ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો દાવો છે કે તેમની પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠક પર જીત મેળવશે. પ્રદેશ પ્રમુખે એમ પણ કહ્યું કે જો તેમની પાર્ટી એક પણ બેઠક ગુમાવશે તો તેઓ તે જ દિવસે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દેશે. પાટીલે કહ્યું કે મારો પ્રયત્ન રહેશે કે કોંગ્રેસ નેતાઓને પાર્ટીમાં સામેલ કરવામાં ન આવે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ધ ઇંડિયન એક્સપ્રેસ સાથે આપેલા એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે અમે કોંગ્રેસ નેતાને કોઇપણ બેઠક પર જીતવા દેશું નહી, જો કોઇ કોંગ્રેસ ધારાસભ્ય જીતી જાય છે તો તેને ભાજપમાં સામેલ કરવાની શક્યતા હોય છે.
ઉલ્લેખનીય છે કે ચંદ્રકાંત રઘુનાથ પાટીલ ભાજપના પહેલા બીન-ગુજરાતી પ્રદેશ અધ્યક્ષ છે. આ જ કારણ છે કે પાટીલને પ્રદેશ અધ્યક્ષ બનાવાતા કેટલાક લોકોને આશ્ચર્ય થયું. પાટીલે જણાવ્યું કે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર એક જ રાજ્ય હતા,ત્યારે તેમના પિતા રઘુનાથ પાટીલ પોલીસ ફોર્સમાં હતા. પાટીલનો જન્મ સુરતમાં થયો અને પિતાની જેમ તેઓ પણ પોલીસ ફોર્સમાં સામેલ થયા અને 15 વર્ષ સુધી સેવામાં રહ્યાં.
સીઆર પાટીલ 2009માં પહેલી વખત લોકસભા ચૂંટણી લડ્યા હતા. ત્યાર બાદ હજુ સુધી સાંસદ છે. પાટીલ જાતિવાદની રાજનીતિને સંપૂર્ણ રીતે વખોડે છે અને કહે છે કે જો એવું હોત તો તેમને ગુજરાત ભાજપના અધ્યક્ષ બનાવામાં ન આવ્યા હોત.
ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવામાં આવ્યા બાદ સી આર પાટીલ રાજ્યમાં એકશન મોડમાં જોવા મળી રહ્યાં છે. સૌ પ્રથમ આગામી પેટા ચૂંટણીને નજરમાં રાખી સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો. ત્યારબાદ હાલ પાટીલ ઉત્તર ગુજરાતની મુલાકાત કરી રહ્યાં છે. આમ ભાજપ પ્રદેશ પ્રમુખ આંતરિક વિખવાદને દુર કરી પક્ષને મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યાં છે.