breaking news magnitude earthquake near amreli gujarat today
BIG BREAKING /
4 દિવસમાં બીજી વખત ધ્રુજી અમરેલીની ધરા, 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવતા ચિંતા વ્યાપી
Team VTV10:51 AM, 23 Feb 23
| Updated: 10:56 AM, 23 Feb 23
સૌરાષ્ટ્રના અમરેલીમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. ભૂકંપે આ પંથકને વખતોવખત ધ્રુજાવી મૂક્યું છે. ત્યારે આજે સવારે ફરી અમરેલીની ધરા ધ્રુજી ઉઠી હતી.
અમરેલી ભૂકંપનો આંચકો અનુભવાયો
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઇ
આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા
છેલ્લા ઘણાં સમયથી અમરેલીનાં ખાંભા અને સાવરકુંડલા વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા આવતા રહે છે. ત્યારે આજે સવારે ફરી અમરેલીની ધરતી ધણધણી ઉઠી હતી. આ સવારે 9:06 કલાકે અમરેલી પાસે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો પોતપોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. જોકે, સદનસીબે આ વિસ્તારોના કોઇ ગામડામાં ભૂકંપનો અનુભવ થયો હોય તેવા સમાચાર મળી નથી રહ્યા.
આંચકા વારંવાર આવતા લોકોમાં ભયનો માહોલ
આજે વહેલી સવારે અમરેલીમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી છે. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું છે.. હાલમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે આર્થિક નુકશાનના સમાચાર સામે આવ્યા નથી. પરતું વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
19 ફેબ્રુઆરીએ આવ્યો હતો ભૂકંપ
આ પહેલા અમરેલીમાં ગત 19 ફેબ્રુઆરીએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રવિવારે સવારે 11.54 કલાકે અમરેલી જિલ્લાની ધરા ધ્રુજી ઉઠી હતી. અમરેલી પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
ખાંભા ગીર પંથકમાં પણ અનુભવાયો હતો
રવિવારે સવારે આવેલા ભૂકંપ આંચકો મિતિયાળાની સાથે ખાંભા ગીર પંથકમાં પણ અનુભવાયો હતો. ખાંભા ગીરના ભાડ, નાનુંડી, નાના વિસાવદર, વાંકિયા ગામમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રવિવારે અમરેલી જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિ.મી દૂર નોંધાયું છે. જોકે, ભૂકંપની તીવ્રતા વધુ ન હોવાથી કોઇ જાનહાની કે નુકસાન થયું નહોતું.
ભૂકંપ આવે તો શું કરવું ?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
ભૂકંપની તીવ્રતા કેવી રીતે માપાઇ છે?
7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.
0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.
6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.
8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.