મ્યુનિસિપલ કોર્પો.ના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને એએમટીએસ ઉપરાંત બીઆરટીએસ બસનો બીજો જાહેર પરિવહન સેવાનો વિકલ્પ આપવા માટે અમદાવાદ જનમાર્ગ લિ. નામની કંપની સ્થપાઇ છે, જોકે આ કંપની મ્યુનિ. કોર્પોરેશનની સો ટકા પેટાકંપની હોઇ એમઓયુ મુજબ મ્યુનિ. કમિશનર અમદાવાદ જનમાર્ગ લિ.ના અધ્યક્ષ છે એટલે મ્યુનિ. કોર્પો. સીધી રીતે બીઆરટીએસ બસના સંચાલન માટે જવાબદાર છે.
જોકે આમાં આઘાતજનક બાબત એ છે કે AMTSની જેમ BRTS પણ ખોટના ઊંડા ખાડામાં ધકેલાઇ રહી છે. ખુદ તંત્ર દ્વારા આપેલા આંકડા મુજબ બીઆરટીએસને છેલ્લાં નવ વર્ષમાં રૂ.રપ૩.પ૪ કરોડની ખોટ થઇ છે એટલે કે બીઆરટીએસ પણ મ્યુનિ. કોર્પો.ના સત્તાવાળાઓ માટે ખોટનો વેપાર બની છે.
અમદાવાદીઓને ઝડપી વિશ્વસનીય ઇકો ફ્રેન્ડલી અને એડ્વાન્સ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સેવા પૂરી પાડવા મ્યુનિ. કોર્પો. દ્વારા પ્રારંભે આરટીઓથી ચંદ્રનગર સુધીના રૂટ પર બીઆરટીએસ બસ સેવા ચલાવાઇ હતી, જ્યારે આજની સ્થિતિમાં અમદાવાદ જનમાર્ગ લિ. દ્વારા કુલ ૯૭ કિ.મી.નો વ્યાપ ધરાવતી બીઆરટીએસ સર્વિસ પર ૧૮૪ એસી બસ સહિત રપ૦ બસનો કાફલો છે, જે પૈકી દરરોજ ર૩૧ બસ રોડ પર દોડે છે અને ૧.પ૦ લાખ રોજિંદા પેસેન્જર્સને તંત્રને ૧૮ થી ર૦ લાખની આવક થાય છે, જોકે આવકની સામે બસના સંચાલનનો ખર્ચ પાંચ ગણો છે.
શહેરની બીઆરટીએસ સર્વિસને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે, જેમાં જર્મની, દુબઇ, યુએસએ વગેરે દેશોનો સમાવેશ થાય છે, જોકે બીઆરટીએસ સર્વિસ ચલાવવા મામલે સત્તાવાળાઓ રેઢિયાળ સાિબત થયા છે. સરસપુર-રખિયાલના કોર્પોરેટર તૌફિકખાન પઠાણ કહે છે, ગત ૧૪ ઓક્ટોબર, ર૦૦૯થી બીઆરટીએસ બસ સર્વિસનો પ્રારંભ કરાયો હતો, જોકે શરૂઆતથી બીઆરટીએસ બસ સર્વિસમાં ખોટ થઇ રહી છે.
વર્ષ ર૦૦૯-૧૦માં તંત્રને રૂ.ર.પ૭ કરોડની આવક સામે રૂ.૭.૦૭ કરોડનો ખર્ચ થતાં પહેલા વર્ષે જ રૂ.૪.૦પ કરોડની ખોટ સહેવી પડી હતી. ત્યાર પછીના વર્ષ ર૦૧૦-૧૧માં રૂ. ૯.ર૬ કરોડ, વર્ષ ર૦૧૧-૧રમાં રૂ. ૧.૩૪ કરોડ, વર્ષ ર૦૧૩-૧૪માં રૂ.૧૯.૮૦ કરોડ, વર્ષ ર૦૧૪-૧પમાં રૂ.રપ.ર૪ કરોડ, વર્ષ ર૦૧પ-૧૬માં રૂ.પ.૬૮ કરોડ, વર્ષ ર૦૧૬-૧૭માં રૂ.૧ર૩.ર૪ કરોડ, વર્ષ ર૦૧૭-૧૮માં પ૪.૪૪ કરોડની ખોટ થઇ હતી.
છેલ્લાં નવ વર્ષમાં સત્તાવાળાને રૂ.૪૩પ.૦પ કરોડની આવક સામે રૂ.૬૮૮.પ૬ કરોડનો ખર્ચ થતાં આટલા વર્ષમાં તંત્રની તિજોરીને રૂ.રપ૩.પ૪ કરોડનું આર્થિક નુકસાન સહેવું પડ્યું છે. બીઆરટીએસ બસ સર્વિસમાં થતા આર્થિક નુકસાનને રોકવા માટે તંત્ર દ્વારા કોઇ પગલાં લેવાતાં નથી તેમજ તેના આવક-જાવકના સરવૈયાનું મ્યુનિ. ઓડિટ વિભાગ પાસે ઓડિટિંગ કરાતું નથી, જોકે આ કંપની પૂર્ણપણે કોર્પોરેશન સંચાલિત છે.