Bottles of liquor found behind Mehsana District Panchayat Office, Bottles of Beer found at Government Circuit House, Bhavnagar
દારૂબંધી? /
સરકારી કચેરીઓમાં દારૂના જામ છલકાયાં?, મહેસાણામાં જિ.પં. પરિસરમાં તો ભાવનગરમાં સર્કિટ હાઉસમાં બિયરની બોટલો મળી
Team VTV11:26 PM, 14 May 22
| Updated: 11:30 PM, 14 May 22
મહેસાણા જિલ્લા પંચાયત કચેરીની પાછળથી મળી દારૂની બોટલો, ભાવનગરના સરકારી સર્કિટ હાઉસમાં દારૂબંધીના લીરેલીરા
દારૂબંધી માત્ર નામ પૂરતી
મહેસાણા અને ભાવનગરમાં દારૂની બોટલો મળી
બોટલ સાથે ગ્લાસ અને સોડાની ખાલી બોટલોનો પણ ઢગલો મળ્યો
ગુજરાત રાજ્યમાં વર્ષોથી દારૂબંધી છે તેમ છતાંય અન્ય રાજ્યો કરતાં પણ વધારે પ્રમાણમાં ગેરકાયદેસર દારૂ વેચાઈ રહ્યો છે પણ તોય દારૂબંધીની વાત આવે એટલે દેશ આખામાંથી સૌની નજર ગુજરાત તરફ જાય..ગુજરાતની રાજકીય ચર્ચાઓમાં એવા પણ આરોપ લાગે છે કે ગુજરાતમાં તો દારૂબંધી માત્ર નામની છે..બીજી તરફ પોલીસ દારૂ-જૂગાર સહિત વરલી મટકાના ચાલતા અડ્ડાઓ અને બૂટલેગરોને કાબૂમાં લેવા માટે અનેક નવા અભિયાનો પણ ચલાવે છે.હવે સવાલ એ છે કે દારૂબંધીના કડક કાયદા છે તો દારૂની રેલમછેલ કેમ થાય છે?.દારૂબંધીના અભિયાનને આખરે નિષ્ફળ કોણ બનાવી રહ્યુ છે?
મહેસાણા જિલ્લા પંચાયત કચેરી અને ભાવનગરના સરકારી સર્કિટ હાઉસમાં દારૂની રેલમછેલ
રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પડોશી રાજ્ય અને સંઘ પ્રદેશોમાંથી રાજ્યમાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા ઠેર-ઠેર વાહન ચેકીંગ અને પેટ્રોલિંગ કરવામાં આવે છે.ત્યારે મહેસાણા અને ભાવનગરમાં સરકારી જમીનમાં જ દારૂબંધીના ધજાગરા જોવા મળ્યા છે. મહેસાણા જિલ્લા પંચાયત કચેરીની પાછળથી દારૂની બોટલો મળી આવી છે. બોટલ સાથે ગ્લાસ અને સોડાની ખાલી બોટલોનો પણ ઢગલો મળ્યો છે.ત્યારે જિલ્લા પંચાયત કચેરીમાં દારૂની મહેફિલ થતી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.તો ભાવનગરમાં મહુવા સર્કિટ હાઉસના સ્ટોરેજ રૂમમાંથી ખાલી બિયરના ટીનનો જથ્થો મળ્યો છે.સરકારી અધિકારીઓ રોકાય છે ત્યાંથી બિયરના ખાલી ટીન મળતા અનેક સવાલો ઉઠ્યા છે.સર્કિટ હાઉસમાં બિયરના ટીનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.આમ, સરકારી જગ્યાઓમાં જ દારૂબંધીના લીરેલીરા ઉડતા અનેક સવાલો ઊભા થયા છે.જો કે હાલ તો બંને જગ્યાએ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
સરકારી સર્કિટ હાઉસની જ આવી સ્થિતિ છે તો બીજા વિસ્તારની તો વાત જ શું કરવી ?
શું ગુજરાતમાં દારૂબંધી માત્ર ચોપડે કેમ ?
શા માટે ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ થતો નથી ?
સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં દારૂ બંધી હોવાના ખુદ સરકારી સર્કિટ હાઉસ લીરેલીરા ઉડાડી રહ્યું છે, મહુવા સર્કિટ હાઉસમાં ઢગલા બંધ ખાલી બિયર ટીન નો વિડિયો વાયરલ થતા તંત્ર દોડતું થયું હતું, જો કે, સર્કિટ હાઉસની અંદર પાછળના ભાગે સ્ટોરેજ રૂમમાં 10 થી 15 જેટલા ખાલી બિયર ટીનનો ઢગલો હતો,જ્યાં દેશભરમાંથી સરકારી બાબુઓ રોકાણ કરતા હોય છે ત્યાં બિયર ના ખાલી ટીન મળી આવ્યા છે, સરકારી વિશ્રાંતિ ગૃહમાં પ્રતિબંધિત ખાલી બિયર ટીન નો ઢગલો થયો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ અનેક સવાલો ઉઠી રહ્યા છે, જોકે આ બાબતે ભાવનગર ના ડી.વાય એસ.પીએ જણાવ્યું હતું કે હાલ વિડિયો ને લઇ તપાસ શરૂ કરી દેવામાં આવી છે તેમજ સર્કિટ હાઉસના મેનેજર તેમજ પીડબલ્યુડી ન અધિકારીને નોટિસ બજાવી તપાસ શરૂ કરી છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સર્કિટ હાઉસમાં જ દારૂબંધી ના લીરા ઉડાવતા દ્રશ્યો સામે આવતા સર્કિટ હાઉસમાં રોકાવા આવતા સરકારી બાબુઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે જો કે પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તે જરૂરી છે