Ceasefire incidents are becoming common affairs Pakistan not ready to stop
VTV વિશેષ /
સરહદે પાકિસ્તાનની આડોડાઈ હવે સામાન્ય ઘટના બનતી જાય છે; ક્યાં સુધી આ સિઝફાયરનું ઉલ્લંઘન થયા કરશે?
Team VTV08:42 PM, 26 Dec 20
| Updated: 01:22 PM, 27 Dec 20
આ વર્ષના સપ્ટેમ્બર મહિના સુધીમાં પાકિસ્તાને LOC પર ૩,૧૮૬ વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે, જે છેલ્લાં ૧૭ વર્ષમાં સૌથી વધારે છે. જમ્મુ સરહદ પર રહેતા લોકો માટે આમ જીવન જીવવું પણ દુષ્કર બન્યું છે.
ઘણી વખત એવું લાગે છે કે સરહદ પર ઉત્પાત મચાવીને ભારતને તંગ કરવું અને ઉશ્કેરવું એ જ પાકિસ્તાનનું એકમાત્ર રણનૈતિક લક્ષ્ય બની ગયું છે. એ સમજવું આજે પણ ખૂબ મુશ્કેલ છે કે વગર કોઈ કારણે પાકિસ્તાન તરફથી વારંવાર યુદ્ધવિરામનો ભંગ કેમ થાય છે અને આપણા દેશનાં સૈન્ય દળોએ શા માટે હંમેશાં સતર્ક જ રહેવું પડે છે.
સરહદ ઉપર પાકિસ્તાનની આડોડાઈ માટે પાકિસ્તાનના ઉચ્ચ અધિકારી અને નેતાઓ જવાબદાર
કેટલીક વખત આવી અથડામણમાં આપણી સેનાને પણ નુકસાન થાય છે પણ મોટા ભાગે તો આવી ‘નાપાક’ હરકતોનું પરિણામ પાકિસ્તાનના સૈનિકોએ જ ભોગવવું પડે છે. એટલું તો નક્કી છે કે સરહદ પર પાકિસ્તાની સૈનિકો વગર કોઈ કારણે જ અચાનક ગોળીબાર શરૂ કરી દે છે તો તેની પાછળ હંમેશાં ઉચ્ચ સ્તરેથી આપવામાં આવેલા આદેશ જ જવાબદાર હોય છે.
કોઈ પણ દેશની સરહદ એવી સંવેદનશીલ જગ્યા હોય છે, જ્યાં સાવ મામૂલી બિનજવાબદાર હરકત પણ બંને પક્ષ વચ્ચે યુદ્ધની સ્થિતિ ઊભી કરવા માટે પર્યાપ્ત હોય છે. આમ છતાં પણ પાકિસ્તાનને જાણે સુધરવું જ ના હોય તેવું લાગી રહ્યું છે. તે હંમેશાં ભારતને, ભારતની નેતાગીરીને અને ભારતના સૈન્યને ઉશ્કેરવાની કોશિશ કરતું રહે છે.
આતંકવાદીઓની ઘૂસણખોરી પણ ભારત માટે માથાનો દુખાવો
LOC પરથી થતી આતંકવાદીઓની ઘૂસણખોરી પણ ભારત માટે માથાનો દુખાવો બની ગઈ છે. આતંકીઓની ભારતમાં ઘૂસણખોરી માટે પાકિસ્તાની સૈન્ય જ્યારે કવર ફાયરિંગ કરે છે ત્યારે ત્યારે બંને દેશ વચ્ચે તણાવ વધી જાય છે.
યુદ્ધવિરામનું ઉલ્લંઘન હવે સામાન્ય વાત બનતી જાય છે
જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલી સરહદ પર પાકિસ્તાન તરફથી કરવામાં આવતું યુદ્ધવિરામનું ઉલ્લંઘન હવે સામાન્ય વાત બનતી જાય છે. સરહદ પરના દરેક સંવેદનશીલ પોઈન્ટ પર ભારતીય સેના અને સુરક્ષાદળો તહેનાત છે અને સતત પાકિસ્તાન પર બાજનજર રાખે છે છતાં આતંકીઓ અને પાકિસ્તાની સેનાના હુમલા રોકી શકાયા નથી.
ભારત ક્યારેય પણ યુદ્ધવિરામનો ભંગ કરીને હુમલાની શરૂઆત કરતું નથી પણ જ્યારે સરહદ પારથી સતત ઉશ્કેરણીજનક વ્યવહાર ચાલુ રહેતો હોય ત્યારે તેનો જડબાતોડ જવાબ આપવો પણ જરૂરી બની જાય છે. ક્યારેક ક્યારેક દુશ્મન આપણી ખાનદાની અને મૌનને કાયરતા ના સમજી લે એ માટે પણ તેને પાઠ ભણાવવો પડે છે.
પાકિસ્તાનની અવરચંડાઈ સામે ભારતીય વ્યૂહરચના મજબૂત
પાકિસ્તાનને હજુ આ તમામ હરકતોના કારણે જ ભારત ફરી એક વખત સર્જિકલ સ્ટ્રાઈક કરશે તેવો છૂપો ડર હંમેશાં ધ્રુજાવી રહ્યો છે. ભારતની યુદ્ધની રણનીતિ અને વ્યૂહરચના એટલી મજબૂત હોય છે કે પાકિસ્તાનને તેનો કોઈ તોડ આજદિન સુધી મળ્યો નથી.
પાકિસ્તાને છેલ્લાં ૧૭ વર્ષમાં સૌથી વધારે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું
સૌથી મહત્ત્વની વાત એ છે કે વર્ષ ૨૦૦૩માં ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે થયેલી સંઘર્ષ વિરામ સમજૂતીનાં આટલાં વર્ષ પછી પણ પાકિસ્તાનને હજુ સુધી તેની અગત્યતા સમજાઈ નથી. સ્થિતિ એવી છે કે આ વર્ષના જ સપ્ટેમ્બર સુધીમાં પાકિસ્તાને નિયંત્રણ રેખા (એલઓસી) પર ૩,૧૮૬ વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે, જે છેલ્લાં ૧૭ વર્ષમાં સૌથી વધારે છે. પાકિસ્તાનની આ હરકતના કારણે જમ્મુ સરહદ પર પ્રભાવિત વિસ્તારમાં રહેતા લોકો માટે આમ જીવન જીવવું પણ દુષ્કર બની ગયું છે.
સ્થાનિકો ત્રાસી ગયા છે આ હરકતોથી
આ વિસ્તારમાં હવામાન ખરાબ હોવા છતાં પણ તેમણે હંમેશાં ગોળીબાર અને તેનાથી ઉદભવતી પરિસ્થિતિ માટે તૈયાર જ રહેવું પડે છે. ઘણી વખત અચાનક જ તેમણે પોતાનાં ઘર છોડીને નાસવું પણ પડે છે. સરહદ પારથી અવારનવાર થતી ઘૂસણખોરીના કારણે આ લોકોની હાલત વધુ ને વધુ કથળતી જાય છે.
સમસ્યા એ પણ છે કે આંતરરાષ્ટ્રીય મંચ પર મોટા ભાગે કાશ્મીરનો જ રાગ આલાપતા રહેતા પાકિસ્તાનને કદાચ સરહદ પર પોતાની સેના દ્વારા કરવામાં આવતી આ પ્રકારની દુષ્ટ પ્રવૃત્તિઓ યાદ રહેતી નથી. એક લોકતાંત્રિક દેશ હોવાના કારણે ભારત હંમેશાં શક્ય હોય તેટલું ધૈર્ય જાળવી રાખે છે પણ એક દેશ પાડોશીની આ પ્રકારની હરકતો ક્યાં સુધી સહન કરશે તે પણ અગત્યનો સવાલ છે. સહન કરવાની એક હદ હોય છે અને ભારતે કદાચ હદથી પણ વધુ સહન કરી લીધું છે. હવે જો પાકિસ્તાન શાનમાં નહીં સમજે તો આવનારા દિવસો તેના માટે ખૂબ જ મુશ્કેલીભર્યા હશે તે વાત નક્કી છે.