તમપુર રોડ પર બાઈક ચાલકને ઈજા પહોંચી હતી. દોરીથી યુવકનું ગળુ કપાતા સારવાર અર્થે ખસેડાયો હતો. ઝઘડિયાના નાના સાંજા ગામમાં યુવતીને કરંટ લાગ્યો છે. ડી.જે. સ્પીકર ચાલુ કરવા જતાં યુવકીને કરંટ લાગ્યો હતો. અમદાવાદમાં રામોલ રિંગરોડ પાસે અકસ્માતને કારણે બાઈક ચાલકનું મોત થયું છે. પતંગની દોરીથી બચવા બાઈક ચાલકનું સામેથી આવતા બાઈક સાથે ટકરાતા ઘટના સ્થળે જ મોત થયું છે.