કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી છે. જે બાદ હવે દેશના અલગ અલગ રાજ્યો પર ટેક્સ ઘટાડવાનું પ્રેશર આવ્યું છે, જો કે અમુક રાજ્યોએ સ્પષ્ટ ના પાડી છે, જ્યારે અમુક રાજ્યોએ શરૂઆત કરી દીધી છે.
કેન્દ્ર સરકારે મોંઘવારીમાં જનતાને રાહત આપી
એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાની કરી જાહેરાત
હવે રાજ્ય સરકારો પર પ્રેશર આવ્યું, આ રાજ્યોએ તો લઈ લીધો નિર્ણય
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી છે. કેન્દ્રએ પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયાનો ઘટાડો કર્યો છે, જે બાદ પેટ્રોલમાં 9.50 રૂપિયા અને ડીઝલમાં 7 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. કેન્દ્રની આ જાહેરાત બાદ હવે રાજસ્થાન અને કેરલ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડ્યા છે.
આવો જોઈએ ક્યાં રાજ્યમાં કેટલા ભાવ ઘટ્યા
કેરલમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા
કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડ્યા બાદ કેરલ સરકારે પણ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર ક્રમશ: 2.41 રૂપિયા અને 1.36 રૂપિયાનો કાપ મુકવાની જાહેરાત કરી છે. કેરલમાં હાલમાં એક લીટર પેટ્રોલની કિંમત 117.17 રૂપિયા છે, જ્યારે ડીઝલના ભાવ 103.93 રૂપિયા છે.
રાજસ્થાનમાં પણ ઘટ્યા ભાવ
રાજસ્થાન સરકારે પણ પેટ્રોલ પર 2.48 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 1.16 રૂપિયા પ્રતિ લિટરે ઘટાડ્યા છે. જે બાદ હવે રાજસ્થાનમાં પેટ્રોલ 10.48 રૂપિયા તથા ડીઝલ 7.16 રૂપિયા પ્રતિ લિટર સસ્તુ થઈ જશે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં પેટ્રોલ 108 રૂપિયા અને ડીઝલ 109 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું હતું.
ઝારખંડ સરકારે કાપ મુકવાની ના પાડી દીધી
ઝારખંડ સરકારે હાલમાં વૈટમાં ઘટાડો કરવાની કોઈ યોજના બનાવી નથી. નાણામંત્રી રામેશ્વર ઉરાંવે કહ્યું કે, ઝારખંડમાં પહેલાથી પેટ્રોલ સબ્સિડી યોજના લાગૂ છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, રાજ્ય સરકાર ડાયરેક્ટ વૈટમાં કાપ મુકવાનો કોઈ પ્લાન હાલમાં નથી.
આવો જોઈએ આજે શું છે પેટ્રોલ અને ડીઝલની કિંમત.
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.
જયપુરમાં પેટ્રોલ 108.48 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 93.52 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.
મુંબઈમાં પેટ્રોલ 111.35 રૂપિયા અને ડીઝલ 97.28 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.
ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 102.63 અને ડીઝલની કિંમત 94.24 રૂપિયા પ્રતિ લીટર છે.
હાલમાં કોલકાતામાં પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલની કિંમત 92.72 રૂપિયા પ્રતિ લીટર છે.
નોઈડામાં પેટ્રોલ 96.57 રૂપિયા અને ડીઝલ 89.96 રૂપિયા પ્રતિ લીટર છે.
પટનામાં પેટ્રોલની કિંમત 107.24 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 94.04 રૂપિયા પ્રતિ લીટર છે.
લખનઉમાં પેટ્રોલ 96.57 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે, જ્યારે ડીઝલ 89.76 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.
કેન્દ્રીય નાણામંત્રીએ શું કહ્યું હતું ?
આપને જણાવી દઈએ કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને કહ્યું છે કે, જ્યારથી કેન્દ્રમાં પીએમ મોદીની સરકાર આવી છે, અમે ગરીબોના કલ્યાણ માટે કામ કરી રહ્યા છીએ. અમે ગરીબ અને મધ્યમ વર્ગની મદદ માટે કેટલાક પગલાં લીધાં છે. આનું પરિણામ એ આવ્યું છે કે, અમારા કાર્યકાળ દરમિયાન સરેરાશ મોંઘવારી અગાઉની સરકાર કરતાં ઓછી રહી છે. તેમણે કહ્યું છે કે દુનિયા આ સમયે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. જ્યારે વિશ્વ કોરોના રોગચાળામાંથી બહાર આવી રહ્યું હતું, ત્યારે યુક્રેન કટોકટી ઊભી થઈ, જેના કારણે સપ્લાય ચેન અને ઘણા માલસામાનની અછત સર્જાઈ. તેના ઘણા દેશોમાં ફુગાવો અને આર્થિક કટોકટી ઊભી થઈ છે.
પીએમ મોદીએ રાજ્ય સરકારોને અપીલ કરી હતી
થોડા મહિનાઓ પહેલા દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં અનુક્રમે ₹5 અને ₹10 પ્રતિ લિટરનો રેકોર્ડ ઘટાડો કર્યો હતો. આ જાહેરાત સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારોને વેટ ઘટાડવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી છે, જેના કારણે તેલના ભાવ નીચે આવ્યા છે. તેમણે કહ્યું, હું રાજ્ય સરકારોને વિનંતી કરું છું કે તેઓ પણ ટેક્સમાં ઘટાડો કરે જેથી જનતાને મોટી રાહત મળે. તેમણે કહ્યું કે, હું કોઈની ટીકા નથી કરી રહ્યો પરંતુ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશની સરકારોને વિનંતી છે કે, તેઓ વેટ ઘટાડે જેથી જનતાને ફાયદો થાય.
આ દરમિયાન ઉત્તરાખંડે રાજ્યમાં પેટ્રોલ પરના વેટમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ ઉત્તરાખંડમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 7 રૂપિયાનો ઘટાડો થયો છે.
કર્ણાટક સરકારે જાહેરાત કરી કે તે 4 નવેમ્બરથી પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમતો પર પ્રતિ લિટર 7 રૂપિયા વેટ ઘટાડવા જઈ રહી છે. મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ ટ્વિટર પર તેમના સત્તાવાર હેન્ડલ પર આ જાહેરાત કરી હતી.
હરિયાણા સરકારે રાજ્યમાં ઈંધણના ભાવ પર વેટ પણ ઘટાડી દીધો હતો.
આસામ સરકારે પણ કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા સાથે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં પ્રતિ લીટર 7 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું હતું કે, રાજ્યમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 12 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે.
અન્ય રાજ્યોની જાહેરાત બાદ મણિપુર સરકારે પણ તાત્કાલિક અસરથી પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ 7 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી છે.