ટૂ-વ્હીલર હોય કે ફોર વ્હીલર, વાહનનું માઈલેજ ખૂબ જ મહત્વ ધરાવે છે. એ જ રીતે જો કાર સારું માઈલેજ આપતી હોય તો પૈસા અને ફ્યૂલ બંનેની બચત થાય છે. જોકે, આપણામાંથી મોટાભાગના લોકો કેટલીક એવી ભૂલો કરતાં હોય છે જેના કારણે કારનું માઈલેજ ઘટતું જાય છે. જેથી આજે અમે તમને એવી કામની સરળ ટિપ્સ જણાવીશું, જેને અપનાવીને તમે તમારી કારનું માઈલેજ વધારી શકો છો.
કાર ડ્રાઈવિંગ વખતે આ બાબતોનું રાખો ધ્યાન
ડાઉન ગિયરમાં કાર ચલાવવી નહીં
એર ફિલ્ટર હમેશાં સાફ કરાવતા રહો
બ્રેક અને એક્સેલરેટર
તમે જેટલીવાર કારને એક્સેલરેટર આપો છો અથવા બ્રેક લગાવો છો, એટલું વધારે તમારી કારનું ફ્યૂલ ખર્ચ થાય છે. જેટલું વધારે તમે એક્સેલરેટર આપો છો, એટલું જ મોટર પર દબાણ વધે છે અને ફ્યૂલ પણ વધુ ખર્ચ થાય છે. આ જ કારણથી વારંવાર અથવા જરૂર વિના બ્રેક અને એક્સેલરેટરનો ઉપયોગ કરવો નહીં.
સ્પીડ
ફ્યૂલ વધુ ખર્ચાય નહીં તે માટે કારની સ્પીડનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તમે જેટલી સ્પીડમાં કાર ચલાવશો, એન્જિન પર એટલો જ લોડ વધશે અને ફ્યૂલ વધુ ખર્ચ થશે. જેથી યોગ્ય સ્પીડમાં ગાડી ચલાવવાથી 33 ટકા ફ્યૂલની બચત થાય છે.
કારના ટાયર
કારના ટાયરમાં પૂરતી હવા છે કે, નહીં તે વાતનું હમેશાં ધ્યાન રાખવું. જો તમારા ટાયરમાં પ્રોપર હવા હશે તો તમે 3 ટકા સુધી ફ્યૂલની બચત કરી શકશો. જેથી કારના ટાયરની કાળજી રાખવી જરૂરી છે.
એર ફિલ્ટર
કારના એન્જિનના એર ફિલ્ટરને ચેક કરાવતા રહેવું. જો ફિલ્ટર ગંદુ હશે તો તમારા ખિસ્સા પર ભાર વધી શકે છે. તેનાથી એન્જિનની કાર્યક્ષમતા પ્રભાવિત થાય છે અને ફ્યૂલ વધુ ખર્ચ થાય છે. આસપાસની ગંદકી, હવા, પ્રદૂષણ, ધૂળના રજકણ તેમાં ચોંટી જાય છે. જેથી તેને સમયાંતરે સાફ કરાવતા રહેવું.
ક્રૂઝ કંટ્રોલ
કારમાં ક્રૂઝ કંટ્રોલનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી પણ ફ્યૂલ ઓછો ખર્ચ થાય છે અને કારની યોગ્ય સ્પીડ બરકરાર રહે છે.
સામાન
તમારી કારની ડિકીમાં તમે જેટલો વધારે સામાન ભરશો એટલું કારનું વજન વધશે અને તેનાથી તમારી કારનું માઈલેજ ઘટશે. જેથી કારમાં ક્યારેય જરૂરથી વધારે સામાન ભરવો નહીં.
ટોપ ગિયર
સંભવ હોય ત્યાં સુધી કાર ટોપ ગિયરમાં જ ચલાવવાની કોશિશ કરો. કાર જ્યાં ત્રીજા ગિયરમાં ચાલવી જોઈએ ત્યાં બીજા અને બીજા ગિયરમાં ચાલવી જોઈએ ત્યાં પહેલાં ગિયરમાં કાર ચલાવવી નહીં. ડાઉન ગિયર્સ વધુ ફ્યૂલ ખર્ચ કરે છે. જેથી ડ્રાઈવિંગ વખતે ગિયર્સનું ખાસ ધ્યાન રાખવું.