ભારતીય રિઝર્વે બેંકે શુક્રવારે જાહેરાત કરી હતી કે ભારતમાં જલ્દીથી 20 રૂપિયાની નવી નોટ આવશે. આ નોટ પર RBIના ગર્વનર શક્તિકાંત દાસની સહી હશે. તમને જણાવી દઇએ કે, આ નોટ પણ મહાત્મા ગાંધીની નવી સીરિઝની હશે. જાણીએ જૂની નોટની સરખામણીએ નવી નોટમાં શું બદલાવ કર્યો છે.
RBIએ 20 રૂપિયાની નવી નોટ ફોટો જારી કરી છે અને કહ્યુ કે, આ નોટમાં રંગ હલ્કો લીલામાંથી પીળો હશે. આ સાથે તમને જણાવી દઇએ કે, નોટીની પાછળ અલોરાની ગુફાઓનુ ચિત્રણ કરવામાં આવશે, જે ભારતીય સંસ્કૃતિનો વારસો છે. ઘણા લોકો વિચારી રહ્યા હશે કે નવી નોટો આવવાથી જૂની નોટો બંધ તો નહી થઇ જાય. તો જાણીએ નવી 20 રૂપિયાની નોટ આવવાથી જૂની નોટોનું શું થશે.
RBIએ કરેલી જાહેરાત અનુસાર, નવી નોટ જરી થયા પછી જૂની નોટ ચલણમાં રહેશે, એટલે કે જૂની નોટ પર કોઇ અસર નહી થાય. RBI દ્વારા રજૂ કરવામાં આવેલા 20 રૂપિયાની આ નવી નોટના આગળના ભાગ પર મહાત્મા ગાંધીનુ ચિત્રણ વચ્ચે હશે અને આજ રીતે નોટના મૂલ્યને હિંદી અને અંગ્રેજીના અંકોમાં લખ્યુ હશે.
નોટના પાછળના ભાગ પર વર્ષની સાથે સ્વચ્છ ભારતનો લોગો તથા સ્લોગન હશે. 20 રૂપિયાની નવી નોટના આકારની વાત કરવામાં આવે તો, તે 63 મિમી પહોળી અને 19 મિમી લાંબી હશે. આ સિવાય નોટની પાછળ ભાષાની પટ્ટી પણ હશે.
આ નોટની સુરક્ષા પટ્ટી પર ભારત અને RBI લખ્યુ હશે. જ્યારે આગળના ભાગમાં અશોક સ્તંભ પણ હશે.
બેંક અધિકારીઓ અનુસાર 20 રૂપિયાની નવી નોટ આવ્યા પછી નાની નોટો મળવામાં જે મુશ્કેલી થતી તે દૂર થઇ જશે. ઉલ્લેખનીય છે કે, નોટબંધી પછી અત્યાર સુધી રિઝર્વ બેંક ગત 2.5 વર્ષમાં 2000, 500, 200, 100, 50 અને 10 રૂપિયાની નવી નોટ જારી કરી ચૂકી છે.