Businesses in Ahmadabad are reportedly not pausing due to BJP leaders preference amid coronavirus outbreak in the city
સાહેબ, વાત મળી છે /
અમદાવાદમાં કોરોનાનું સંકટ છતાં ભાજપના એક નેતાને ઈશારે મોટા વેપારીઓની દુકાનો ખુલ્લી રહેશે
Team VTV03:22 PM, 20 Mar 20
| Updated: 04:14 PM, 20 Mar 20
હાલમાં દુનિયાભરમાં ચાલી રહેલ કોરોનાવાયરસ મહામારીએ ગુજરાતમાં એન્ટ્રી લીધી છે. 24 કલાકથી ઓછા સમયમાં ગુજરાતમાં અમદાવાદમાં 2, સુરતમાં 1, રાજકોટમાં 1, વડોદરામાં 1 એમ કુલ 5 કેસ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વધતા કેસને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને ધીમે ધીમે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ઉદ્યોગ ધંધાઓને અને અન્ય પ્રવૃત્તિઓને થોડા સમય માટે બંધ રાખવાના આદેશ અપાયા છે. એવામાં ગાંધીનગર સચિવાલયના સૂત્રો તરફથી 'સાહેબ, વાત મળી છે!'
રાજ્યના બે ટોચના બ્યુરોક્રેટિક અધિકારીઓ ચીફ સેક્રેટરી અનિલ મુકીમ અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા ગાંધીનગરમાં બેઠેલા રાજકીય નેતાઓેને ઈશારે મોલ્સ, રેસ્ટોરન્ટસ, કાફે અને અન્ય દુકાનોને કોરોના વાયરસના પગલે 2 અઠવાડિયા માટે બંધ કરાવવાના આદેશ આપી ચૂક્યા હતા. આ દુકાનોમાં કરિયાણા, ડેરી, શાકભાજી અને ફળોની દુકાનોનો સમાવેશ થતો નથી.
અનિલ મુકીમ
જો કે સમાચાર એવા આવ્યા છે કે રાજકીય નેતાઓ ફક્ત શાળા કોલેજોને અને થીએટર મલ્ટીપ્લેકસને જ બંધ કરાવવાની ઈચ્છા રાખતા હતા અને મોલ્સ, રેસ્ટોરન્ટસ અને કાફે ખુલ્લા રહે તેવી ઈચ્છા રાખતા હતા.
હવે ગાંધીનગર સચિવાલયમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ભાજપના એક મોટા નેતા વચ્ચે પડ્યાં અને એવી ખાતરી આપી છે કે સી.જી રોડ ઉપરના મોલ્સ અને કાફે સરકારની ગાઈડલાઈન્સથી અસરગ્રસ્ત નહીં થાય. એવું કહેવાય છે કે આ દુકાન અને રેસ્ટોરન્ટસ અને જવેલર શોપના માલિકો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ને કારણ આપી સમજાવવા પહોંચ્યા હતા કે તેમના ધંધા-ઉદ્યોગ કેમ બંધ ન કરવા જોઈએ.
નીતિન પટેલ
આ માહિતી નીતિન પટેલે સાંભળી અને ગાંધીનગર હાઈકમાન્ડને પહોંચાડી હતી તેવી વાતો મળી છે. હવે આ ચર્ચા વિચારણાઓના પગલે જયારે બીજા રાજ્યોમાં તાતી જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાય તમામ વસ્તુઓ જડબેસલાક બંધ છે ત્યારે ગુજરાતમાં શાળાઓ, સિનેમાઘરો અને જીમ સિવાય ઘણી બધી સેવાઓ સામાન્યતઃ ચાલુ છે.
આ સ્થિતિમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે શું ગુજરાતના વેપારીઓએ તેમના ભાજપ ના મોવડીમંડળ સાથેના સારા સંબંધોના પગલે પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરી આ સ્થિતિમાં નાણાંકીય લાભ ખાટવામાં વ્યસ્ત છે?