બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:30 AM, 8 August 2024
ગુજરાતની પવિત્ર ભૂમિ પર અનેક નાના મોટા મંદિર આવેલા છે. અમદાવાદ ગાંધીનગર હાઈવે પર અડાલજ નજીક ચેહર માતાજીનું મંદિર આવેલું છે. માતાજીના મંદિરે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ અતૂટ આસ્થા સાથે આવે છે. અને માતાજીના દર્શન કરી ધન્ય થાય છે. માતાજીનું મંદિર ટહુકાની ચેહરધામના નામથી પ્રસિદ્ધ છે.
ADVERTISEMENT
અડાલજ ગામ પાસે ટહુકાની ચેહર મા નું મંદિર
ADVERTISEMENT
અમદાવાદ ગાંધીનગરના મુખ્ય હાઈવે પર અડાલજ ગામ પાસે ટહુકાની ચેહર મા નું મંદિર આવેલુ છે. મંદિર ટહુકાની ચેહરધામના નામથી પ્રસિદ્ધ છે. ચેહરમાંના દર્શન કરવા દર્શનાથી દૂરદૂરથી આવે છે. ટહુકાની ચેહર મંદિરમાં ચૈત્રી પુનમના દિવસે જાતર કરવામાં આવે છે. જાતરના દર્શન કરવા દેશ વિદેશથી માના ભક્તો દર્શન કરવા આવે છે. 1995માં સતીષભાઈને ચેહર માતાજી સપનામાં આવ્યા અને કહ્યું કે અમદાવાદ ગાંધીનગર હાઈવે પર અડાલજ પાસે ત્રિકોણીયું ખેતર છે. તેમાં વરખડીનું ઝાડ આવેલું છે. તે ઝાડસુકું છે. પણ કાલે સવારે એ લીલું થઈ જાય તો સમજ જે હું હાજર હજૂર છું. ભૂવાજી સતીષભાઈએ બીજા દિવસે જોતા વરખડીનું ઝાડ લીલું હતું. એટલે માતાજીનો દીવો કરી તેમની સ્થાપના કરી. અને જે દીવો પ્રગટાવ્યો હતો તે દીવો આજ સુધી અખંડ છે. મંદિર ખૂબ સુંદર બનાવવામાં આવ્યુ છે. દર્શનાર્થીઓ મંદિરે દર્શન કરવા આવે છે ત્યારે કલાત્મક મંદિર અને તેનુ વાતાવરણ તેમને આકર્ષિત કરે છે અને એટલે જ ભાવિકો નિયમિત મંદિરની મુલાકાત લઈ ભક્તિની સાથે શાંતિનો અનુભવ કરે છે.
ચેહરમાંનું સુવર્ણ મંદિર
ગુજરાતમાં એક માત્ર ટહુકાની ચેહરમાંનું સુવર્ણ મંદિર છે. સોનાના મંદિરની સ્થાપના નીચે બનાવેલી વાવમાં કરવામાં આવી છે. જે અડાલજની વાવની પ્રતિકૃતિ છે. સોનાના મંદિરમાં માતાજીની છબી મુકવામાં આવી છે. અને મંદિરની ચારે બાજુ 12 જ્યોર્તીલીંગની સ્થાપના કરવામાં આવી છે. માતાજીનું મોટું છત્ર પણ સોનાનુ બનાવવામાં આવ્યું છે. વાવમાં માતાજીને સિંહાસન પર બેસાડવામાં આવ્યા છે. રવિવારે ચેહર માતાજીના મંદિરે ભાવિકોની ભીડ જામે છે. માતાજીમાં અતૂટ શ્રદ્ધા રાખતા ભાવિકો પગપાળા માતાજીના દર્શને આવે છે અને ધન્યતા અનુભવે છે.
ત્રણ થી પાંચ હજાર ભાવિકો પ્રસાદનો લાભ લે છે
ચેહરમાંનું મંદિર પાંચ વીઘામાં બન્યું છે. મંદિર પરિસરમાં બ્રાહ્મણો માટે વિશાળ યજ્ઞ શાળા બનાવવામાં આવી છે. જેમાં વસંત પંચમી, દર મહિનાની અમાસ, પુનમ અને નવરાત્રીના દિવસે બ્રાહ્મણો દ્વારા હવન કરવામાં આવે છે. જ્યારે મંદિરમાં હવન થાય છે ત્યારે તેનો ધૂપ મંદિર અને આજુબાજુના વાતાવરણમાં શુધ્ધ ભક્તિમય તરંગો ફેલાવે છે. હવનમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો જોડાય છે. મંદિર તરફથી સદાવ્રત ચલાવવામાં આવે છે. અન્નક્ષેત્ર માટે વિશાળ હોલ બનાવવામાં આવ્યો છે. જેમાં ૩૬૫ દિવસ અન્નક્ષેત્ર ચાલે છે. આ અન્નક્ષેત્રમાં દર અઠવાડિએ અંદાજે ત્રણ થી પાંચ હજાર ભાવિકો પ્રસાદનો લાભ લે છે.
ભક્તોની આસ્થાનું કેન્દ્ર
ટહુકાની ચેહર ધામ અડાલજ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. દર રવિવારે મોટી સંખ્યામાં ભક્તો મા ચેહરના દર્શનાર્થે અડાલજ ચેહર ધામ ખાતે આવે છે. દૂર દૂરથી આવતા માઈ ભક્તો માતાજીના ચરણે શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ટહુકાની ચેહર ધામ ખાતે આવતા મોટાભાગના ભક્તો માતાજી પાસે પોતાની મનોકામના મૂકી અલગ અલગ માનતા રાખતા હોય છે અને માં તેમની બાધા આખડી પૂર્ણ કરી તેમને સદાય આશીર્વાદ આપે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં અહીં આવેલા છે સ્વયંભૂ પ્રગટ થયેલા બે શિવલિંગ, કંકોત્રી ચઢાવવાની માન્યતા
25 વર્ષથી આ ચમત્કાર
અડાલજમાં બિરાજમાન ટહુકાની ચેહરમાના પ્રસાદનો મહિમા નિરાળો છે. છેલ્લાં 25 વર્ષથી આ ચમત્કાર જોવા મળી રહ્યો છે. દર અઠવાડિયે 100 કિલો સુખડીનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. જ્યારે શનિ અને રવિવારે લાઇવ સુખડી બનાવી અપાય છે, જે માત્ર 15 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે. આમ તો મંદિરની નિયમિત પ્રસાદી બનાવવા માટે ત્રણથી ચાર રસોઇયા છે. મંદિરની 15 ગાયના દૂધમાંથી જે ઘી બને છે તેનો ઉપયોગ સુખડીનો પ્રસાદ બનાવવા માટે કરવામાં આવે છે. ચેહરમાં રોજ ના 3 સ્વરૂપ બદલે છે. ચેહર માં તમને નાની છોકરી કે મોટી ઉમરની સ્ત્રીના સ્વરૂપમાં જોવા મળે છે. ગુજરાત ભરમાં ચેહરમાનાં નાનાં મોટાં મંદિરો આવેલાં છે. અમદાવાદમાં મેમનગર, મણિનગર વિસ્તારમાં તેમજ મરતોલી, પીંપણજ સહિત અનેક જગ્યાએ ચેહર માતાજીનાં મંદિરો આવેલાં છે, જ્યાં ધામધૂમપૂર્વક ચેહરમાનો પ્રાગટય દિવસ ઊજવવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.