Cabinet may consider fresh bill to ban triple talaq today
વિધેયક /
કેબિનેટ બેઠકઃ ફેરફાર સાથેના ત્રિપલ તલાક બિલને મળી શકે છે મંજૂરી
Team VTV09:23 AM, 12 Jun 19
| Updated: 09:24 AM, 12 Jun 19
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રની કેબિનેટ બેઠક મળશે. આ કેબિનેટ બેઠકમાં ત્રિપલ તલાક પર પ્રતિબંધ લગાવાના નવા વિધેયકને મંજૂરી આપી શકે છે. કેબિનેટ સાથે જોડાયેલા સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ બેઠકમાં આ વિધયેક ચર્ચા માટે રાખવામાં આવશે.
એકવખત સંસદમાં મંજૂરી મળ્યા બાદ આ પ્રસ્તાવિત વિધેયક આ વર્ષની શરૂઆતમાં લાગુ કરાયેલા ત્રણ તલાક અધ્યાદેશનું સ્થાન લેશે. જો કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ફેરફાર બાદના ત્રણ તલાક બિલને મંજૂરી આપી દેવામાં આવશે તો સૌથી પહેલા 17 જૂનથી શરૂ થઇ રહેલા 17મી લોકસભાના પ્રથમ સત્રમાં રજૂ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ મંત્રીમંડળના તમામ મંત્રીઓ સાથે બેઠક યોજે તેવી શક્યતા છે. જો કે તે પહેલા કેબિનેટની બેઠક મળશે. એનડીએ સરકારના બીજા કાર્યકાળમાં સંસદનું સત્ર આવતા અઠવાડીયાથી શરૂ થવા જઇ રહ્યું છે, આ સંજોગોમાં રાજ્ય મંત્રીઓની મહત્વની ભૂમિકા રહેશે.
તમામ મંત્રાલયના સચિવો સાથે બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના મંત્રીમંડળના તમામ 57 પ્રધાનો સાથે પ્રથમ બેઠક કરશે. સૂત્રના હવાલેથી મળતા અહેવાલ મુજબ મંત્રીગણની આ બેઠકમાં પીએમ મોદી સરકારના આગામી પાંચ વર્ષના કાર્યયોજના પર ચર્ચા કરે તેવું અનુમાન છે. એક મળતાં અહેવાલ મુજબ પીએમ મોદી આ બેઠકમાં તમામ મંત્રાલયોના સચિવો સાથે યોજાયેલી બેઠકના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે.