સાવધાન, ડેબિટ-ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ રિસિપ્ટ તમને કરી શકે બિમાર

By : juhiparikh 07:30 PM, 12 January 2018 | Updated : 07:39 PM, 12 January 2018
જો તમે પણ મોટેભાગે ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરતા હોવ તો આવતી વખતે પેમેન્ટની રિસિપ્ટ હાથમાં લેતા પહેલા સારી રીતે વિચારી લેજો. આ રિસિપ્ટના પેપરમાં ખતરનાક કેમિકલ હોય છે, જે ઘણા રોગોનો શિકાર બનાવી શકે છે.

ટૉક્સિક લિંકની એક શોધ રિપોર્ટમાં સામે આવ્યુ છે કે રિસિપ્ટના આ પેપમાં ખતરનાક કેમિકલ બિસફિનૉલ-એ (બીપીએ) વધુ માત્રામાં મિશ્રિત હોય છે. તેનો ઉપયોગ થર્મલ પેપર, કેશ રજિસ્ટર પેપર અને સેલ રિસિપ્ટ વગેરેમાં થાય છે. ટોક્સિક લિંકે દિલ્હીમાંથી 12 અનયુઝ્ડ થર્મલ પેપર્સનાં સેમ્પલ્સ એકત્રિત કર્યાં છે. આ સેમ્પલ લોકલ બ્રાન્ડથી લઈને તેને બનાવનારા અને તેની સપ્લાય કરનારા પાસેથી પણ લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.

ટૉક્સિક લિકંના ના પ્રોગ્રામ કૉ-ઓર્ડિનેટર ડો. પ્રશાંત રાજાંકર કહે છે કે, આ સેમ્પલને તપાસ માટે બનારસ હિંદુ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજીમાં મોકલવામાં આવ્યાં છે. તેની તપાસ ગેસ ક્રોમેટોગ્રાફીથી કરવામાં આવી છે. તેમાં થર્મલ પેપરમાં બીપીએનું પ્રમાણ 300 પીપીએમ (પાર્ટ્સ પર મિલિયન)થી 6600 પીપીએમ સુધી મળ્યું છે.એટલે કે થર્મલ પેપરમાં બીપીએનું એવરેજ પ્રમાણ 3037 પીપીએમ હતું. તે નિયત માપદંડો કરતાં ઘણું વધારે છે અને પર્યાવરણ જ નહિ, સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક છે. ઘણા દેશોમાં બીપીએની નિયત માત્રા 200 પીપીએમ છે.

ટોક્સિક લિંકના સિનિયર પ્રોગ્રામ કૉ-ઑર્ડિનેટર પીયૂષ મહાપાત્રા કહે છે કે, જાપાન, બેલ્જિયમ, ડેનમાર્ક, કેનેડા અને ફ્રાન્સ જેવા દેશોમાં થર્મલ પેપરમાં બીપીએના ઉપયોગ પર પ્રતિબંધ છે. થર્મલ પેપરનો સૌથી વધુ ઉપયોગ સેલ રિસિપ્ટની પ્રિન્ટમાં થાય છે. મૉલથી લઈને ગૅસ ફિલિંગ સ્ટેશન, પેટ્રોલ પંપ, એટીએમ, ટિકિટિંગ એજન્સી અને ઘણા પ્રકારના વેપારમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.


બીપીએની ઓળખ એન્ડોક્રાઇન ડિસરપ્ટિંગ કેમિકલ તરીકે થાય છે, જેની સ્વાસ્થ્ય પર ઘણી વિપરીત અસર પડે છે. તેનાથી થાઇરોઇડની સાથે સ્થૂળતા, ડાયાબિટીસ, હૃદયની બીમારી, લિવર અને કિડની જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. 2015માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ બાળકોની દૂધ પીવાની બોટલમાંથી બીપીએને બહાર કરી દીધું હતું, જેથી તેમનાં સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન પડે. જોકે બીપીએનો હજી પણ થર્મલ પેપર્સમાં ઉપયોગ થઈ રહ્યો છે.  ભારતમાં થર્મલ પેપર માટે કોઇ વ્યવસ્થા નથી, જેના કારણે કેમિકલની અસર વાતાવરણમાં વધુ પડી રહી છે. આ રિપોર્ટમાં સલાહ આપવામાં આવી છે કે, ભારતમાં થર્મલ પેપરના બીપીએને નિયત્રિંત કરવામાં આવે અને આ માટે કોઇ સુરક્ષિત વિકલ્પ અપનાવામાં આવે, તો બીપીએથી થતું નુકસાનથી પર્યાવરણ અને માણસની બચાવી શકાશે.Recent Story

Popular Story