ભારતના પ્રવાસે આવેલાં બ્રિટનના દિગ્ગજ ખ્રિસ્તી ધર્મગુરુ જસ્ટિન વેલ્બીએ જલિયાવાલ હત્યાકાંડ અંગે ખૂબ દુઃખ વ્યક્ત કર્યું હતું. વિશેષમાં તેઓએ અમૃતસરમાં આવેલાં જલિયાવાલા મેમોરીયલ ખાતે શાષ્ટાનગ દંડવત કરી માફી સાથે શ્રદ્ધાંજલિ આપી હતી. જો કે આ દ્રશ્ય જોઈ એમની સાથે આવેલાં સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયાં હતાં. આ સાથે આ ક્ષણની વૈશ્વિક મીડિયાએ પણ નોંધ લીધી છે.
વેલ્બી માફી માટેની પ્રાર્થના કરી અને મેમોરિયલ પર માથું નમાવીને નમન કર્યું
જલિયાવાલા હત્યાકાંડને 100 વર્ષ પૂર્ણ થતાં જસ્ટિન વેલ્બીએ મુલાકાત લીધી
ભારતના પ્રવાસે આવેલાં ખ્રિસ્તી ધર્મગુરૂ જસ્ટિન વેલ્બીએ મંગળવારે અમૃતસર સ્થિત જલિયાંવાલા બાગ હત્યાકાંડના મેમોરિયલની મુલાકાત કરી હતી. જ્યાં તેઓએ શાષ્ટાનગ દંડવત કરીને માફી માંગતા સૌને આશ્ચર્યમાં મુક્યા હતા.વેલ્બીએ જણાવ્યું કે "હું સરકાર માટે બોલી શકતો નથી કે સરકારે શું કરવાનું છે હું રાજનૈતિક વ્યક્તિ નથી, હું એક ધર્મગુરુ તરીકે અહીં જોઉં છું તે ઘટના પર શોક વ્યક્ત કરું છું."
અમૃતસર જલિયાવાલા મેમોરિયલને દંડવત કરતાં જસ્ટિન વેલ્બી (Photo: @JustinWelby)
જલિયાંવાલા હત્યાકાંડમાં આજથી 100 વર્ષ પૂર્વે 1919માં ભારતની આઝાદીની ચળવળ દરમિયાન વૈશાખીનો તહેવાર ઉજવવાં એકઠા થયેલાં હજારો લોકો પર જનરલ ડાયરના આદેશથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
મેમોરિયલની વિઝિટર્સ બુકમાં વેલ્બીએ લખ્યું કે,
વેલ્બીએ વધુમાં દુઃખ જતાવતાં વિઝિટર્સ બુકમાં લખ્યું કે "અહિંયા આવી આજથી 100 વર્ષ પેહલાં થયેલા અત્યાચારોની અનુભૂતિથી શરમની લાગણી અનુભવુ છે. મારો પહેલો પ્રતિસાદ એ છે કે ભારત અને તેના અદ્ભુત લોકો સાથેના આપણા સંબંધોની સારવાર માટે પ્રાર્થના કરવી. પરંતુ તે પ્રાર્થના મારામાં કાર્ય કરવાની ઇચ્છાને નવીકરણ આપે છે કે જેથી આપણે સાથે મળીને ઇતિહાસમાંથી શીખી શકીએ નફરતને જડમૂળથી કાઢી શકીએ. સમાધાનને પ્રોત્સાહન આપીએ અને વિશ્વમાં જે સારું છે એની શોધ કરીએ."
ટ્વિટર પર વેલ્બીએ દુઃખ વ્યક્ત કર્યું
ટ્વિટર પોસ્ટમાં તેમને જણાવ્યું કે "આજે અમૃતસરમાં જલિયાંવાલા બાગની મુલાકાત લીધા બાદ મને ખુબ દુઃખ અને શરમ લાગણી અનુભવાય છે અહીં 1919માં મોટી સંખ્યામાં શીખ તેમજ હિન્દુ મુસ્લિમ અને ખ્રિસ્તીઓની બ્રિટિશ સૈનિકો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી."
ભારતની મુલાકાત વિશે પૂછવામાં આવતા તેમને જણાવ્યું કે
"આ પ્રવાસ એક યાત્રાધામ જેવું છે.અહીંયા મને શીખવા મળેલા શિક્ષણના પાઠ હું ક્યારેય ભૂલીશ નહિ. હું આ દેશમાં વિશ્વ માટે સારૂ કરવાની સંભાવનાઓની પ્રશંશા કરું છું " તે બાદ તેમણે સુવર્ણ મંદિરની પણ મુલાકાત લીધી હતી.