આજે ટિકકટોક વીડિયોનો શોખ સૌ કોઇને લાગ્યો છે. નાનાથી લઇ મોટા સુધીના તમામ લોકો ટિકટોક વીડિયોના દીવાના છે. બધાં કરતાં અલગ બતાવવા માટેની લાયમાં લોકો એવા એવા વીડિયો બનાવે છે કે જેમાં તેમના જીવ પણ જતા રહે છે. ઇમ્પ્રેસ કરવા માટે લોકો કાયદા-કાનૂનની ઐસીતૈસી કરીને પણ વીડિયો બનાવે છે.
મેઘાણીનગર પોલીસ સ્ટેશનનો ચકચારી બનાવ
પોલીસ ટેબલ સામે જ લોકઅપ છતાં વીડિયો શૂટ કર્યો
પોલીસની ગંભીર લાપરવાહીઃ ડીસીપીએ તપાસના આદેશ આપ્યા
નાયક નહીં, ખલનાયક હૂં મૈં આ ગીત પર ગઇ કાલે એક બુટલેગરે લોકઅપની અંદર વીડિયો બનાવીને વાઇરલ કરતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ટેબલની સામે આવેલા લોકઅપમાં બુટલેગરે વીડિયો બનાવતાં પોલીસ કર્મચારીઓની કામગીરી પર સવાલ ઊભા થયા છે.
શહેરમાં દારૂ-જુગારની ડ્રાઇવ ચાલી રહી છે, જેમાં પોલીસ ઠેરઠેર દારૂ- જુગારના કેસ કરીને બુટલેગર તેમજ જુગારનો અડ્ડો ચલાવતા લોકોને પકડી રહી છે. મેઘાણીનગર પોલીસે કરણ ઉર્ફે તોતલા શેખાવત નામના બુટલેગરને ૧૩ર બોટલ ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. કરણની ધરપકડ બાદ તેને પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો.
મેઘાણીનગર પોલીસે કરણ ઉર્ફે તોતલા શેખાવત નામના આરોપીને લોકઅપમાં રાખ્યો હતો ત્યારે તેના અન્ય ચાર મિત્રો મળવા માટે આવ્યા હતા. તોતલાની મુલાકાત દરમિયાન ચાર મિત્રો પૈકી એક મિત્રએ તેને મોબાઇલ ફોન આપ્યો હતો, જેમાં તેણે લોકઅપની અંદરથી જ ટિકટોક વીડિયો બનાવી પોલીસ તંત્રની ધજ્જીઓ ઉડાવી દીધી હતી.
રાજ્ય પોલીસવડાએ પ્રોહિબિશનના કેસ કરવા સૂચના આપ્યા બાદ પોલીસે કડક અમલવારી કરી આ કેસ કર્યો હતો. નાયક નહીં, ખલનાયક હૂં મૈંનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસની કામગીરી પર અનેક સવાલ ઊભા થયા છે. કરણનો ઇતિહાસ પહેલાં પણ ખરાબ રહ્યો છે, તેના વિરુદ્ધ દારૂના કેસ પણ નોંધાઇ ચૂક્યા છે.
આ ઘટનાથી પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ઝોન-૪ ડીસીપી નીરજ બડગુર્જરે આ બાબતે ઇન્ક્વાયરી સોંપી તપાસ કરવાના આદેશ આપ્યા છે અને પોલીસની બેદરકારી હશે તો પગલાં લેવામાં આવશે તેવી વાત કરી છે. આ સિવાય CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવશે. આરોપીએ વીડિયો ક્યારે બનાવ્યો છે તેની તપાસ કરવામાં આવી
રહી છે.
લોકઅપની જવાબદારી પીએસઓ ટેબલમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની હોય છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પીએસઓ ટેબલની સામે જ લોકઅપ આવેલું છે ત્યાં સીસીટીવી કેમેરા પણ ગોઠવેલા છે. મહત્ત્વનું છે કે લોકઅપમાં જ્યારે કોઇ આરોપીને રાખવામાં આવે ત્યારે તેના સગાંસંબંધીઓ પણ તેની મુલાકાત લઇ શકતા નથી ત્યારે ચાર-ચાર યુવકો કરણને મળવા માટે લોકઅપ સુધી જાય છે અને તે ટિકટોક વીડિયો બનાવે છે તો તેમાં પોલીસ કર્મચારીએ તેમને રોક્યા કેમ નહીં.
આરોપી કરણને પોલીસ સ્ટેશનના લોકઅપમાં મોબાઈલ કોણે આપ્યો તેના પર સવાલ ઊભા થઇ રહ્યા છે. પોલીસ લોકઅપમાં જ સીસીટીવી કેમેરા હોય છે, જે ર૪ કલાક કાર્યરત હોય છે તો પછી કેમ પીએસઓ કે અન્ય પોલીસ કર્મચારીઓએ સીસીટીવીમાં ન જોયું. પીએસઓની સ્પષ્ટ બેદરકારી સામે આવી હોવાનું જણાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં પોલીસ કર્મચારીઓના પણ ટિકટોક વીડિયો વાઇરલ થતાં પોલીસબેડામાં ચર્ચા શરૂ થઇ ગઇ હતી, જ્યારે હવે આરોપીનો વીડિયો સામે આવતાં પણ અનેક સવાલ ઊભા થયા છે.