એ સવાલ હંમેશાં લોકોની જિજ્ઞાસાનો વિષય રહ્યો છે કે શું બ્રહ્માંડમાં પૃથ્વી જેવો કોઇ ગ્રહ છે. શું એલિયનની પણ એક દુનિયા છે? વિજ્ઞાન સાથે જોડાયેલી ઘણી ફિલ્મમાં આપણે એલિયન્સ જોઇએ છીએ. દુનિયાભરના વિજ્ઞાનીઓ પણ એલિયન્સના અસ્તિત્વને લઇ અલગ અલગ પ્રકારની વાતો કરે છે. આ અંગે વિવિધ ધર્મની અલગ અલગ માન્યતા છે, પરંતુ તેનો સાચો જવાબ હજુ સુધી કોઇ પણ વ્યક્તિ પાસે નથી. તેનો ઉત્તર શોધવા માટે વિજ્ઞાનીઓ સંશોધન કરી રહ્યા છે.
હવે બ્રિટનની પહેલી મહિલા અંતરિક્ષયાત્રી હેલન શરમને દાવો કર્યો છે કે એલિયન હોય છે. તે પૃથ્વી ઉપરાંત અન્ય ગ્રહ પર પણ હોઇ શકે છે. તેણે કહ્યું કે આપણા બ્રહ્માંડ માં લાખો ગ્રહ-ઉપગ્રહ અને તારા છે. આ ખગોળીય પિંડનું પોતાનું એક અલગ વાતાવરણ છે અને પૃથ્વીનું વાતાવરણ તેમજ જીવન અન્યથી અલગ છે.
કદાચ એટલે આપણે તેને ઓળખી શકતા નથી. એક બ્રિટિશ પત્રિકામાં શરમના દાવા સામે આવ્યા છે. તેણે કહ્યું કે એલિયન મનુષ્યની જેમ કાર્બન અને નાઇટ્રોજનમાંથી ન બની શકે.
૫૬ વર્ષીય શરમને મે-૧૯૯૧માં રશિયા મોડ્યુલર અંતરિક્ષ સ્ટેશન મીરના એક મિશનમાં ભાગ લઇ ઇતિહાસ રચ્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે એ સમયે ખૂબ જ ખુશી થાય છે જ્યારે લોકો તમને બ્રિટિશ નાગરિકના બદલે બ્રિટનની પહેલી મહિલા અંતરિક્ષયાત્રી તરીકે જાણે છે.
તસ્વીર પ્રતિકાત્મક છે
અંતરિક્ષ વિજ્ઞાની સ્ટીફન હોકિંગે પણ માન્યું હતું કે એલિયનનું અસ્તિત્વ છે પણ તેમનું એ પણ માનવું હતું કે એલિયન્સ ને શોધવાના ચક્કરમાં આપણે આપણા જ માટે મોટી પરેશાની ઊભી કરી લઈશું. આ સદી ખતમ થશે ત્યાં સુધી વ્યક્તિ સામે ઘણી અન્ય પરેશાનીઓ ઊભી થવા લાગશે. આપણે બીજા ગ્રહ પર કોલોની બનાવવાના કામમાં અત્યારથી જ લાગી જવું જોઇએ.