caa muslim man shows face of humanity saving a cop from lynching while anti caa protest in firozabad
CAA વિરોધ /
માનવતાં મહેકીઃ ટોળાના પથ્થરમારા વચ્ચે મુસ્લિમ યુવકે ઢાલ બની પોલીસ જવાનને બચાવ્યો
Team VTV12:57 PM, 27 Dec 19
| Updated: 01:59 PM, 27 Dec 19
CAA અને NRCનાં વિરોધમાં દેશભરમાં હિંસક પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશનાં ફિરોઝાબાદમાં પણ હિંસક પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એક પોલીસકર્મી હિંસક ભીડની વચ્ચે ફસાઈ ગયો અને ભીડે તેને મારવાનું શરુ કરી દીધું. પોલીસકર્મીનું કહેવું છે કે જો ત્યાં એક વ્યક્તિ તેને બચાવવા ન આવ્યો હોત તો તે ભીડે તેને મારી નાખ્યો હોત.
ફિરોઝાબાદમાં હિંસક પ્રદર્શનમાં ભારે નુકસાન
હાજી કાદિરે માંડ માંડ બચાવ્યો પોલીસ જવાનનો જીવ
હાજી કાદિર દેવદૂત બનીને આવ્યા : પોલીસ જવાન અજય કુમાર
હાજી કાદિરે પોલીસ જવાનને પોતાના કપડાં પણ આપ્યા અને સુરક્ષિત પોલીસ સ્ટેશન સુધી મુકવા પણ આવ્યા
અજય કુમાર નામનો આ પોલીસ જવાન ભીડનાં હાથે મરતાં મરતાં બચી ગયો. હાજી કાદિર નામના એક વ્યક્તિએ અજય કુમારને જેમ તેમ કરીને ભીડથી બચાવીને પોતાના ઘરે લઇ ગયો અને સુરક્ષા પ્રદાન કરી. હાજી કાદિરે પોલીસ જવાનને પોતાના કપડાં પણ આપ્યા અને સુરક્ષિત પોલીસ સ્ટેશન સુધી મુકવા પણ આવ્યા. હાજી કાદિરે દ્વારા કરવામાં આવેલ માનવતાભર્યા આ કામની લોકો ખુબ પ્રશંસા કરી રહ્યા છે. અજય કુમાર નામના આ પોલીસ જવાને તો હાજી કાદિરને એક દેવદૂતની સંજ્ઞા પણ આપી.
અજય કુમારનું નિવેદન
અજય કુમારે કહ્યું કે ' તે મારા જીવનમાં દેવદૂત બનીને આવ્યા. જો તે ન આવ્યા હોત તો તે ભીડે મને મોતને ઘાટ જ ઉતારી દીધો હતો.' અજય કુમારે વિસ્તારમાં કહ્યું કે ' હાજી કાદિર મને તેમના ઘરે લઇ ગયા. મને માથા અને આંગળીનાં ભાગમાં ઈજા પહોંચી હતી. તેમણે મને પાણી અને કપડાં આપ્યા અને આશ્વાસન આપ્યું કે હું અહી સુરક્ષિત છું. જે બાદ તેઓ મને પોલીસ સ્ટેશન મૂકી ગયાં. '
હિંસક પ્રદર્શનમાં ખુબ નુકસાન પણ પહોંચ્યું હતું
હાજી કાદિરે કહ્યું કે તે જ્યારે નમાજ અદા કરી રહ્યા હતા તે સમયે તેમને જાણ થઇ કે ભીડે પોલીસ જવાનને ઘેરી લીધો છે. હાજી કાદિરનું કહેવું છે કે તેમને તે પોલસી જવાનનું નામ પણ ખબર ન હતી. તેમણે જે પણ કર્યું તે માનવતા માટે કર્યું. નોંધનીય છે કે 20 ડિસેમ્બરનાં રોજ ફિરોઝાબાદમાં પોલીસ અને ભીડ વચ્ચે ખુબ ઘર્ષણ થયું હતું. હિંસક પ્રદર્શનમાં ખુબ નુકસાન પણ પહોંચ્યું હતું.