કાળા મરીનો ઉપયોગ બધાંના ઘરમાં કરવામાં આવે છે. પણ ઘણી નાની-નાની સમસ્યાઓમાં તેના નુસખાઓ વિશે લોકોને ખબર હોતી નથી. કાળા મરીમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિઈન્ફ્લેમેટરી પ્રોપર્ટી હોવાને કારણે ખૂબ જ અસરકારક ઔષધી પણ માનવામાં આવે છે. રોજ કાળા મરીનો ઉપયોગ કરવાથી ઘણાં રોગો સામે રક્ષણ પણ મળે છે.
કાળા મરીના ફાયદાઓ તથા ઉપયોગ:
- ઉધરસ વધુ હોય અને ઊંઘી ન શકતા હોય તો મરીના એકાદ દાણાને મોંમાં મૂકી ચૂસતા રહો. ઉધરસમાં આરામ મળશે તથા ઊંઘ પણ સારી આવશે. થોડો આદુ તથા 3-4 મરી ભેગા કરી ઉકાળો બનાવી પીવાથી તરત ઉધરસમાં લાભ થશે. ચાને બદલે આનો પ્રયોગ કરી શકો છો.
- ઉધરસ તથા તેની સાથે નબળાઈ પણ લાગતી હોય તો 20 ગ્રામ મરી, 100 ગ્રામ બદામ, 150 ગ્રામ ખાંડ અથવા સાકર મેળવી તેને દળીને પાવડર બનાવી શીશીમાં ભરી લો. 1 ગ્રામ જેટલું સવાર-સાંજ ગરમ દૂધ કે પાણી સાથે લેવાથી જૂની ઉધરસ મટી જશે. તેનાથી નબળાઈમાં પણ લાભ થાય છે.
- હેડકી અથવા માથાના દુખાવામાં મરીના 3-4 દાણાને બાળી તેનો ધૂમાડો સૂંઘવાથી લાભ થાય છે.
- કાળા મરીમાં આયર્ન વધુ માત્રામાં હોય છે. જેથી તેને ડાયટમાં ખાવાથી લોહીની ઊણપની સમસ્યા દૂર થાય છે.
- કાળા મરીમાં પેપરીન હોય છે. જે મેટાબોલિઝ્મને વધારે છે. જેનાથી બોડીમાં ફેટ જલ્દી બર્ન થાય છે અને વજન કંટ્રોલમાં રહે છે.
- શીતપિત્ત થયું હોય તો 4-5 કાળા મરી વાટી તેમાં એક ચમચી હૂંકાળું ઘી તથા ખાંડ મેળવીને પીવાથી લાભ થાય છે.