Team VTV03:29 PM, 25 Aug 20
| Updated: 03:38 PM, 25 Aug 20
નાગરિકોમાં સ્વચ્છતા, ઝડપ અને નિયમિતતાના કારણે લોકપ્રિય બનેલી બીઆરટીએસ બસ સર્વિસને કોરોના મહામારીનું ગ્રહણ લાગવાથી આવકમાં જબ્બર ફટકો પડ્યો છે. ફકત બીઆરટીએસ જ નહીં, પરંતુ કોરોનાથી મ્યુનિ. તિજોરી પણ આવકના અભાવે ખાલીખમ રહેતી હોઇ મ્યુનિ. સત્તાવાળાઓએ આશરે રૂ.૧ર૦૦ કરોડના પ્રોજેક્ટ પડતા મૂકવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત બીઆરટીએસની કુલ ૬૦૦ ઈ-બસ પૈકી ૩૦૦ ઈ-બસનો કોન્ટ્રાક્ટ રદ કરાયો છે. હવે બાકીની ૩૦૦ ઈ-બસ સામે પણ અનિશ્ચિતતાનાં વાદળ ઘેરાયાં છે.
ગત તા.૧ ઓગસ્ટે મ્યુનિ. સત્તાધીશોએ કોરોનાથી વધેલા ખર્ચ અને આવકને પડેલી ગંભીર અસરના પગલે 'ફોર્સ મેજર' જાહેર કર્યું હતું, જેમાં લોકોની સુખાકારીના પ્રોજેક્ટને જાળવી રાખવા અને બીઆરટીએસ, સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા લેકફ્રન્ટ જેવા પ્રોજેક્ટને પડતા મૂકવાનો નિર્ણય લેવાયો હતો તે વખતે બીઆરટીએસના કેન્દ્રની સબસિડી વગરની ૩૦૦ ઈ-બસના ટેન્ડરને પણ રદ કરાયું હતું.
સપ્ટેમ્બર-ર૦૧૯માં બીઆરટીએસના સત્તાવાળાઓએ જનમાર્ગ લિમિટેડની બેઠકમાં પહેલાં કેન્દ્રની સબસિડી વગરની ૩૦૦ ઈ-બસના દસ વર્ષના કોન્ટ્રાક્ટને મંજૂરી આપી હતી. આનું ટેન્ડર ટાટાને અપાયું હતું, જોકે આ ૩૦૦ ઇ-બસ માટે કેન્દ્ર સરકાર તરફથી એક પણ રૂપિયાની સબસિડી મળવાની ન હતી, જેના કારણે એએમટીએસના ચેરમેન અતુલ ભાવસાર અને વિપક્ષ કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ વિરોધ કર્યો હતો.
મ્યુુનિ. સામાન્ય સભામાં પણ આ મુદ્દે હોબાળો થયો હતો. આમાંં ટાટા કંપનીને ૧૦ વર્ષના ઓપરેશન-મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ અપાયો હતો, જેમાં બસ ચલાવવા પ્રતિકિ.મી. રૂ.૬૧ કોન્ટ્રાક્ટરને ચૂકવવાના હતા, જોકે કેન્દ્રની પ્રતિબસ રૂ.૪પ લાખની સબસિડી ગુમાવવાનો વારો આવ્યો હતો, જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોર્સ મેજર હેઠળ આ કોન્ટ્રાક્ટ રદ કરાતાં બીઆરટીએસ તંત્ર પર ૧૦ વર્ષનું રૂ.૧,૦૦૦થી રૂ.૧ર૦૦ કરોડનો આર્થિક બોજો હળવો થશે.
હવે કેન્દ્રની સબસિડી ધરાવતી ઈ-બસનો વિવાદ ઊઠ્યો છે. તંત્ર દ્વારા કુલ ૩૦૦ સબસિડી ધરાવતી ઇ-બસ પૈકી ૧૮૦ બસનો કોન્ટ્રાક્ટ ટાટા કંપનીને અને ૧ર૦ બસનો કોન્ટ્રાક્ટ જેબીએમ કંપનીને અપાયો છે, જેમાં પ્રતિકિ.મી. રૂ.પ૪ના ભાવ સાથે આઠ વર્ષનો કોન્ટ્રાક્ટ કરાયો છે, જોકે આ કંપનીઓએ ચાલુ ઓગસ્ટ મહિનાથી પ૦-પ૦ ઇલેક્ટ્રિક બસની ડિલિવરી બીઆરટીએસ તંત્રને કરવાની હતી. જે મુજબ એક પણ કંપની બસની ડિલિવરી કરી શકી નથી.
ડિસેમ્બર-ર૦૧૯માં ટાટા અને જેબીએમ કંપનીને અપાયેલા વર્કઓર્ડરમાં બસની ડિલિવરી માટેનો સમય નક્કી કરાયો છે, જોકે આ બંને કંપનીએ બીઆરટીએસ તંત્રને બસની ડિલિવરી સમયસર આપી નહીં શકાય તેવી એક મહિના પહેલાં લેખિતમાં જાણ કરતાં આ અંગે હવે સત્તાવાળાઓએ નોટિસ ફટકારીને ખુલાસો માગ્યો છે.
અત્યારે શહેરમાં બીઆરટીએસનો વ્યાપ ૧૦૪ કિ.મી.નો છે, જેમાં ૧૪૩ બસ સ્ટેશન અને ર૦ કેબિન મળી કુલ ૧૬૩ સ્ટેશન-કેિબન છે. આમ, શહેરમાં બીઆરટીએસનો વ્યાપ સીમિત હોઇ ૬૦૦ નવી બસ મેળવીને તેને ક્યાં દોડાવાશે તેવા અણિયારા પ્રશ્ન ખુદ ભાજપના ટોચના હોદ્દેદારોએ તંત્રને પૂછ્યા હતા. અત્યારે તો બીઆરટીએસના સત્તાવાળાઓએ ટાટા અને જેબીએમ કંપનીને બસની ડિલિવરી સમયસર ન કરવા અંગે નોટિસ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ 'ફોર્સ મેજર'ના કારણે જે પ્રકારે તમામ પ્રોજેક્ટમાં મ્યુનિ. તંત્ર દ્વારા અનિશ્ચિતતાનો કલોઝ લાગુ કરાયો છે તેને જોતાં કેન્દ્રની સબસિડી ધરાવતી ૩૦૦ ઇ-બસના મામલે પણ અનિશ્ચિતતાનાં વાદળ ઘેરાયાં છે.
આમાં જે તે કંપની બસ ખરીદીને કોિરડોરમાં દોડતી કરવાની છે, પરંતુ આઠ વર્ષનો ઓપરેશન અને મેન્ટેનન્સનો ખર્ચ આશરે રૂ.પ૦૦ કરોડનો હોઇ કોરોના મહામારીના સમયમાં આર્થિક સંકટ અનુભવતું મ્યુનિ. તંત્ર ટેન્ડર સમૂળગું રદ કરે અથવા તો તેમાં ફેરફાર કરે તેવી પ્રબળ શક્યતા છે, જોકે કેન્દ્રની સબસિડી ધરાવતી ૩૦૦ ઈ-બસનો મામલો વિવાદગ્રસ્ત બન્યો તે બાબત તો ચોક્કસ છે.