શ્રીલંકાના કોલંબો એરપોર્ટ પાસેથી એક બોમ્બ મળી આવ્યો છે. જો કે શ્રીલંકાની પોલીસે બોમ્બને નિષ્ક્રિય કરી દીધો છે. ગતરોજ શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા ત્યારે આજે વધુ એક બોમ્બ મળી આવતાં પોલીસ સતર્ક બની છે. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકામાં રવિવારે ઇસ્ટરના પર્વ પર કોલંબો સહિત 3 શહેરોના ત્રણ ચર્ચ અને ચાર હોટલ સહિત 8 જગ્યાએ બ્લાસ્ટ થયા.
જેમાં 35 વિદેશીઓ સહિત 265 લોકોનાં મોત નિપજ્યાં છે. મૃતકોમાં 4 ભારતીયોનો પણ સામેલ છે. જ્યારે 500 લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટમાં સામેલ 7 જેટલાં સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે. શરૂઆતના 6 વિસ્ફોટ લગભગ એક જ સમયે સવારે 8-45 વાગ્યે થયા. જ્યારે બાકીના બે વિસ્ફોટ બપોરે બેથી અઢી વચ્ચે કોલંબોમાં થયો. 2009માં શ્રીલંકામાં LTTE તમિલ વિદ્રોહી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમનો ખાતમો થઈ ગયો હતો, જે બાદનો આ સૌથી મોટો હુમલો છે.
પહેલો વિસ્ફોટ કોલંબોના કોચ્ચિકડેમાં સ્થિત સેંટ એન્થની ચર્ચમાં સ્થાનિક સમય મુજબ 8:45 વાગ્યે થયો, જો ત્યાર બાદ નેગોંબોના કતુવપિતિયામાં સ્થિત સેંટ સેબેસ્ટિયન ચર્ચ અને બટ્ટિકલોઆ સ્થિત એક ચર્ચમાં વિસ્ફોટ થયો. આ ઉપરાંત કોલંબોમાં શાંગરી લા હોટલ, કિંગ્સબરી હોટલ અને સિનમન ગ્રાંડ હોટલમાં બ્લાસ્ટ થયા. સૂત્રો પ્રમાણે, કોલંબોમાં હોટલમાં થયેલા બ્લાસ્ટમાં આશરે 45 લોકોના મોત થયા છે. આ સાથે જ નેગોંબોના ચર્ચમાં 68 અને બટ્ટટકલોઆમાં 27 લોકોના મોત થયા હતા.