ખાનગીકરણ પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલા રાજ્ય સરકાર સંચાલિત ભારત પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ (BPCL) એ જૂન ક્વાર્ટરમાં જબરદસ્ત નફો કર્યો છે.
સરકાર દ્વારા સંચાલિત ઓઇલ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ (BPCL) એ જૂન ક્વાર્ટરના પરિણામોમાં જબરદસ્ત નફો કર્યો છે. આ નફો એવા સમયે થયો છે જ્યારે સરકાર કંપનીને વેચવાની તૈયારીમાં છે. આપને જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં સરકારે BPCLમાં સરકારનો સંપૂર્ણ 52.98 ટકા હિસ્સો વેચવાની મંજૂરી આપી હતી.
BPCLને નફો થયો બમણો
ચાલુ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં બીપીસીએલનો નફો લગભગ બમણો રૂ. 2,076.17 કરોડ થયો છે. કંપનીએ શેર બજારને જણાવ્યું હતું કે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં તેનો ચોખ્ખો નફો 1,075.12 કરોડ હતો.
BPCLના જણાવ્યા અનુસાર, ભંડારમાં રાખેલા ક્રૂડ ઓઈલ પર થયેલા ફાયદાએ તેના રિફાઈનિંગ માર્જિન અને ઈંધણ વેચાણમાં થયેલા નુકસાનની ભરપાઈ કરી દીધી.
BPCL વેચવાની પ્રક્રિયા ચાલુ છે
ઉલ્લેખનીય છે કે દેશની બીજી સૌથી મોટી ઑઈલ રિફાઇનરી કંપની BPCLના ખાનગીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. BPCL માટે લેટર ઑફ ઇન્ટરેસ્ટ (EOI) સબમિટ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર છે. આ ત્રીજી વખત છે જ્યારે સરકારે EOI રજૂ કરવાની તારીખ વધારી છે. EOI દ્વારા માલૂમ પડે છે કે કઈ કઈ કંપનીઓ અથવા રોકાણકારો બોલી લગાવવા તૈયાર છે.
સરકાર આખો હિસ્સો વેચી રહી છે
સરકારે બીપીસીએલમાં તેના સમગ્ર હિસ્સાના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટની દરખાસ્ત કરી છે. સરકાર કંપનીમાં 114.91 કરોડ શેર ધરાવે છે, જે કંપનીમાં 52.98 ટકા હિસ્સો સમાન છે. આ સિવાય કંપનીનું મેનેજમેન્ટ કંટ્રોલ પણ સ્ટ્રેટેજિક બાયરને ટ્રાન્સફર કરવામાં આવશે.
નાણાકીય વર્ષ 2020-21 માટે સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટથી 2.10 લાખ કરોડ એકત્રિત કરવાનું મોટું લક્ષ્ય રાખ્યું છે. આ જ કારણ છે કે આ વર્ષે જીવન વીમા નિગમ એટલે કે LICનો IPO આવવાનો છે. IPO દ્વારા LICમાં સરકારી હિસ્સો ઘટાડવામાં આવશે. જ્યારે બીજી બાજુ, એર ઇન્ડિયાના વેચાણની પ્રક્રિયા પણ ચાલુ છે.