બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:30 AM, 20 July 2024
મધ્ય ગુજરાતમાં આવેલા પંચમહાલ જિલ્લાના જામ્બુઘોડા ખાતે આવેલ ઝંડ હનુમાન મંદિરે એકવાર દર્શન કરનાર ભક્તને જીવનમાં ક્યારેય શનિની પનોતી નડતી નથી. રાજ્યના અનેક શહેરોમાંથી શનિવારે અને રવિવારે ઝંડ હનુમાન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજીના દર્શનાર્થે આવે છે, પંચમહાલ જિલ્લાના જામ્બુઘોડાના ગાઢ જંગલમાં ઝંડ હનુમાનજીનુ પ્રાચીન મંદિર આવેલુ છે. શનિના પ્રકોપથી બચવા માટે લોકો અનેક પૂજા વિધિ કરે છે અને ઘણા મંદિરોની મુલાકાત લે છે. પણ ઝંડ હનુમાન મંદિરે એકવાર દર્શન કરનાર ભક્તને જીવનમાં ક્યારેય શનિની પનોતી નડતી નથી. ઝંડ હનુમાનજીના મંદિરે શનિદેવ પર પણ તેલ ચઢાવવામાં આવે છે અને મંદિરમાં હનુમાનજીની આંગળી પર તેલ ચઢાવવામાં આવે છે.
ADVERTISEMENT
જાંબુઘોડાના કુદરતી સૌંદર્ય વચ્ચે દાદા બિરાજમાન
મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાનુ ઝંડ હનુમાન મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. જાંબુઘોડાના ગાઢ જંગલો વચ્ચે આવેલા આ મંદિરે દર મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. મંદિરે હનુમાનજીની ૨૧ ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા આવેલી છે, જે ભાવિકો શનિ પનોતીથી મુક્તિ ઈચ્છતા હોય છે તે ભક્તો મંગળવાર અથવા શનિવારના દિવસે ઝંડ હનુમાન મંદિરે દર્શન કરી પનોતી દૂર કરી ધન્ય થાય છે. નિયમિત દાદાના દર્શને આવતા ભક્તો પાંચ શનિવાર કે મંગળવાર ભરવાની માનતા રાખતા હોય છે અને તેઓની માનતા પૂરી પણ થાય છે.
ADVERTISEMENT
ભીમકાય ઘંટી પણ અહીં ખાસ આકર્ષણનું કેન્દ્ર
જાંબુઘોડાનું હનુમાનજીનુ મંદિર ખૂબ પ્રાચીન હોવાના અનેક પુરાવા મળ્યા છે. આ મંદિરમાં પાંડવો પણ આવી ચૂક્યાનો ઉલ્લેખ જોવા મળે છે સાથે અહીં કેટલીક પૌરાણીક વસ્તુઓ પણ છે જે પાંડવો સાથે સંબંધ ધરાવે છે. પાંડવોના વનવાસ દરમિયાન આ જંગલમાં દ્રોપદીને તરસ લાગતા અર્જુને બાણ મારી જલધારા વહાવી હતી. જેની નિશાની આજે પણ જોવા મળે છે. વનવાસ સમયે અનાજ દળવા ભીમે જે ઘંટીથી અનાજ દળ્યુ હતુ તે ભીમકાય ઘંટી પણ અહીં ખાસ આકર્ષણનું કેન્દ્ર છે.
રાજ્ય બહારથી હનુમાનદાદાના ભાવિકો દર્શને આવે છે
મંદિરના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરતા જ ભાવિકોમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે. ઝંડ હનુમાન મંદિરમાં આવેલ હનુમાન દાદાની મૂર્તિ ભગ્ન અવસ્થામાં છે. તેમજ મંદિર પરિસરમાં જ શિવ મંદિર અને રેતાળ પથ્થરોમાંથી કોતરેલા ગણપતિજીની વિવિધ મુદ્રાની મૂર્તિઓ આવેલી છે. મંદિર પાસે મળી આવેલ અન્ય મૂર્તિઓ અને રોમન તલવાર સાથે સૈનિક યોધ્ધાઓનો પાળીયા જોતા ભૂતકાળમાં આ સ્થળ અત્યંત જાહોજલાલીથી ભરપુર હશે તેવું માનવામાં આવે છે. રાજ્ય બહારથી હનુમાનદાદાના ભાવિકો દર્શને આવી પોતાની મનોકામના પૂર્ણ કરી ધન્યતા મેળવે છે.
કાળીચૌદશના દિવસે હનુમાનજીને કાળી સજાવટ
હનુમાનજીના ડાબા પગ નીચે શનિ દેવની ઉપસ્થિતિ પણ અલૌકીક દર્શન આપે છે. જેઓના માથે શનિની પનોતી હોય તેવા પીડિત અહીં આવીને શનિદેવના દર્શને કરે તો તેમની પનોતી દૂર થાય છે. શ્રદ્ધાળુઓ અવાર-નવાર મોટી સંખ્યામાં મંદિરે આવતા રહે છે. મહિનામાં એકવાર હનુમાનજીની સજાવટ કરવામાં આવે છે, શનિવારે હનુમાનજીની મૂર્તિને સફેદ સજાવટ કરવામાં આવે છે. દિવાળી કાળીચૌદશના દિવસે હનુમાનજીને કાળી સજાવટ કરવામાં આવે છે અને મહિનામાં એકવાર સજાવટ કરીને ભાવિકોને દર્શનનો લ્હાવો આપવામાં આવે છે. હનુમાનદાદાના દર્શને આવતા દર્શનાર્થીઓને દર્શન બાદ જાંબુઘોડાના જંગલોનુ કુદરતી સૌંદર્ય માણવાની તક પણ મળે છે.
અલગ જ પ્રકારના પાળિયા જોવા મળે છે
ઝંડ હનુમાનજીના મંદિર સંકુલમાં પ્રવેશતા જ જમણી તરફ એક વિશાળ શિવ મંદિર છે. આ પૌરાણીક મંદિરનું ચણતર પાતળી ઇંટો અને ચુનાથી કરાયેલું છે. નાનું શિવાલય ભગ્ન અવસ્થામાં હનુમાનજીના સ્થળની નીચે આવેલુ છે. જેમાં પાર્વતીજીની મૂર્તિ પણ છે. ઝંડ હનુમાનજીના સ્થળથી આગળ જતા ભીમની ઘંટી પછી અનેક ભગ્ન શિવાલય જોવા મળે છે. કુદરતી વાતાવરણમાં જંગલ વચ્ચે બિરાજતા ઝંડ હનુમાનદાદાના દર્શન કરી દર્શનાર્થીઓ ધન્યતા મેળવી દાદાના જ સાનિધ્યમાં જંગલમાં દિવસ પસાર કરી પ્રસન્નતા મેળવે છે. રોમન સૈનિકો અહીં આવ્યા હોવાના પુરાવા તરીકે કેટલાક પાળીયા છે જેના પર રોમન સૈનિકોના બેનમૂન ચિત્ર સાથેને અલગ જ પ્રકારના પાળિયા જોવા મળે છે.
લોકવાયકા મુજબ આ સ્થળ પાસે આવેલા ડુંગરના ઉપરના ભાગે એક વિશાળ ભોંયરૂ છે જેનું પ્રવેશદ્વાર બહારથી તોડીને ભોયરાને અગમ્ય કારણસર બંધ કરી દેવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાના જામ્બુઘોડાના જંગલમાં આવેલ ઝંડ હનુમાન મંદિરે દાદાના એકવારના દર્શનથી શનિની પનોતી દૂર થાય છે, રાજ્ય અને રાજ્ય બહારથી શનિવાર અને રવિવારે ઝંડ હનુમાનદાદાના મંદિરે મોટી સંખ્યામાં આવતા ભક્તો દાદાના દર્શન કરી ધન્ય થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.