BJP MLA Kumar Kanani's open letter to the Municipal Corporation
રજૂઆત /
ગંદકી દૂર કરો નહીં તો મારે પણ જન આંદોલનમાં...: ભાજપના MLAની તંત્રને ખુલ્લી ચિમકી
Team VTV12:05 PM, 28 Jan 23
| Updated: 12:11 PM, 28 Jan 23
સુરતમાં ભાજપના જ ધારાસભ્યએ તંત્ર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ તંત્રને ખુલ્લો પત્ર લખીને કહ્યું છે કે, લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ગયા છે. જો લોકો જન આંદોલન કરશે તો ના છૂટકે મારે પણ આંદોલનમાં જોડાવું પડશે.
લોકો જન આંદોલન કરશે તો મારે પણ આંદોલનમાં જોડાવુ પડશેઃ કાનાણી
એક તરફ સુરત શહેરે સતત ત્રીજા વર્ષે ક્લીન સિટીનો એવોર્ડ જીત્યો છે તો બીજી તરફ વરાછાના ખાડી વિસ્તારની અસંખ્ય સોસાટીઓ ગંદકીનું સામ્રાજ્ય બની ગઈ છે. લોકો ગંદકી, દુર્ગંધ અને મચ્છરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. વર્ષોથી અનેક રજૂઆત કરવા છતાં તેમની સમસ્યાઓનું કોઈ નિવારણ આવ્યું નથી. જેથી સ્થાનિકો દ્વારા વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીને રજૂઆત કરવામાં આવતા તેમણે તંત્રને ખુલ્લો પત્ર લખી આંદોલનની ચીમકી આપી છે.
લોકો ગંદકી અને દુર્ગંધના ત્રાસથી પોકારી ગયા છે ત્રાહિમામઃ કુમાર કાનાણી
ધારાસભ્ય કાનાણીએ સુરત મહાનગરપાલિકાના કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મારા વિસ્તારમાં આવેલ ખાડીના કિનારા પર અસંખ્ય સોસાયટીના લોકો મચ્છર, ગંદકી તેમજ દુર્ગંધના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે, વર્ષોથી આ પ્રશ્ન બાબતે વારંવાર રજૂઆતો કરતા આવ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા કોઈ કામગીરીનો રિપોર્ટ પણ આપવામાં આવતો નથી
કુમાર કનાણીનો ખુલ્લો પત્ર
લોકોએ જન આંદોલન કરવાની આપી છે ધમકીઃ કાનાણી
પત્રમાં લખ્યું છે કે, કામની સમીક્ષા પણ કરવામાં આવતી નથી અને મને ફોન પર ફક્ત જવાબ આપી દેવામાં આવે છે કે કામ ચાલું છે, થઈ જશે. પરંતુ કામ થતું નથી અને લોકો કંટાળી ગયા છે. અસંખ્ય સોસાયટીના લોકો દ્વારા મારી પાસે આવી આ પ્રશ્ન હલ કરવાની રજૂઆત કરેલ છે અને જો પ્રશ્ન હલ ન થાય તો જન આંદોલન કરવાની પણ ધમકી આપેલ છે. તો આ પ્રશ્ન તાત્કાલિક હલ કરવા મારી માંગણી છે.
....તો મારે પણ આંદોલનમાં જોડાવું પડશેઃ ધારાસભ્ય કાનાણી
ભાજપના ધારાસભ્યએ તંત્ર સામે આંદોલનની ચીમકી આપતા પત્રમાં લખ્યું છે કે, જો લોકો જન આંદોલન કરશે તો ના છૂટકે મારે પણ આ જન આંદોલનમાં જોડાવું પડશે તેની ખાસ નોંધ લેશો.
કુમાર કાનાણી (ધારાસભ્ય, વરાછા)
સતત ત્રીજા વર્ષે સુરતે જીત્યો હતો ક્લી સિટીનો એવોર્ડ
આપને જણાવી દઈએ કે, દેશના સૌથી સ્વચ્છ શહેરોના સર્વેમાં ગુજરાતમાંથી સુરતે બાજી મારી હતી. સુરત ફરી એકવાર ભારત બીજા નંબરનું સ્વચ્છ શહેર તરીકે ઉભરી આવ્યું હતું. 40 લાખથી વધુની વસ્તી ધરાવતા સૌથી ક્લીન સિટીનો એવોર્ડ સતત ત્રીજા વર્ષે સુરતે જીત્યો હતો. ઓક્ટોબર 2022માં કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ 2022નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
નંબર વન ક્લીન સિટી બનવા માટે કરી હતી તનતોડ મહેનત
દેશના નંબર વન ક્લીન સિટી બનવા માટે સુરત શહેરના તંત્ર દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી. તેથી આ વખતે સુરત શહેર ઈન્દોરને પછાડીને દેશનું નંબર વન ક્લીન સિટી બનશે તેવી આશા હતી પરંતુ નિરાશા મળી હતી. આ વખતે ફરી એકવાર મધ્યપ્રદેશના ઈન્દોર શહેરે દેશાના નબંર વન સ્વચ્છ શહેર તરીકે બાજી મારી લીધી હતી.