બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 09:59 PM, 30 April 2019
'કેન્સર પાન હાઉસ' આ પ્રકારનું વિચિત્ર નામ સાંભળતાં જ તમને થોડો આંચકો લાગશે. એમાં પણ જો તમે તમાકુયુક્ત પાનમસાલાના વ્યસની હશો તો તો તમને કદાચ આ નામ સાંભળી ઝાટકો જ લાગશે. બસ આ ઝાટકો લાગે તે માટે જ તો પોતાની પાન-મસાલાની દુકાનનું નામ તેણે કેન્સર પાન હાઉસ રાખ્યું છે. આ કેન્સર પાન હાઉસની ડિઝાઈન પણ જુઓ ખોપરીના મોંમાં નિકોટીન યુક્ત સિગારેટ, અને લાલ ડરામણા અક્ષરે ચિતરેલું આ દુકાનનું બોર્ડ છે. આ દુકાનમાં હાડપિંજરના મુખોટા સીગરેટ પિતા હોય તેવી હોરર થીમ ઊભી કરવામાં આવી. પાન, ફાકી કે સિગરેટને લીધે થતી કેન્સર જેવી ગંભીર બીમારી આ થીમ મારફત દર્શાવવામાં આવી છે. દુકાનમાં એક હાથકડી પણ મૂકવામાં આવી. જે સૂચવે છે કે પાન, ફાકી, સીગરેટ તમને વ્યસનના બંધનમાં બાંધી શકે છે.
ADVERTISEMENT
આ પ્રકારની કોઈ દુકાનને જોઈને એમ લાગશે કે ગ્રાહકો અહીં આવતા જ નહીં હોય. પરંતુ તમારી ધારણા ખોટી પડશે. આ દુકાને ઉલટાના વધારે ગ્રાહક આવી રહ્યા છે અને તમાકુ મુક્તિની દિશામાં ડગ માંડી રહ્યા છે. કેન્સર પાન હાઉસ આવું વિચિત્ર નામ ધરાવતી દુકાનના માલિક મોહિત પોપટ છે. તેમણે રાજકોટ ખાતે પાન-મસાલાની દુકાન શરૂ કરી છે.
નફાનો ખ્યાલ કર્યા વગર આ દુકાન માલિક આપે છે સલાહ
જો કે તેઓ આ વ્યવસાય સાથે સાથે સામાજિક સેવા પણ કરી રહ્યા છે. કેન્સર પાન હાઉસમાં જે ગ્રાહકો તમાકુયુક્ત પાન-મસાલા ખરીદવા આવે છે તેને શોપ માલિક સૌ પ્રથમ તો તમાકુ છોડવાની સલાહ આપે છે. છતાં જો ગ્રાહક ન માને તો તેને તેની પસંદગીના પાન-મસાલા કે સિગરેટ આપવામાં આવે છે. પોતાના નફાનો ખ્યાલ કર્યા વગર આ દુકાન માલિક ગ્રાહકોને તમાકુના બદલે સાદા પાન-મસાલા ખાવાની સલાહ આપે છે. જોકે તેમની સલાહથી આજ સુધીમાં 15થી 20 લોકોએ તમાકુ છોડી દીધી છે અને બીજા કેટલાકે તમાકુનો વપરાશ ઓછો કરી દીધો છે.
ADVERTISEMENT
પાન-ફાકીના બદલે ગ્રાહકોને અન્ય ઓપ્શન
આ અનોખા પાન હાઉસમાં કોઈ તમાકુ-સોપારીવાળું પાન કે ફાકી ખાય તો તેમને સલાહ અપાય છે કે, આ વસ્તુ ખાવાથી તમને કેન્સર થઈ શકે છે. તમાકુ અને સોપારીવાળા પાન-ફાકીના બદલે ગ્રાહકોને અન્ય ઓપ્શન પણ આપવામાં આવે છે. જેમાં કેસર, રોઝ, પાઈનેપલ, ગ્રીન ગોલ્ડ, સ્ટ્રોબેરી, રાતરાણી અને નવરત્ન જેવા અવનવી ફ્લેવરનાં પાન આપવામાં આવે છે. મીઠી ફાકીમાં પણ મિન્ટ વિનાના મધના અલગ-અલગ ફ્લેવરના પાવડર નાખવામાં આવે છે.
500 લોકોને તમાકુના વ્યસનથી મુક્ત કરાવવાની ઈચ્છા
આમ તો અનેક લોકો, સંસ્થાઓ લોકોને તમાકુની કુટેવ છોડાવવા અનેક પ્રયત્નો કરતા હોય છે. ત્યારે રાજકોટના આ અનોખા પાન હાઉસ દ્વારા મોહિતભાઈ પોપટ પણ 500 જેટલા લોકોને તમાકુના વ્યસનથી મુક્ત કરાવવાની ઈચ્છા ધરાવે છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ અનોખું કેન્સર પાન હાઉસ ખરેખર કેટલા લોકોને કેન્સર તરફ ડગ માંડતા રોકી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.