ન્યૂઝીલેન્ડ સામે સીરીઝની છેલ્લી ત્રીજી વન ડેમાં ભારતીય ક્રિકેટ ટીમનો કારમો પરાજય થયો. ન્યૂઝીલેન્ડની ટીમે જાણે T 20નો હિસાબ બરાબર કર્યો હોય તેમ આખી સીરીઝ ટીમ ઈન્ડિયાથી ઝૂંટવી લીધી. કે એલ રાહુલની સેન્ચુરીની મદદથી બનાવેલા 296ના સ્કોરને ટીમ ઈન્ડિયા બચાવી ન શકી.
કોહલીની આગેવાનીમાં પહેલી શરમજનક હાર
31 વર્ષ બાદ ભારત સામે કોઈ ટીમે કર્યું ક્લીન સ્વીપ
કોહલીએ બોલર્સ અને ફિલ્ડર્સ પર હારનું ઠીકરું ફોડ્યું
આ હાર કોઈ સામાન્ય હાર નથી. 31 વર્ષ બાદ ભારતની આવી શરમજનક હાર થઇ છે. 1989માં વેસ્ટઇન્ડીઝે ભારતને 5-0થી હરાવ્યું હતું તે બાદ આ પહેલો મોકો હતો જયારે ભારત કોઈ સીરીઝમાં ક્લીન સ્વીપથી હાર્યું હોય. એવામાં હવે ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું હાર મુદ્દે નિવેદન સામે આવ્યું છે.
કોહલીએ કહ્યું અમારું પ્રદર્શન જીતને લાયક હતું જ નહીં
આ કારમા પરાજય માટે કોહલીએ હારનું ઠીકરું બોલર્સ અને ફિલ્ડર્સ પર ફોડ્યું છે. કોહલીએ કહ્યું 'વન ડે સીરીઝમાં જે રીતે ખરાબ પરિસ્થિતિમાં મેચમાં વાપસી કરી એ વખાણવાલાયક છે. જોકે અમે જે રીતે બોલિંગ અને ફિલ્ડીંગ કરી તે મેચ જીતવા લાયક ન હતી. આવા પ્રદર્શનથી અમે જીતને લાયક હતા ન નહીં. '
કોહલીએ વધુમાં કહ્યું કે 'અમે કંઈ એટલું ખરાબ ન હતા રમ્યા પરંતુ અમે તક ઝડપી ન શક્યા. અમારી ટીમમાં જે નવા ખેલાડીઓ આવ્યા છે તેમના માટે આ સારો અનુભવ રહ્યો હતો. કીવી ટીમ વધુ જુસ્સા સાથે રમી રહી હતી. તે આ સીરીઝને 3-0 જીતવાના હકદાર હતા. '
કોહલી માટે કડવો અનુભવ
ઉલ્લેખનીય છે કે કેપ્ટન કોહલી માટે પણ આ ખૂબ શરમજનક હાર હતી. કોહલીની કેપ્ટનશીપમાં આ પહેલો મોકો હતો જયારે ભારતીય ટીમને આ પ્રકારે ધૂળ ચાટવી પડી હોય. આ પહેલાં કોહલીની આગેવાનીમાં ક્યારેય ભારતની આવી હાર નથી થઇ. ત્યારે કોહલી માટે પણ આ સીરીઝ એક કડવા અનુભવ તરીકે યાદ રહેશે તે નક્કી છે.