Chances of heavy rain in August are negligible, Meteorological department Rain forecast
વાતાવરણ /
ઓગસ્ટમાં ભારે વરસાદની સંભાવના નહિવત, હવામાન વિભાગની મોટી આગાહી, જુઓ ગુજરાતમાં કેટલું થયું ખરીફ પાકનું વાવેવર
Team VTV08:59 PM, 02 Aug 22
| Updated: 11:52 PM, 03 Aug 22
રાજ્યભરમાં આગામી પાંચ દિવસ સુધી છૂટો છવાયો વરસાદ પડે તેવી હવામાન વિભાગની આગાહીઃ 70.24 લાખ હેક્ટર ખરીફ પાકનું વાવેતર થયું
રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજિત ૭૦.૨૪ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર :
ભારે વરસાદવાળા જિલ્લાઓમાં હાલ વાવણી ચાલુ
હવામાન વિભાગે ઓગસ્ટમાં હળવા વરસાદની કરી આગાહી
મેઘરાજાએ વિરામ લેતાંની સાથે જ બફારાનું પ્રમાણ વધી જતાં લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી થઇ રહેલા ઉકળાટ બાદ અમદાવાદમાં ફરીથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી રાજ્યભરમાં છૂટો છવાયો વરસાદ પડશે.
સરેરાશ કરતાં 41% વધુ વરસાદ
હવામાન ખાતાના આંકડા અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં ૪૧ ટકા વધુ વરસાદ નોંધાયો છે. વરસાદે હાલ વિરામ લીધો છે પરંતુ આગામી પાંચ દિવસમાં વરસાદ મન મૂકીને વરસે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટો છવાયો વરસાદ રહેવાની સંભાવના છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી ક્યાંક તડકો જોવા મળ્યો તો ક્યાંક વરસાદ વરસતો હતો. ગઇ કાલે સાંજે પણ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે ક્યાંક વરસાદ પણ પડ્યો હતો. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય નહીં હોવાને કારણે કોઇ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી નથી.
70.24 લાખ હેક્ટર ખરીફ પાકનું વાવેતર
રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજિત ૭૦.૨૪ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જ્યારે ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાલ ખેડૂતો દ્વારા વાવણી ચાલું છે તેમ આજે ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાહત કમિશન પી.સ્વરૂપે જણાવ્યું હતું.
હળવા વરસાદની સંભાવના
હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા વિગતો આપતાં કહ્યું હતું કે આગામી પાંચ દિવસમાં રાજયના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે જ્યારે ઓગસ્ટ માસ દરમ્યાન ભારે વરસાદની સંભાવના નહિવત છે. આ બેઠકમાં રાહત નિયામક સી.સી. પટેલ, ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, બાયસેગ, પંચાયત વિભાગ, ફિશરીઝ, પશુપાલન, ફોરેસ્ટ, GMB, GSDMA સહિતના અઘિકારીઓ હાજર રહી જરૂરી વિગતો આપી હતી.
રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ –૫૩, એલર્ટ ૫ર કુલ-૦૯ તેમજ વોર્નીગ ૫ર કુલ -૧૭ જળાશય
રાહત કમિશનર શ્રી પી.સ્વરૂપની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. રાહત કમિશનરશ્રીએ કહ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૨૬૨૪૧૨ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૭૮.૫૫% છે. જ્યારે રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૩૩૯૦૨૭ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૬૦.૭૪% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ –૫૩, એલર્ટ ૫ર કુલ-૦૯ તેમજ વોર્નીગ ૫ર કુલ -૧૭ જળાશય છે. તેમણે કહ્યું હતું કે રાજયમાં હાલ કુલ NDRFની ૧૩ ટીમો તહેનાત કરાઇ છે. જેમાં અમરેલી-૧, બનાસકાંઠા-૧, ભાવનગર-૧, દેવભૂમી દ્વારકા-૧, ગીરસોમનાથ-૧, જામનગર-૧, જૂનાગઢ-૧, કચ્છ-૧, નવસારી-૨, રાજકોટ-૧, સુરત-૧ અને વલસાડમાં -૧ ટીમનો સમાવેશ થાય છે. આમ કુલ -૧૩ NDRF ની ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે.
ગુજરાતના કયા ઝોનમાં કેટલો વરસાદ
બફારાથી રાહત મળે તેટલો વરસાદ અમદાવાદમાં આવે તેવી શક્યતાઓ છે. ગત મહિને સિઝનનો ૭૦ ટકા વરસાદ આખા ગુજરાતમાં પડ્યો હતો. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના બાકી રહ્યા છે. જુલાઇ મહિનામાં પડેલા વરસાદના કારણે જળાશયો, નદી અને કૂવા પાણીથી ભરાઇ ગયાં છે. જોકે હજુ વરસાદનો બીજો રાઉન્ડ બાકી છે. અમદાવાદની સ્થિતિ પર નજર કરવામાં આવે તો ગઇ કાલે વરસાદ પડ્યો હતો ત્યારે આજે સવારથી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં તડકો જોવા મળ્યો હતો તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જુલાઇ મહિનામાં વરસાદે રેકોર્ડ તોડ્યો છે. ૫૦ વર્ષમાં પ્રથમ વખત આ વખતે જુલાઇ મહિનામાં સૌથી વધુ ૨૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં કચ્છમાં ૧૧૭, દક્ષિણ ગુજરાતમાં ૮૨ અને સૌરાષ્ટ્રમાં ૬૨ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ૫૭ ટકા વરસાદ નોંધાયો છે.