સુરતના મોટા વરાછામાં રહેતી એક 30 વર્ષીય પરિણીતાને ઓનલાઇન 3 હજારની ઇન્સ્ટન્ટ લોન લેવી ભારે પડી. લોનની રકમ ચૂકવી દીધા બાદ પણ વધુ રકમની માંગ કરાઇ.
સુરતમાં ઇન્સ્ટન્ટ લોન લેવાનું મહિલાને ભારે પડ્યું
મહિલાએ એપ મારફતે રૂ. 3 હજારની લોન લીધી હતી
વધુ રૂપિયા આપવાની ના પાડતાં મહિલાને બ્લેકમેલ કરાઈ
સુરતમાં ઈન્સ્ટન્ટ લોન લેવાનું એક મહિલાને ભારે પડ્યું. મહિલાએ મોબાઈલ એપથી ઇન્સ્ટન્ટ લોન લીધી હતી. પરંતુ લોનની રકમ ચૂકવ્યા બાદ પણ વધુ રકમની માંગણી કરાઈ. જો કે, વધુ રૂપિયા આપવાની ના પાડતા મહિલાને બ્લેકમેલ કરાઈ. મહિલાને તેના જ મોર્ફ કરેલા ફોટા મોકલીને બ્લેકમેલ કરવામાં આવી. જણાવી દઇએ કે, મહિલાએ એપ મારફતે રૂ. 3 હજારની લોન લીધી હતી. જો કે, મહિલાએ અમરોલી પોલીસ સ્ટેશને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આથી, અમરોલી પોલીસે ખંડણી અને IT એક્ટનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
મહિલાએ ઇન્સ્ટન્ટ લોન લીધી ત્યારે પાનકાર્ડ-આધાર કાર્ડ તેમજ ફોટો મોક્લ્યો હતો
તમને જણાવી દઇએ કે, શહેરના મોટા વરાછામાં રહેતી એક 30 વર્ષીય પરિણીતાએ ઓનલાઇન 3 હજારની ઇન્સ્ટન્ટ લોન લીધી હતી. આ મહિલાએ જ્યારે ઇન્સ્ટન્ટ લોન લીધી ત્યારે પરિણીતાએ પાનકાર્ડ અને આધાર કાર્ડ તેમજ ફોટો મોક્લ્યો હતો. 3 હજારની લોનની સામે ચાર્જીસના નામે 1200 રૂપિયા કાપી 1800 રૂપિયા મહિલાને આપ્યા હતા. મહિલાએ લોનની રકમ 1810 અને 1110 મળીને કુલ 2920 રૂપિયા ચૂકવી દીધા હતા છતાં મહિલાને કોલ કરી રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી.
એક ફેક લિંક દ્વારા મહિલાનો મોબાઇલ હેક કરી લીધો હતો
આથી, વધારે રૂપિયાની માંગણી કરતા મહિલાએ જ્યારે રૂપિયા આપવાની ના પાડી દીધી એટલે કોલ કરનારે મહિલાને બ્લેકમેલિંગ કરવાનું શરૂ કરી દીધું. મહિલાને લોન વખતે એક લિંક મોકલી હતી જે ખોલતા જ તેને તે મહિલાનો મોબાઇલ હેક કરી લીધો હતો. બાદમાં મહિલા, તેની બહેન અને અન્ય એક બહેનપણીનો બિભત્સ ફોટો બનાવી તેમાં ખરાબ કોમેન્ટ કરીને સોશિયલ મીડિયામાં તેને વાયરલ કર્યો હતો. છેલ્લા 20 દિવસથી જે-તે વ્યક્તિ મહિલાને હેરાન કરતો હતો. વધુમાં કોલ કરનાર મહિલા પાસેથી પૈસા પડાવવા શરૂઆતમાં તેનો મોર્ફ કરેલો ફોટો ફોન પર મોકલ્યો હતો. ત્યાર બાદ પરિણીતાના હેક કરેલા ફોન પર તેની બહેનપણીનો મોર્ફ કરેલો ફોટો મોકલ્યો. આ રીતે મહિલાને તેના જ મોર્ફ કરેલા ફોટા મોકલીને બ્લેકમેલ કરવામાં આવતી. આથી, મહિલાએ અમરોલી પોલીસ સ્ટેશને આ મામલે ફરિયાદ નોંધાવતા અમરોલી પોલીસે ખંડણી અને IT એક્ટનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.