CEBR report india to became 3rd largest and china worlds biggest economy
રિપોર્ટ /
2028માં અમેરિકાને પછાડી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ચીન, જાણો ભારત કયા નંબર પર હશે
Team VTV05:41 PM, 27 Dec 20
| Updated: 05:56 PM, 27 Dec 20
કોરોના મહામારી બાદ હવે જ્યાં ધીમે ધીમે વિશ્વની અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે ત્યારે બ્રિટનના એક થિંક ટેન્ક દ્વારા વિવિધ દેશોના આર્થિક વિકાસ પર રીપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે.
વર્ષ 2028માં ચીન બની જશે સુપરપાવર, અમેરિકા રહી જશે પાછળ
વર્ષ 2030માં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે
કોરોના વાયરસના કારણે અમેરિકા ધીમું પડ્યું અને ચીનની ગતિ વધી
ભારતનું અર્થતંત્ર ભરશે હરણફાળ
વર્ષ 2020માં કોરોના વાયરસ મહામારીના કારણે વિશ્વભરને નુકસાન થયું છે અને અર્થતંત્ર પણ ભાંગી પડ્યું છે ત્યારે 2020 પૂરું થાય તે પહેલા સારા સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષ 2025માં ભારત ફરીવાર વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને બ્રિટન પાછડાઈ જશે. એક રીપોર્ટ અનુસાર ભારતનું અર્થતંત્ર ખૂબ તેજીથી રીકવરી કરી રહ્યું છે. વર્તમાનમાં ભારત વિશ્વની છઠ્ઠી સૌથી મોટી ઈકોનોમી છે જે વર્ષ 2030માં વધીને ત્રીજા નંબર પર આવી જશે તેવું અનુમાન છે.
ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા
બ્રિટનના સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રીસર્ચ શનિવારે વાર્ષિક રીપોર્ટ આપ્યો છે જે અનુસાર વર્ષ 2021માં ભારતની વૃદ્ધિ 9 ટકા અને 2022માં 7 ટકા રહેશે. આ રિપોર્ટ અનુસાર વર્ષ 2025માં ભારતનો વૃદ્ધિ દર 5.8 ટકા રહેશે અને 2030માં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
ચીન બની જશે સુપર પાવર
નોંધનીય છે કે ભારત વર્ષ 2025માં બ્રિટન, 2027માં જર્મની અને 2030માં જાપાનને પછાડી દેશે અને આગળ વધી જશે. બ્રિટનના થીંક ટેન્ક અનુસાર ચીન 2028 સુધી અમેરિકાને પાછળ કરી દેશે અને દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે.
કોરોના વાયરસના કારણે થયો ફાયદો
પહેલા અનુમાન હતું કે વર્ષ 2033 સુધીમાં ચીન વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે પણ કોરોના વાયરસના સંકટના કારણએ ચીન ખૂબ આગળ વધ્યું અને અમેરિકાનું અર્થતંત્ર ધીમું પડી ગયું જેના કારણએ હવે રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે કે 2028 સુધીમાં જ ચીન આગળ નીકળી જશે.
CEBRના રીપોર્ટ અનુસાર અમેરિકાનો વિકાસ દર 2022થી 2024 સુધી 1.9 ટકા જ રહેશે અને તે બાદ ઘટીને 1.6% જ રહી જશે જયારે ચીન ખૂબ તેજ ગતિથી આગળ વધશે અને અમેરિકાને પણ પાછળ છોડી દેશે.