Chaitra Navratri started with Gudi Padwa, the Marathi New Year
ધર્મ /
મરાઠી નવા વર્ષ ગુડી પડવા સાથે પંચકકાળમાં ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ, જાણી લો કઈ તિથિમાં કોની પૂજા કરવી અને શું નૈવેધ ધરાવવા
Team VTV06:20 AM, 22 Mar 23
| Updated: 06:30 AM, 22 Mar 23
નવરાત્રિના પ્રારંભે જ ભક્તિ અને આસ્થા સાથે માઈ ભક્તોની ભીડ મંદિરોમાં ઊમટી. ચૈત્રી નવરાત્રિ નિમિત્તે મંદિરોમાં હોમ-હવન અને અનુષ્ઠાન દ્વારા ગુરુવાર ૩૦ માર્ચના રોજ રામનવમી સાથે ચૈત્રી નવરાત્રિ પૂર્ણ થશે.
ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ મરાઠી નવા વર્ષ ગુડી પડવા સાથે થઈ
પંચકકાળમાં કળશની સ્થાપના ન કરી શકાય તેવું મનાય છે
મહારાષ્ટ્રમાં ખૂબ જ ઉત્સાહથી ગુડી પડવાનો તહેવાર ઊજવાય
આજે પંચકકાળમાં ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ મરાઠી નવા વર્ષ ગુડી પડવા સાથે થઈ રહ્યો છે. પંચકકાળમાં કળશની સ્થાપના ન કરી શકાય તેવું મનાય છે પણ મા દુર્ગાની પૂજા દરેક અશુભતાને દૂર કરવા માટે સક્ષમ છે. તેથી કળશ સ્થાપના કરી શકાય છે. નવરાત્રિના પ્રારંભે જ ભક્તિ અને આસ્થા સાથે માઈ ભક્તોની ભીડ મંદિરોમાં ઊમટી પડશે. ચૈત્રી નવરાત્રિ નિમિત્તે મંદિરોમાં હોમ-હવન અને અનુષ્ઠાન દ્વારા ગુરુવાર ૩૦ માર્ચના રોજ રામનવમી સાથે ચૈત્રી નવરાત્રિ પૂર્ણ થશે. મહારાષ્ટ્રમાં ખૂબ જ ઉત્સાહથી ગુડી પડવાનો તહેવાર ઊજવાય છે. ચૈત્ર નવરાત્રિથી હિન્દુ નવા વર્ષની શરૂઆત થાય છે. મહારાષ્ટ્રમાં ગુડી પડવાને નવા વર્ષની શરૂઆત તરીકે ઊજવવામાં આવે છે.
આજે ઘટ સ્થાપન માટે સવારે 6.51થી 8.21 સુધી લાભ મુહૂર્ત છે અને અમૃત મુહૂર્ત સવારના 8.21થી 9.52 સુધી ઉત્તમ છે. નવરાત્રિ વર્ષમાં ચાર વખત આવે છે, જે પૈકી બે ચૈત્ર અને શારદીય મુખ્ય નવરાત્રિ હોય છે, જ્યારે બે ગુપ્ત નવરાત્રિ હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર જ્યારે કુંભ અથવા મીન રાશિમાં આવે ત્યારે પંચકકાળ શરૂ થાય છે અને આ સમય પાંચ દિવસનો હોય છે. આ નવરાત્રિની પ્રતિપદા અને દ્વિતીયા તિથિ પર પંચકનો પ્રભાવ રહેશે.પંચક ર૩ માર્ચે પૂર્ણ થશે. પંચકની સાથે આ દિવસે પાંચ ગ્રહો એકસાથે મીન રાશિમાં સંયોગ બનાવીને ગોચર કરી રહ્યા છે, સાથે જ ગજકેસરી યોગ, બુધાદિત્ય યોગ, હંસ યોગ, શશ યોગ, ધર્માત્મા જેવા શુભ યોગ પણ બની રહ્યા છે
ગુડી બનાવવાની પ્રાચીન પરંપરા
ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ રાતે ૯.રર વાગ્યાથી શરૂ થશે. ગુડી પડવાના દિવસે મહારાષ્ટ્રમાં ગુડી બનાવવાની પ્રાચીન પરંપરા છે. આ ખાસ દિવસે ઘરના મુખ્ય દ્વારે એક થાંભલા પર પિત્તળનું વાસણ ઊંધું રાખવામાં આવે છે અને તેની સાથે લાલ, કેસરી અને પીળા રેશમી કપડાં બાંધવામાં આવે છે. ત્યાર બાદ ગુડીને ફૂલોથી શણગારી તેની પૂજા કરવામાં આવે છે. આ સાથે ગુડી પડવાના દિવસે લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજાને તોરણ બાંધીને શણગારે છે અને ઘરના એક ભાગમાં ધ્વજ લગાવવામાં આવે છે.