બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / સેથળી ગામે ખોડિયાર માતાજીનું મંદિર, નવરાત્રીમાં વાવમાંથી બેડલા નીકળતા હોવાની લોકવાયકા
Last Updated: 06:40 AM, 23 March 2025
બોટાદ જિલ્લામાં બોટાદથી સાળંગપુર જતા રોડ પર સેથળી ગામ આવેલું છે. સેથળી ગામે વાવવાળા ખોડીયાર માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરે સેથળી ગામના લોકો દરરોજ માતાજીના દર્શને આવે છે અને ધન્યતા અનુભવે છે. ખોડીયાર મંદિર સેથળી ગામ તેમજ આસપાસના ગામોની આસ્થાનું કેન્દ્ર છે. સેથળી ગામે આવેલા વાવવાળા ખોડીયાર મંદિરનો ઈતિહાસ જોઈએ તો વર્ષો પહેલા કંકાવટી નગરી નામનું ગામ હતું બાદમાં આ ગામનું નામ સેથળી પડયું. અહિં વર્ષો જુની વાવ આવેલી છે. આ પાણીની વાવને એકવીસ પગથિયા છે અને વાવની બાજુમાં નાનકડી ખોડિયાર માતાજીની દેરી હતી. સેથળી ગામના લોકો અહિં માતાજીની પૂજા અર્ચના કરતા હતા અને માતાજી લોકોના ધાર્યા કામ કરતા.
ADVERTISEMENT
બોટાદના સેથળી ગામે વાવવાળા ખોડિયાર માતાજીનું મંદિર
ADVERTISEMENT
ગામના લોકોના જણાવ્યાં મુજબ આ પાણીની વાવ કોઈએ બનાવેલી નથી પરંતુ તે પહેલાથી જ છે તેમજ વર્ષો પહેલા નવરાત્રી દરમ્યાન આ પાણીની વાવમાંથી બેડલા બહાર નીકળતા હતા અને ગામ લોકો દર્શન કરતા એટલે બેડલા પરત વાવ મા સમાઈ જતા હતા. સેથળી ગામની અંદર પહેલા સાત વાવ હતી હાલ આ એક જ વાવ છે. કહેવાય છે કે આ વાવની અંદર ક્યારેય પાણી ખૂટતું નથી અને આ વાવની અંદર ઘણા બધા લોકો અકસ્માતે પડી ગયા છે પણ ક્યારેય કોઈનું મૃત્યું થયું નથી. આમ સેથળી ગામે પાણીની વાવ પાસે આવેલા ખોડિયાર માતાજી જે હાલ વાવવાળા ખોડિયાર તરીકે પ્રચલિત છે. સેથળી ગામે આવેલુ વાવવાળા ખોડિયાર માતાજીનું મંદિર જે પહેલા નાની દેરી હતી. સેથળી ગામની દિકરી અને ગઢડા સાસરે રહેતા મંજુલાબેન સોલંકી નામના મહિલાને વાવવાળા ખોડિયાર માતાજી પર અતુટ વિશ્વાસ અને શ્રધ્ધા હતી. મંજુલાબેન નાનપણથી માતાજીની પૂજા અર્ચના કરતા હતા. મંજુલાબેને મંદિર બનાવવાનો સંકલ્પ કરેલો. સમય જતાં વીસ વર્ષ પહેલાં શીખરબંધ મંદિર બનાવવાનું શરૂ કર્યું અને સેથળી ગામના સહકારથી આજે ભવ્ય મંદિર બન્યું છે.
આ પણ વાંચો: બોટાદમાં નદીઓના સંગમ પાસે પ્રાચીન મંદિર, જ્યાં નવહથ્થા હનુમાનજીની હજારો વર્ષ જૂની સ્વયંભૂ પ્રતિમા
વાવમાં અકસ્માતે પડી ગયેલાનું મૃત્યુ થયુ નથી
ચોમાસાની શરૂઆતના વરસાદ પછી સેથળી તેમજ આસપાસના ગામના લોકો સમુહમાં મંદિરે એકાવન મણની લાપસીના નિવેદ ધરાવે છે અને પછી શુકન લઈને વાવણીનો પ્રારંભ કરે છે. ગામની બહેનો દ્વારા દર રવિવારે માતાજીના મંદિરે ધૂન કિર્તન અને માતાજીના ગરબા કરવામાં આવે છે. સેથળી ગામના લોકોને ખોડીયાર માતાજી પ્રત્યે અતુટ શ્રદ્ધા છે.અને સેથળી સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં માતાજીના દર્શને આવે છે અને ધન્યતા અનુભવે છે. સેથળી ગામના પંદર થી વીસ યુવાનોનું મંડળ નવરાત્રી, શ્રાવણ માસ સહિતના ધાર્મિક તહેવારો નિમિત્તે મંદિરે ધામધૂમથી ઉજવણી કરે છે.અને ગામના તમામ લોકો દરેક તહેવારોની હર્ષભેર ઉજવણી કરે છે. તેમજ દર વર્ષે મંદિરના પટાંગણમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. અનેક નિસંતાન લોકોના ઘરે માતાજીના આશીર્વાદથી પારણા બંધાયા છે. બોટાદથી સાળંગપુર જતા વચ્ચે આવતું સેથળીગામનુ વાવવાળા ખોડિયાર માતાજીનું મંદિર સેથળી ગામ સહિત આસપાસના ગામોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.