Team VTV01:37 PM, 27 Jan 22
| Updated: 11:00 AM, 29 Jan 22
આવનાર બજેટમાં ખેડૂતોની સરકાર પાસે છે અપેક્ષા. ચૂંટણીની મોસમમાં રજૂ થનારા બજેટમાં ખેડૂતો માટે કેટલીક મોટી જાહેરાતો થવાની આશા
1લી ફેબ્રુઆરીએ રજૂ થશે કેન્દ્ર સરકારનું બજેટ
આવનારા બજેટને લઇને ખેડૂતોની અપેક્ષા
સરકારે વર્ષે રુ.6000 નહી રુ.9000 આપે
એક ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટને લઇને ખેડૂતો આશા લગાવીને બેઠા છે. તેમાં પણ પીએમ કિસાન સન્માન નિધિ હેઠળના 12 કરોડથી વધારે ખેડૂતો નાણામંત્રી નિર્મલા સીતરમણ પાસેથી આશા રાખી રહ્યા છે. ખેડૂતોને આશા છે કે વર્ષે 6 હજાર નહી પરંતુ 9 હજાર રુપિયા મળવા જોઇએ.
વાર્ષિક રુ.6000 અપૂરતા
આવનારા બજેટમાં ખેડૂતો આશા રાખી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઓછામાં ઓછા 9 હજાર રુપિયા મળવા જોઇએ. ખેડૂતોનું માનવુ છે કે 6 હજાર વર્ષે આપવાથી ખેડૂતો ખર્ચાને પહોંચી વળતા નથી મહત્વનુ છે કે હાલમાં મોદી સરકાર વાર્ષિક 2000-2000 રૂપિયાના ત્રણ હપ્તામાં ખેડૂતોને 6000 રૂપિયા આપી રહી છે. કુશીનગરના ખેડૂત રાજેન્દ્ર સિંહ કહે છે કે ખેતી હવે નફાકારક સોદો નથી. પૂર્વાંચલ એ શેરડીનો પટ્ટો છે અને અહીં સુગર મિલો પેમેન્ટ માટે લટકી રહી છે. ડીઝલના ભાવ વધારાને કારણે શેરડીનું પરિવહન મોંઘું થઈ ગયું છે, જ્યારે તેની છાલ ઉતારવામાં અને લોડિંગમાં પણ ઘણો ખર્ચ થઈ રહ્યો છે. મને PM કિસાન પાસેથી 6000 રૂપિયા મળી રહ્યા છે તે હવે અપૂરતા છે.અન્ય ખેડૂત યશવંત સિંહનું કહેવું છે કે હવે મોદી સરકાર પાસેથી એક જ આશા છે કે 12000 નહીં તો ઓછામાં ઓછા પીએમ કિસાનની રકમ વધારીને 9000 રૂપિયા વાર્ષિક કરવામાં આવે.
શું છે કિસાન સન્માન નિધી યોજના
ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાયરૂપ થવા માટે ૧૦૦% કેન્દ્ર સહાયિત યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવેલ છે. ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ.૬૦૦૦/- સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી મળવાપાત્ર થશે. જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવવામાં આવે છે. મહત્વનુ છે કે આ યોજના હેઠળ સરકાર 10 હપ્તાની ચૂકવણી કરી ચૂકી છે. 15 ડિસેમ્બરે દસમા હપ્તાની ચૂકવણી કરી હતી. અત્યાર સુધી કેન્દ્ર સરકારે દેશના 11.37 કરોડથી વધુ કિસાનોના બેન્ક ખાતામાં સીધા આશરે 1.58 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરી ચુકી છે.
ખેડૂત કુટુંબે લાભ મેળવવા શું કરવું ?
આ યોજનાનો લાભ લેવા માંગતા ખાતેદાર ખેડૂતોએ પોતાના ગામમાં જ નક્કી થયેલ સર્વિસ પ્રોવાઇડર મારફત(https://www.digitalgujarat.gov.in/) પોર્ટલ પર ઓનલાઇન અરજી કરાવવી.
વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિનીયોર (વી.સી.ઇ.), દુધ મંડળી, સહકારી મંડળી, અન્ય કોઇ સરકારી અથવા સહકારી સંસ્થા/વ્યક્તિ મારફત અરજી કરાવવી.
અરજીકર્તાએ એ વિગતો સહિતનું ફોર્મ અને સંલગ્ન એકરારનામાની પ્રિન્ટ લઈ સહી કરીને બેન્ક એકાઉન્ટ વિગત માટે ચેક/પાસબુકની નકલ અને આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ ડેટા એન્ટ્રી કેન્દ્ર ખાતે જમા કરાવવાની રહેશે.
તલાટીએ તમામ વિગતો / દસ્તાવેજો એકત્રિત કરી લેવાના રહેશે. યોજના અમલીકરણના પ્રથમ વર્ષના પ્રથમ હપ્તા તરીકે આધારકાર્ડ નંબર ન હોય તો, તેવા કિસ્સામાં આધાર એનરોલમેન્ટ નંબર, ડ્રાઇવીંગ લાયસન્સ, ચુંટણીકાર્ડ વગેરે ઓળખપત્ર તરીકે આપવાનું રહેશે. પરંતુ ત્યારબાદ આધારકાર્ડ તેમજ બેન્ક એકાઉન્ટની વિગત ફરજીયાત પણે આપવાની રહેશે.
જમીન ધારક ખેડૂત કુટુંબ પૈકી લેન્ડ રોકોર્ડ પર નામ ધરાવતા વ્યક્તિ જો ગામમાં ન હોય અથવા ગામમાં રહેતા ન હોય તો તેમના વતી ખેડૂત કુટુંબ પૈકીના અન્ય પુખ્ત વ્યક્તિ એકરારનામું રજુ કરી શકશે.
એકરાનામું કરનાર વ્યક્તિએ પોતાનું નામ અને જમીન ધારક સાથેનો સબંધ એકરારનામાના નીચે ઉલ્લેખ કરવાનો રહેશે.